અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનમાં જ ખામી હતી...' અમેરિકન સંસદના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જાણો શું છે સત્ય
Ahmedabad Air India Crash: અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી એર ઈન્ડિયાની દુર્ઘટનામાં નવો વળાંક આવ્યો છે. અમેરિકન સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ બોઈંગ 787 વિમાનમાં પહેલેથી જ ગંભીર ટેકનિકલ ખામીઓ હતી. વાંચો આ ચોંકાવનારો અહેવાલ.
Ahmedabad Air India Crash: અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી એર ઈન્ડિયાની દુર્ઘટનામાં નવો વળાંક આવ્યો છે.
Boeing 787 technical faults: ગુજરાતના અમદાવાદમાં ગત 12 જૂન 2025ના રોજ થયેલી ભયાનક એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા હતા. આ ઘટનાના મહિનાઓ બાદ હવે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે, જેણે ઉડ્ડયન જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકાના એક એવિએશન સેફ્ટી ગ્રુપે દાવો કર્યો છે કે જે વિમાન ક્રેશ થયું હતું, તે પહેલેથી જ ખામીયુક્ત હતું.
અમેરિકન સંસદમાં રજૂ થયો સનસનીખેજ રિપોર્ટ
‘ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી' (FAS) નામની સંસ્થાએ 12 જાન્યુઆરી, 2026ના રોજ અમેરિકાની સંસદમાં આ દુર્ઘટના અંગેનો એક વિસ્તૃત રિપોર્ટ જમા કરાવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદમાં જે બોઈંગ 787 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, તે ક્રેશ થયું તે પહેલાં પણ અનેકવાર ગંભીર સમસ્યાઓનો સામનો કરી ચૂક્યું હતું.
FASની તપાસ મુજબ, જ્યારથી આ વિમાન એર ઈન્ડિયાના કાફલામાં જોડાયું હતું, ત્યારથી જ તેમાં ટેકનિકલ ધાંધિયા શરૂ થઈ ગયા હતા. રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વિમાનના એન્જિનિયરિંગ, ક્વોલિટી અને મેન્ટેનન્સ (જાળવણી)માં મોટી બેદરકારી હતી.
વિમાનમાં કઈ કઈ ખામીઓ હતી?
FASના રિપોર્ટમાં વિમાનની અંદર રહેલી અનેક ગંભીર ખામીઓનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જેમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે:
* ખરાબ વાયરિંગ અને શોર્ટ સર્કિટની સમસ્યા.
* સોફ્ટવેર અને ઈલેક્ટ્રોનિક સિસ્ટમમાં ગરબડ.
* વારંવાર સર્કિટ બ્રેકર્સનું ટ્રીપ થઈ જવું (પાવર કટ).
* વીજળી પુરવઠામાં ઘટાડો થવો.
* પાવર સિસ્ટમનું અચાનક ગરમ થઈ જવું.
* 2000થી વધુ વિમાનોમાં સિસ્ટમ ફેલિયરનો દાવો
Ahmedabad Air India Crash
ફક્ત અમદાવાદ વાળા વિમાનમાં જ નહીં, પણ FASએ તો ત્યાં સુધી દાવો કર્યો છે કે બોઈંગ 787 પ્રોગ્રામમાં જ મોટી સમસ્યાઓ છે. રિપોર્ટ અનુસાર, આ પ્રોજેક્ટ તેના નક્કી કરેલા સમય કરતા 3 વર્ષ મોડો ચાલી રહ્યો છે અને તેનું બજેટ પણ અબજો ડોલર વધી ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે અત્યાર સુધીમાં 2000થી વધુ બોઈંગ 787 વિમાનોમાં સિસ્ટમ ફેલ થયાની ઘટનાઓ બની ચૂકી છે.
આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન 2011માં બનીને તૈયાર થયું હતું અને 28 જાન્યુઆરી, 2014ના રોજ એર ઈન્ડિયાને સોંપવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી તેમાં નાની-મોટી ખામીઓ આવતી જ હતી.
બોઈંગ અને એર ઈન્ડિયાનું શું કહેવું છે?
આ ગંભીર આરોપો પર બોઈંગ કંપનીએ સાવચેતીપૂર્વક જવાબ આપ્યો છે. બોઈંગના પ્રવક્તાએ કહ્યું હતું કે, "અમે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરીએ છીએ. ભારતની તપાસ એજન્સી AAIB (વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો) જે પણ નિર્ણય લેશે, અમે તેને સ્વીકારીશું."
બીજી તરફ, એર ઈન્ડિયાએ આ રિપોર્ટ પર હજુ સુધી કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી અને મૌન સેવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, AAIBએ પોતાની પ્રાથમિક તપાસમાં એવું તારણ કાઢ્યું હતું કે પ્લેનનું ફ્યુઅલ સ્વિચ (ઈંધણની સ્વિચ) બંધ થઈ જવાને કારણે આ દુર્ઘટના બની હતી. જોકે, અમેરિકન રિપોર્ટ હવે આખી ઘટનાને અલગ જ દિશામાં લઈ જઈ રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આ નવા રિપોર્ટ બાદ તપાસ એજન્સીઓ કયા નિષ્કર્ષ પર આવે છે.