હવે ગામડામાં રહેતા ગ્રાહકો પણ 25 દિવસના અંતરે પોતાનો ગેસ સિલિન્ડર રિફિલ કરાવી શકશે.આ નવા નિર્ણયથી શહેર અને ગામડાના તમામ ઘરેલુ LPG ગ્રાહકો માટે બુકિંગનો સમયગાળો હવે એકસમાન થઈ ગયો છે.
LPG Cylinder : સામાન્ય જનતા માટે કેન્દ્ર સરકારે એક મોટી અને રાહત આપનારી જાહેરાત કરી છે. ખાસ કરીને રાંધણ ગેસનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે આ ખૂબ જ અગત્યના સમાચાર છે. હવે તમારે નવો ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે 45 દિવસ સુધી રાહ જોવી નહીં પડે. નવી વ્યવસ્થા મુજબ, સરકારે આ નિયમ બદલી નાખ્યો છે અને હવે તમે માત્ર 25 દિવસ પછી જ નવો સિલિન્ડર બુક કરી શકશો.
શહેરો અને ગામડાઓ વચ્ચેનો ભેદભાવ દૂર
અત્યાર સુધી એવો નિયમ હતો કે ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોએ નવો ગેસ સિલિન્ડર બુક કરવા માટે 45 દિવસ સુધી રાહ જોવી પડતી હતી, જ્યારે શહેરોમાં આ નિયમ અલગ હતો. પરંતુ હવે આ સમયગાળો ઘટાડીને 25 દિવસ કરી દેવામાં આવ્યો છે.
એટલે કે, હવે ગામડામાં રહેતા ગ્રાહકો પણ 25 દિવસના અંતરે પોતાનો ગેસ સિલિન્ડર રિફિલ કરાવી શકશે.આ નવા નિર્ણયથી શહેર અને ગામડાના તમામ ઘરેલુ LPG ગ્રાહકો માટે બુકિંગનો સમયગાળો હવે એકસમાન થઈ ગયો છે.
45 દિવસનો નિયમ કેમ હતો અને હવે કેમ બદલાયો?
સરકારે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે અગાઉ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષના કારણે ગ્લોબલ માર્કેટમાં ગેસના સપ્લાય પર ભારે દબાણ ઊભું થયું હતું. આ જ કારણસર ગામડાઓમાં બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે 45 દિવસનું મોટું અંતર રાખવામાં આવ્યું હતું.
જોકે, હવે સપ્લાય ચેનની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે અને જૂના બાકી રહેલા સિલિન્ડર રિફિલના બેકલોગ પણ પૂરા થઈ ગયા છે. સ્થિતિ સામાન્ય થતાં સરકારે બુકિંગ પર મૂકવામાં આવેલા આ નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લીધો છે.
ઓઈલ કંપનીઓને તાત્કાલિક અમલ કરવાના આદેશ
પેટ્રોલિયમ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ નવા નિયમની સત્તાવાર જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું છે કે પેટ્રોલિયમ મંત્રાલયે તમામ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને આ નવા નિયમનો તાત્કાલિક ધોરણે અમલ કરવાના કડક નિર્દેશ આપી દીધા છે.