RBIના ડેટા મુજબ, ભારતીયોએ પોતાના રોજિંદા ખર્ચાઓ પુરા કરવા માટે અત્યાર સુધીમાં કુલ 9.06 લાખ કરોડ રૂપિયાનું સોનું ગીરવે મૂકી દીધું છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ અને બેંકોમાંથી સોના પર લોન લેવાનું ચલણ ખૂબ જ ઝડપથી વધ્યું છે.
Gold Loan in India: એક તરફ દેશનો GDP વધી રહ્યો હોવાની મોટી મોટી વાતો થઈ રહી છે, તો બીજી તરફ સામાન્ય માણસની આર્થિક સ્થિતિ કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. મોંઘવારી અને વધતા જતા ખર્ચાઓને પહોંચી વળવા માટે હવે ભારતીયોએ પોતાના ઘરમાં પડેલા સોનાના દાગીના ગીરવે મૂકવાની નોબત આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના લેટેસ્ટ આંકડા દર્શાવે છે કે, દેશમાં ગોલ્ડ લોન લેનારાઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો છે. લોકો હવે ઘર ચલાવવા અને સુખ-સુવિધાઓ ભોગવવા માટે લોન પર નિર્ભર બની ગયા છે.
ગોલ્ડ લોનનો આંકડો 9.06 લાખ કરોડને પાર
RBIના ડેટા મુજબ, ભારતીયોએ પોતાના રોજિંદા ખર્ચાઓ પુરા કરવા માટે અત્યાર સુધીમાં કુલ 9.06 લાખ કરોડ રૂપિયાનું સોનું ગીરવે મૂકી દીધું છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ અને બેંકોમાંથી સોના પર લોન લેવાનું ચલણ ખૂબ જ ઝડપથી વધ્યું છે.
કોની પાસેથી કેટલી ગોલ્ડ લોન લેવાઈ?
એનબીએફસી (NBFC) પોર્ટફોલિયો: જુલાઈ મહિનાના અંત સુધીમાં NBFC દ્વારા આપવામાં આવેલી ગોલ્ડ લોનનો આંકડો 3.54 લાખ કરોડ રૂપિયા નોંધાયો છે.
બેંકોનો પોર્ટફોલિયો: બીજી તરફ, બેંકો દ્વારા આપવામાં આવેલી ગોલ્ડ લોનનો આંકડો તેનાથી પણ વધુ એટલે કે 5.52 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. આમ, NBFC અને બેંકોની કુલ બાકી ગોલ્ડ લોન ભેગી કરીએ તો આ આંકડો 9.06 લાખ કરોડે પહોંચે છે.
લોનની વૃદ્ધિમાં મોટો ઉછાળો
જો ટકાવારીની વાત કરીએ તો, જુલાઈ મહિનામાં NBFC અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા સોનાના દાગીના સામે અપાતી લોનમાં વાર્ષિક ધોરણે 68.9 ટકાનો માતબર વધારો જોવા મળ્યો છે. જ્યારે બેંકોની ગોલ્ડ લોનમાં 88.1 ટકાની વાર્ષિક વૃદ્ધિ થઈ છે. જોકે, બેંકો માટે ગયા વર્ષે આ વૃદ્ધિ દર 136.4 ટકા હતો, જે દર્શાવે છે કે બેંકોમાં લોનનો બિઝનેસ તો વધ્યો છે પરંતુ ગતિ થોડી ધીમી પડી છે.
કન્ઝ્યુમર લોન અને કુલ ક્રેડિટમાં પણ વધારો
માત્ર સોનું જ નહીં, પરંતુ ટીવી, ફ્રીજ કે અન્ય ઘરવખરી ખરીદવા માટે લેવાતી કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનમાં પણ 51.5 ટકાનો વધારો થયો છે. NBFC સેક્ટરમાં રિટેલ લોનની કેટેગરીમાં ગોલ્ડ લોન સૌથી ઝડપથી આગળ વધી રહી છે. આ ઉપરાંત, NBFC દ્વારા અપાતી કુલ ક્રેડિટમાં 14.9 ટકાનો વધારો થયો છે, જેની સાથે કુલ આંકડો 59.89 લાખ કરોડે પહોંચી ગયો છે.
વાસ્તવિક ચિત્ર આનાથી પણ ભયાનક હોઈ શકે
ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, RBI ના 9.06 લાખ કરોડના આ આંકડામાં માત્ર બેંકો અને રજિસ્ટર્ડ કંપનીઓનો જ સમાવેશ થાય છે. આપણા ઘરની આસપાસ કે શેરી-મહોલ્લામાં ઊંચા વ્યાજે રૂપિયા ધીરનાર સ્થાનિક વ્યાજખોરો અને ઝવેરીઓ પાસે જે સોનું ગીરવે મુકાયું છે, તેનો કોઈ જ ડેટા આમાં સામેલ નથી. જો તેને પણ ગણતરીમાં લેવામાં આવે તો આ આંકડો ઘણો મોટો થઈ શકે છે.
આ આંકડાઓ સ્પષ્ટ ઇશારો કરે છે કે, ભલે દેશ આર્થિક પ્રગતિ કરી રહ્યો હોય, પરંતુ મધ્યમવર્ગ અને સામાન્ય પરિવારો માટે રોજિંદા ખર્ચાઓ કાઢવા અને જીવનધોરણ જાળવી રાખવા માટે દેવું કરવું હવે સામાન્ય બની ગયું છે. લોકો હવે પોતાની બચતરૂપી સોનાને ગીરવે મૂકીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે.