RBIના નિયમોનું પાલન કરવા Tata Sons તૈયાર, ઓક્ટોબરના પત્રમાં આપી હતી ખાતરી
ટાટા સન્સે RBIને અપર લેયર NBFCs માટેના તમામ નિયમોનું પાલન કરવાની તૈયારી દર્શાવી છે. 6 ઓક્ટોબરના પત્રમાં કંપનીએ નિયમો અને લિસ્ટિંગની સમયમર્યાદા અંગે સ્પષ્ટતા માગી હતી. RBIએ 16 નવેમ્બરે સ્પષ્ટ કર્યું કે કંપનીએ લિસ્ટિંગ સહિતના તમામ લાગુ નિયમોનું પાલન કરવું પડશે.
ટાટા સન્સની લિસ્ટિંગ અંગે RBIએ વલણ સ્પષ્ટ કર્યું છે. કંપનીએ નિયમોનું સંપૂર્ણ પાલન કરવાની તૈયારી દર્શાવી છે. હવે 26 નવેમ્બરની બોર્ડ બેઠક પર નજર રહેશે.
ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સની શેરબજારમાં લિસ્ટિંગને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા હવે દૂર થતી જોવા મળી રહી છે. કંપનીએ ભારતીય રિઝર્વ બેંક (RBI)ને જણાવ્યું છે કે તે નિયમોનું સંપૂર્ણ પાલન કરવા ઇચ્છુક છે. મનીકન્ટ્રોલના અહેવાલ મુજબ, ટાટા સન્સે 6 ઓક્ટોબરે RBIને લખેલા પત્રમાં 'અપર લેયર'માં વર્ગીકૃત નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) માટેના નિયમોના પાલન અંગે સ્પષ્ટતા માગી હતી.
કંપનીએ RBIને પૂછ્યું હતું કે આ નિયમોનું પાલન કઈ સમયમર્યાદામાં કરવાનું રહેશે. તેનું કારણ એ હતું કે લિસ્ટિંગ સંબંધિત નિયમો લાગુ કરવાની સમયમર્યાદા અંગે સ્પષ્ટતા નહોતી.
આ દરમિયાન RBIએ ટાટા સન્સની લિસ્ટિંગ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કેન્દ્રીય બેન્કે કંપનીને પત્ર લખીને 'અપર લેયર' NBFCs માટે લાગુ પડતા નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. RBIએ જણાવ્યું છે કે ટાટા સન્સે તેની વેબસાઇટ પર દર્શાવેલા તમામ સંબંધિત નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે. તેમાં શેરબજારમાં લિસ્ટિંગની અનિવાર્યતા પણ સામેલ છે.
ટાટા સન્સના બોર્ડની બેઠક 26 નવેમ્બરે યોજાવાની છે. આ બેઠકમાં લિસ્ટિંગ સહિતના મુદ્દાઓ પર શું નિર્ણય લેવાય છે તેના પર બજારની નજર રહેશે.
ટાટા સન્સે 6 ઓક્ટોબરના પત્રમાં શું કહ્યું હતું?
અહેવાલ મુજબ, ટાટા સન્સે 6 ઓક્ટોબરે RBIને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે કંપની કેન્દ્રીય બેન્કના તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરવા ઇચ્છે છે અને તેના માર્ગદર્શક નિયમોનું પાલન કરવા માટે જરૂરી પગલાં લેવા પણ તૈયાર છે. આ ઉપરાંત, કંપનીએ લાગુ પડતા નિયમો અને તેનું પાલન કરવાની સમયમર્યાદા અંગે RBI પાસેથી સ્પષ્ટતા અને માર્ગદર્શન માગ્યું હતું.
તેના જવાબમાં RBIએ 16 નવેમ્બરની મોડી સાંજે સ્પષ્ટતા કરી હતી કે ટાટા સન્સે 'અપર લેયર' (NBFC-UL)માં આવતી NBFCs માટેના તમામ નિયમોનું પાલન કરવું પડશે. તેમાં હાલના નિયમો મુજબ લિસ્ટિંગની શરત પણ સામેલ છે.
આ મામલાથી પરિચિત એક વ્યક્તિના જણાવ્યા મુજબ, RBIના આ જવાબથી ટાટા સન્સનું લિસ્ટિંગ લગભગ અનિવાર્ય હોવાનું સ્પષ્ટ થયું છે.