શું RVNL અને IRCON નું થશે મર્જર? સમાચાર આવતા જ રેલવે PSU શેરોમાં તોફાની તેજી, 11% સુધી ઉછળ્યા ભાવ
RVNL IRCON merger: શું RVNL અને IRCONનું મર્જર થવા જઈ રહ્યું છે? આ સમાચાર આવતા જ શેરબજારમાં રેલવે PSU શેરોમાં 11% સુધીનો ઉછાળો જોવા મળ્યો. જાણો આ બંને કંપનીઓ અને શેરોની સંપૂર્ણ વિગત.
RVNL IRCON merger: આજે 6 માર્ચના રોજ શેરબજારમાં રેલવે સેક્ટર સાથે જોડાયેલી સરકારી કંપનીઓ (Railway PSU)ના શેરોમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલવે મંત્રાલયે IRCON ઇન્ટરનેશનલને રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) સાથે મર્જ કરવાનો ઔપચારિક પ્રસ્તાવ આગળ વધાર્યો છે. બસ આ સમાચાર વહેતા થતાની સાથે જ રોકાણકારોએ રેલવે શેરોમાં ભારે ખરીદી શરૂ કરી દીધી હતી, જેના કારણે કેટલાક શેરોના ભાવ તો 11 ટકા સુધી ઉછળી ગયા હતા.
શેરોમાં કેટલી જોવા મળી તેજી?
બપોરે લગભગ 12:30 વાગ્યાની આસપાસ IRCON ઇન્ટરનેશનલનો શેર 11 ટકાના મોટા ઉછાળા સાથે 148.35 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ RVNL ના શેરમાં પણ 3 ટકાનો વધારો નોંધાયો હતો અને તે 288.3 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો.
માત્ર આ બે જ નહીં, પરંતુ અન્ય રેલવે શેરોમાં પણ આ સમાચારની પોઝિટિવ અસર જોવા મળી હતી:
* RailTel: આ કંપનીના શેર 4.2 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યા હતા.
* RITES: આ શેરમાં પણ લગભગ 3.5 ટકાની શાનદાર તેજી જોવા મળી હતી.
* IRFC: આ ઉપરાંત, IRFC ના શેર પણ 1.5 ટકાના વધારા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
શું કામ કરે છે આ બંને કંપનીઓ?
જો મર્જરની વાત ચાલી રહી છે, તો એ જાણવું પણ જરૂરી છે કે આ બંને કંપનીઓનો બિઝનેસ શું છે.
IRCON ઇન્ટરનેશનલ: આ એક એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપની છે, જે ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્સમાં મહારત ધરાવે છે. આ કંપનીનું ઇન્ટરનેશનલ લેવલ પર પણ ખૂબ જ મજબૂત નેટવર્ક છે. અત્યાર સુધીમાં તે સાઉથ-ઈસ્ટ એશિયા અને મિડલ ઈસ્ટ સહિત 31 દેશોમાં 900 થી વધુ પ્રોજેક્ટ્સ પૂરા કરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે આ એક નવરત્ન (Navratna) સરકારી કંપની છે.
રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL): આ કંપની ભારતીય રેલવેના પ્રોજેક્ટ્સને પાર પાડવા માટે રેલવે મંત્રાલયની મુખ્ય એજન્સી છે. આપણા દેશમાં રેલવે ઇલેક્ટ્રિફિકેશન (વિદ્યુતીકરણ) ના 25 ટકાથી વધુ કાર્યોની જવાબદારી RVNL એ નિભાવી છે. IRCON ની જેમ આ કંપની પણ નવરત્ન સરકારી કંપનીનો દરજ્જો ધરાવે છે.
(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી ન્યૂઝ રિપોર્ટ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે. કોઈપણ શેરમાં રોકાણનો નિર્ણય લેતા પહેલા તમારા સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ ચોક્કસ લેવી. રોકાણના નફા-નુકસાન માટે વેબસાઇટ કે મેનેજમેન્ટ જવાબદાર નથી.)