Tata Capital IPO: ઇન્વેસ્ટર્સને ટૂંક સમયમાં ટાટા ગ્રુપની ફાઇનાન્શિયલ સર્વિસ કંપની ટાટા કેપિટલમાં રોકાણ કરવાની તક મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીના બોર્ડે IPO લોન્ચ કરવાની મંજૂરી આપી દીધી છે. 2 વર્ષથી ઓછા સમયમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થનારી ટાટા ગ્રૂપની આ બીજી કંપની હશે, કારણ કે અગાઉ 2023માં ટાટા ગ્રૂપની ટેક્નોલોજી આર્મ, ટાટા ટેક્નોલોજીસનું લિસ્ટિંગ થયું હતું. અગાઉ 2004માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ માર્કેટમાં લિસ્ટ થઈ હતી. ટાટા કેપિટલ દ્વારા ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) પ્લાનને મંજૂરી આપ્યા બાદ મંગળવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ટાટા ઇન્વેસ્ટમેન્ટ્સના શેરનો ભાવ 8 ટકા વધીને 6,220.75 થયો હતો.
આપને જણાવી દઈએ કે ટાટા કેપિટલ એક નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસ (NBFC) કંપની છે, જે ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સની પેટાકંપની તરીકે કામ કરે છે. હાલમાં, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન (TICL) ટાટા કેપિટલમાં 2%થી વધુ હિસ્સો ધરાવે છે, જ્યારે તેની મૂળ કંપની, ટાટા સન્સ, NBFCનો 93% હિસ્સો ધરાવે છે. તાજેતરમાં, ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ 2024-2025 માટે ટાટા કેપિટલને નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) તરીકે વર્ગીકૃત કર્યું છે. RBIના નિયમોનું પાલન કરવા માટે, કંપનીએ સપ્ટેમ્બર 2025 સુધીમાં બજારમાં લિસ્ટેડ થવું જરૂરી છે. તેને ધ્યાનમાં રાખીને હવે IPO લાવવાની મંજૂરી આપવામાં આવી છે.
ટાટા કેપિટલનો IPO શેર દીઠ 10 રૂપિયાની ફેસ વેલ્યુ સાથે નવા શેર ઇશ્યુ કરશે, જે કુલ 23 કરોડ થશે. બાકીની ઓફરમાં પસંદગીના વર્તમાન અને પાત્ર શેરધારકો દ્વારા વેચાણ માટેની ઓફર (OFS)નો સમાવેશ થશે. OFSની સાઇઝ અને IPOમાં વેચનાર શેરધારકની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ટાટા કેપિટલના ફાઇલિંગ મુજબ, OFS બજારની સ્થિતિ, જરૂરી મંજૂરીઓ, નિયમનકારી મંજૂરીઓ અને અન્ય સંબંધિત પરિબળો પર આધારિત રહેશે. વધુમાં, ટાટા કેપિટલના બોર્ડે વર્તમાન શેરધારકો માટે 1,504 કરોડના રાઈટ્સ ઈસ્યુને મંજૂરી આપી છે, જેની રેકોર્ડ તારીખ 25 ફેબ્રુઆરી, 2025ની છે. ટાટા કેપિટલે હજુ સુધી રાઇટ્સ ઇશ્યૂ પ્રાઇસ અથવા એન્ટાઇટલમેન્ટ રેશિયોને અંતિમ રૂપ આપ્યું નથી.