Ahmedabad News: ભારતીય પાસપોર્ટ બનાવતા બાંગ્લાદેશી મહિલાની ધરપકડ
Ahmedabad News: મહિલાએ જુહાપુરા ખાતે રહેતા એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને તેનું એક બાળક પણ છે. નોંધનીય છે કે, તેના પતિને પણ ખબર નહોતી કે તેની પત્ની બાંગ્લાદેશની મૂળ નાગરિક છે.
ઝરણા શેખ ઉર્ફે જોયા મૂળ બાંગ્લાદેશની રહેવાસી છે. તે 2014માં મુંબઈ આવી હતી અને 2016માં અમદાવાદ પહોંચી હતી.
Ahmedabad News: અમદાવાદ શહેર પોલીસે ચંદોલા તળાવ વિસ્તારમાંથી 190 ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ બાદ હવે શંકાસ્પદ ભારતીય પાસપોર્ટની તપાસમાં જોડાઈ છે. આ તપાસ દરમિયાન ઝરણા શેખ ઉર્ફે જોયા નામની એક બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાએ ફરજી આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર અને ભાડાના કરારના આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો અને તેનો ઉપયોગ કરીને અનેક દેશોની મુસાફરી પણ કરી હતી.
કેવી રીતે સામે આવ્યું કૌભાંડ?
ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું કે, આ મહિલાએ પાસપોર્ટ અરજીમાં દાવો કર્યો હતો કે તે 1994થી ભારતમાં રહે છે અને તેનું જન્મ પ્રમાણપત્ર ઉત્તર પ્રદેશનું છે. જોકે, તપાસમાં જાણવા મળ્યું કે, તેણે જે નારોલની સોસાયટીમાં વર્ષોથી રહેવાનો દાવો કર્યો હતો, તે સોસાયટીનું બાંધકામ 2009માં શરૂ થયું હતું અને 2012માં તેનું પઝેશન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પાસપોર્ટ અરજીમાં આપેલો મોબાઈલ નંબર અન્ય કોઈ વ્યક્તિનો હોવાનું બહાર આવ્યું.
બાંગ્લાદેશથી ભારત સુધીની સફર
તપાસમાં સામે આવ્યું છે કે, ઝરણા શેખ ઉર્ફે જોયા મૂળ બાંગ્લાદેશની રહેવાસી છે. તે 2014માં મુંબઈ આવી હતી અને 2016માં અમદાવાદ પહોંચી હતી. અહીં નારોલમાં એક ફેક્ટરીમાં યુનુસ નામના વ્યક્તિના સંપર્કમાં આવી. યુનુસની મદદથી તેણે ફરજી આધાર કાર્ડ અને ઉત્તર પ્રદેશનું બનાવટી જન્મ પ્રમાણપત્ર મેળવ્યું. 2017થી 2021 દરમિયાન તેણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં છ વખત રહેઠાણ બદલ્યું. નારોલમાં ભાડાનો કરાર બનાવી, ફરજી આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ મેળવી લીધો.
વિદેશ પ્રવાસ અને નોકરી
ક્રાઈમ બ્રાન્ચના દાવા મુજબ, નારોલ પોલીસે આ મહિલાના પાસપોર્ટ અંગે નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો, છતાં તેને પાસપોર્ટ મળી ગયો. આ પાસપોર્ટનો ઉપયોગ કરીને તે સાઉદી અરબ ગઈ અને ત્યાં નોકરી પણ કરી. આ ઉપરાંત, તે ત્રણથી ચાર વખત બાંગ્લાદેશ પણ ગઈ. તેના પરિવારજનો હાલ બાંગ્લાદેશમાં રહે છે.
પાકિસ્તાનથી એક્ટિવ થયેલું ઈ-મેલ
પાસપોર્ટ અરજીમાં આપેલું ઈ-મેલ એકાઉન્ટ પાકિસ્તાનમાં પ્રથમ વખત એક્ટિવ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ઈ-મેલ એકાઉન્ટ પરથી ચલાવવામાં આવતાં અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બાંગ્લાદેશથી એક્ટિવ થયા હતા.
ઘરમાંથી બાંગ્લાદેશી ચલણ મળ્યું
પોલીસે મહિલાના ઘરે દરોડો પાડતાં બાંગ્લાદેશી ચલણ, વિદેશ પ્રવાસના રેકોર્ડ અને ઉત્તર પ્રદેશનું ફરજી જન્મ પ્રમાણપત્ર મળી આવ્યું છે. આ જન્મ પ્રમાણપત્રની તપાસ હાલ ચાલુ છે. કોર્ટે મહિલાને 16 મે સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી છે.
500 શંકાસ્પદ પાસપોર્ટની તપાસ
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ, લગભગ 500 શંકાસ્પદ ભારતીય પાસપોર્ટની તપાસ ચાલી રહી છે. આ સંદર્ભે વધુ ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ આ ગુનામાં સંડોવાયેલા અન્ય લોકોની પણ શોધખોળ કરી રહી છે.