મેટલ શેરોમાં જબરદસ્ત તેજી: સતત 5માં દિવસે નિફ્ટી મેટલ ગ્રીન ઝોનમાં, શું હવે ખરીદી કરવી કે પ્રોફિટ બુક કરવો?
Metal Stocks: મેટલ સેક્ટરમાં રોકાણકારો માટે સારા સમાચાર છે. સતત 5 દિવસથી મેટલ શેરોમાં તેજી જોવા મળી રહી છે. જાણો NMDC અને SAIL જેવા શેરોમાં ઉછાળાના કારણો અને એક્સપર્ટ્સનો અભિપ્રાય. શું આ તેજી 2026 સુધી ટકશે? વાંચો વિગતવાર અહેવાલ.
Metal Stocks: મેટલ સેક્ટરમાં રોકાણકારો માટે સારા સમાચાર છે. સતત 5 દિવસથી મેટલ શેરોમાં તેજી જોવા મળી રહી છે.
Metal Stocks: ભારતીય શેરબજારમાં હાલ મેટલ સેક્ટરના શેરોની ચમક ખૂબ જ વધી છે. મેટલ કંપનીઓના શેરોમાં આજે સતત 5માં દિવસે પણ ખરીદીનો જોરદાર માહોલ જોવા મળ્યો હતો. જો છેલ્લા થોડા સમયના આંકડા પર નજર કરીએ તો, 15 દિગ્ગજ મેટલ કંપનીઓના શેરોને ટ્રેક કરતો નિફ્ટી મેટલ ઈન્ડેક્સ છેલ્લા 10 ટ્રેડિંગ સેશનમાં 9 દિવસ સુધી ગ્રીન ઝોનમાં રહ્યો છે, જે રોકાણકારો માટે ખૂબ જ પ્રોત્સાહક છે.
આજના કારોબારની વાત કરીએ તો, નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 0.75%ના વધારા સાથે 10,748.95ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો, એનએમડીસી (NMDC) ના શેરમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી જે લગભગ 4% જેટલો ઉછળ્યો હતો. આ ઉપરાંત, લોયડ્સ મેટલ્સ (Lloyds Metals)માં પણ 3%ની તેજી આવી હતી. જ્યારે હિન્દુસ્તાન કોપર અને સેલ (SAIL)ના શેરો પણ 2-2% થી વધુ વધ્યા હતા. INVasset PMSના બિઝનેસ હેડ હર્ષલ દાસાણીના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોમાં હિન્દુસ્તાન કોપર, હિન્દાલ્કો, વેદાંતા અને સેલ જેવા મહત્વના શેરોએ નવી ઊંચાઈ સ્પર્શી છે. સંસ્થાકીય રોકાણકારોની વાપસી અને વોલ્યુમમાં ઉછાળો બજાર માટે સારો સંકેત છે.
મેટલ સ્ટોક્સમાં આવેલી તેજી પાછળના કારણ
મેટલ શેરોમાં આવેલી આ તેજી પાછળ મુખ્યત્વે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની આશા જવાબદાર છે. એક્સિસ સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ આદિત્ય વેલેકરનું માનવું છે કે, 2026 માં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે તેવી આશાએ મેટલના ભાવ વધી રહ્યા છે. અમેરિકામાં લેબર માર્કેટમાં નરમી આવતા વ્યાજદર ઘટવાની શક્યતા વધી છે, જે મેટલ સેક્ટર માટે પોઝિટિવ સમાચાર છે.
બીજું મોટું કારણ ચીનની નીતિઓ છે. ચીનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર ગ્રીડ અને રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે સરકારે જે પોલિસી સપોર્ટ જાહેર કર્યો છે, તેના કારણે સ્ટીલ, કોપર, એલ્યુમિનિયમ અને ઝિંકની માંગમાં સુધારો થયો છે. પ્રોપર્ટી સેક્ટર ભલે નબળું હોય, પરંતુ ચીનમાં ઔદ્યોગિક ગતિવિધિઓ સ્થિર થવાથી મેટલના ભાવને ટેકો મળ્યો છે.
સપ્લાય અને ડિમાન્ડનું સમીકરણ
આ ઉપરાંત, સપ્લાય અને ડિમાન્ડનું સમીકરણ પણ ભાવ વધારાનું કારણ બન્યું છે. હર્ષલ દાસાણી અને આદિત્ય વેલેકર બંનેનું માનવું છે કે કોપર અને એલ્યુમિનિયમ જેવા બેઝ મેટલ્સની સપ્લાય મર્યાદિત છે, જ્યારે સામે માંગ મજબૂત છે. ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના વિસ્તારને કારણે ચાંદી અને અન્ય મેટલ્સની માંગ વધી રહી છે. વેલ્થ1 ના બિઝનેસ હેડ ચાર્મી શાહ જણાવે છે કે સોના, ચાંદી અને તાંબામાં આવેલી તેજી માત્ર કાગળ પર નથી, પરંતુ ફિઝિકલ સપ્લાયમાં આવેલી ઘટ પણ દર્શાવે છે. નવી માઈન્સમાં ઓછું રોકાણ અને પર્યાવરણને લગતા કડક નિયમોને કારણે ઉત્પાદન ક્ષમતા વધારવી મુશ્કેલ બની છે.
મેટલ સેક્ટરમાં આગળ શું કરવું?
હવે સવાલ એ થાય છે કે આગળ શું થશે? એક્સપર્ટ્સનું માનવું છે કે મેટલ શેરોમાં તેજી જળવાઈ રહી શકે છે, પરંતુ થોડી વોલેટિલિટી પણ જોવા મળી શકે છે. જ્યાં સુધી અમેરિકન ડોલર નબળો છે અને ફેડરલ રિઝર્વનું વલણ નરમ છે, ત્યાં સુધી મેટલ શેરોને સપોર્ટ મળશે. જોકે, રોકાણકારોએ આંધળી દોટ મૂકવાને બદલે જે કંપનીઓની બેલેન્સ શીટ મજબૂત હોય અને ઉત્પાદન ખર્ચ ઓછો હોય તેવી કંપનીઓ પર ફોકસ કરવું જોઈએ.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના અંગત વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યુઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.