દેશમાં ખાંડની કોઈ અછત નથી, સંગ્રહખોરો પર સરકારની તવાઈ! ISMAએ આપ્યા રાહતના મોટા સમાચાર | Moneycontrol Gujarati
Get App

દેશમાં ખાંડની કોઈ અછત નથી, સંગ્રહખોરો પર સરકારની તવાઈ! ISMAએ આપ્યા રાહતના મોટા સમાચાર

Sugar price rise: શું ખાંડના વધતા ભાવથી તમે પરેશાન છો? ISMA અને સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ખાંડની કોઈ અછત નથી. 10 લાખ ટન આયાત અને સ્ટોક લિમિટથી ભાવ જલ્દી ઘટશે. જાણો લેટેસ્ટ અપડેટ.

અપડેટેડ 10:06:59 AM Aug 25, 2026 પર
Story continues below Advertisement
Sugar price rise: તહેવારોની સીઝનમાં ગ્રાહકો માટે રાહતના સમાચાર

Sugar price rise: છેલ્લા કેટલાક સમયથી છૂટક અને જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તહેવારોની સીઝન નજીક આવતા જ ચા થી લઈને મીઠાઈઓ મોંઘી થવાની ચિંતા સામાન્ય માણસને સતાવી રહી હતી. જોકે, ગ્રાહકો માટે ઈન્ડિયન શુગર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને સરકાર તરફથી એક મોટી રાહતના સમાચાર આવ્યા છે. ISMA એ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ખાંડની કોઈ જ માળખાકીય અછત નથી અને હાલમાં જે ભાવ વધારો દેખાઈ રહ્યો છે તે માત્ર અસ્થાયી છે.

ભાવ વધવા પાછળનું સાચું કારણ શું છે?

જો દેશમાં ખાંડ પૂરતા પ્રમાણમાં છે, તો ભાવ કેમ વધ્યા? આ અંગે ISMA જણાવે છે કે તહેવારોની અચાનક આવેલી માંગ, ઉત્પાદનમાં થોડો ઘટાડો, હવામાનમાં આવેલા ફેરફાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવમાં થયેલો 16%નો ઉછાળો આ માટે જવાબદાર છે. આ ઉપરાંત, કેટલાક સ્વાર્થી વેપારીઓ દ્વારા સંગ્રહખોરી કરીને બજારમાં ખાંડની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી છે.

ઘણા લોકો એવું માનતા હતા કે ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામના કારણે ખાંડના ભાવ વધ્યા છે, પરંતુ ISMA એ આ વાતને પાયાવિહોણી ગણાવી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, ઈથેનોલના કુલ ઉત્પાદનમાં 75% હિસ્સો તો માત્ર અનાજનો જ છે, તેથી ખાંડ પર તેની કોઈ મોટી અસર નથી.

ભાવ ઘટાડવા સરકારના કડક પગલાં


બજારમાં સ્થિતિ સામાન્ય કરવા અને ભાવને કાબૂમાં લેવા માટે સરકારે 10 લાખ મેટ્રિક ટન ડ્યુટી-ફ્રી કાચી ખાંડની આયાતને લીલી ઝંડી આપી દીધી છે. સાથે જ કાળાબજારી રોકવા માટે વેપારીઓ પર કડક સ્ટોક લિમિટ લગાવી દેવામાં આવી છે. સરકારે GST અને ભૌતિક સ્ટોકની સાપ્તાહિક તપાસ પણ શરૂ કરી દીધી છે. ISMA એ પણ સરકારને ભલામણ કરી છે કે ડીલરો માટેની સ્ટોક મર્યાદા 400 ટનથી ઘટાડીને સીધી 200 ટન કરી દેવામાં આવે.

કાચી ખાંડની આયાતના નવા અને કડક નિયમો:

* સરકારે આયાત કરેલી કાચી ખાંડને 2 મહિનાની અંદર રિફાઇન કરવી ફરજિયાત બનાવી છે.

* રિફાઇન કર્યા પછી આ ખાંડ માત્રને માત્ર સ્થાનિક બજારમાં જ વેચવી પડશે.

* આ કડક નિયમોનો મુખ્ય હેતુ બજારમાં જમાખોરી અને કાળાબજારી પર સંપૂર્ણ અંકુશ લાવવાનો છે.

આગામી દિવસોમાં ખાંડ સસ્તી થવાની પૂરી શક્યતા

સામાન્ય જનતા માટે સૌથી સારા સમાચાર એ છે કે નવું પિલાણ સત્ર 10 થી 15 દિવસ વહેલું શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તામિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં તો વિશેષ પિલાણ શરૂ પણ થઈ ગયું છે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં દેશમાં 4 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થતું હોય છે, પરંતુ ઓક્ટોબર 2026 ના લેટેસ્ટ અંદાજ મુજબ આ ઉત્પાદન રેકોર્ડબ્રેક 10 લાખ મેટ્રિક ટન સુધી પહોંચવાની ધારણા છે. બજારમાં આ નવો જંગી સ્ટોક આવતાની સાથે જ ખાંડના ભાવ સામાન્ય સ્તરે આવી જશે, જેનાથી દેશની સામાન્ય જનતાને મોંઘવારીમાંથી ખૂબ જ મોટી રાહત મળશે.

આ પણ વાંચો- 11 સપ્ટેમ્બરે દેશવ્યાપી બેંક હડતાળનું એલાન, સળંગ 4 દિવસ બેંકો બંધ રહેવાની શક્યતા, જાણો મુખ્ય માંગણીઓ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 25, 2026 10:06 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.