Meesho Share Price Update: ભારે તેજી બાદ મિશોના શેરમાં પ્રોફિટ બુકિંગ. માત્ર 3 સેશનમાં સ્ટોક 21% તૂટ્યો.
Meesho Share Price Update: નવા લિસ્ટેડ થયેલા ઈ-કોમર્સ પ્લેટફોર્મ મિશો (Meesho)ના શેરોમાં હાલમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. લિસ્ટિંગ બાદ શરૂઆતના માત્ર 4 સેશનમાં સ્ટોકમાં 65%ની જબરદસ્ત તેજી જોવા મળી હતી, પરંતુ હવે આ તેજી પર બ્રેક લાગી ગઈ છે. છેલ્લા સતત ત્રણ ટ્રેડિંગ સેશન દરમિયાન મિશોના શેરમાં ભારે વેચવાલી જોવા મળી છે, જેના કારણે સ્ટોક તેની ઊંચી સપાટીએથી આશરે 21% જેટલો નીચે ગબડ્યો છે.
ખાસ કરીને 23 ડિસેમ્બરના રોજ શેરમાં 8%થી વધુનો ઘટાડો નોંધાયો હતો. મંગળવારે પણ આ દબાણ ચાલુ રહ્યું હતું અને શેરનો ભાવ ઘટીને 185.34 રૂપિયા પ્રતિ શેર પર આવી ગયો છે. આ સતત ઘટાડાને કારણે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ ઘટીને 85,000 કરોડ રૂપિયાની નીચે સરકી ગયું છે. એનાલિસ્ટ્સ માને છે કે કંપનીના વેલ્યુએશન અને પ્રોફિટેબિલિટી (નફાકારકતા) ને લઈને ઊભી થયેલી ચિંતાઓને કારણે શેરમાં આ કરેક્શન જોવા મળી રહ્યું છે.
વેલ્યુએશન અને રિસ્ક-રિવોર્ડ પર એનાલિસ્ટ્સનો મત
બજારના નિષ્ણાતો મિશોના બિઝનેસ મોડલને લઈને પોઝિટિવ છે પરંતુ હાલના ભાવને લઈને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. બોનેન્ઝાના રિસર્ચ એનાલિસ્ટ અભિનવ તિવારીના જણાવ્યા મુજબ, મિશો એક મજબૂત લોંગ-ટર્મ બિઝનેસ છે અને તેની ગ્રોથ સ્ટોરી પણ ભરોસાપાત્ર છે. જોકે, લિસ્ટિંગ બાદ આવેલી એકતરફી તેજીને કારણે શેર અત્યારે ઘણો મોંઘો થઈ ગયો છે.
તેમનું માનવું છે કે વર્તમાન ભાવે 'રિસ્ક-રિવોર્ડ' રેશિયો રોકાણકારો માટે બહુ આકર્ષક નથી. શેર ખરીદતા પહેલા રોકાણકારોએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે કંપની હજુ પણ નુકસાન કરી રહી છે અને તેની સામે 'એક્ઝિક્યુશન રિસ્ક' રહેલું છે. ફંડામેન્ટલ્સમાં સુધારો થઈ રહ્યો હોવા છતાં, આટલા ઊંચા વેલ્યુએશન પર ખરીદી કરવી જોખમી બની શકે છે. તેથી, ઘટાડામાં વધુ સારી કિંમતની રાહ જોવી હિતાવહ હોઈ શકે છે.
ભવિષ્યની અપેક્ષાઓ અને પડકારો
INVasset PMSના બિઝનેસ હેડ હર્ષલ દાસાણીએ પણ આ અંગે મહત્વની ટિપ્પણી કરી છે. તેમના મતે, મિશોમાં આવેલી તેજીને કારણે તેની કિંમત બ્રોકરેજ હાઉસ દ્વારા નક્કી કરાયેલા ટાર્ગેટ પ્રાઈસ કરતા ઘણી આગળ નીકળી ગઈ હતી. આ દર્શાવે છે કે રોકાણકારોની ઘણીખરી અપેક્ષાઓ પહેલાથી જ ભાવમાં ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે.
તેમણે ઉમેર્યું કે કંપની હજુ પણ પ્રોફિટેબલ ઝોનમાં આવવા માટે સંઘર્ષ કરી રહી છે. હાલમાં રોકાણકારોનો ભરોસો કંપનીની શોર્ટ-ટર્મ કમાણી કરતા લોંગ-ટર્મ ગ્રોથ પર વધુ ટકેલો છે. લિસ્ટિંગ બાદ સંસ્થાકીય રોકાણકારો (Institutional Investors) ની ભાગીદારીથી વિશ્વાસ વધ્યો છે, પરંતુ આ સ્તર જાળવી રાખવા માટે કંપનીએ 'યૂનિટ ઇકોનોમિક્સ' અને કોમ્પિટિશન મેનેજમેન્ટમાં નક્કર પરિણામો આપવા પડશે. મિશો હજુ પબ્લિક માર્કેટમાં પોતાની જાતને સાબિત કરવાની પ્રક્રિયામાં છે, તેથી આગામી ત્રિમાસિક પરિણામો અને મેનેજમેન્ટની પારદર્શિતા ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે.
હવે રોકાણકારોનું ફોકસ માત્ર હેડલાઈન ગ્રોથ પર નહીં, પરંતુ કંપની કેવી રીતે સ્કેલને 'ટકાઉ નફા'માં પરિવર્તિત કરે છે તેના પર રહેશે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.