એર ઇન્ડિયા પ્લેન ક્રેશ: શું પાયલટે જાણીજોઈને ફ્યુઅલ સ્વીચ બંધ કરી હતી? AAIB એ કર્યો મોટો ખુલાસો
Air India Crash: એર ઇન્ડિયાની AI-171 ફ્લાઈટના અકસ્માત અંગે ઈટલીના અખબારે કરેલા ‘પાયલટની ભૂલ'ના દાવાને ભારતના AAIB એ સદંતર ફગાવી દીધો છે. જાણો તપાસ એજન્સીએ શું કહ્યું અને અકસ્માતની સાચી હકીકત શું છે.
Air India Crash: એર ઇન્ડિયાની AI-171 ફ્લાઈટના અકસ્માત અંગે ઈટલીના અખબારે કરેલા ‘પાયલટની ભૂલ'ના દાવાને ભારતના AAIB એ સદંતર ફગાવી દીધો છે.
AAIB Report: ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 ના ભયાનક અકસ્માત અંગે ઈટલીના મીડિયામાં છપાયેલા અહેવાલોને સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યા છે. ઈટલીના એક અખબારે દાવો કર્યો હતો કે પાયલટે જાણીજોઈને વિમાનની ફ્યુઅલ સ્વીચ બંધ કરી દીધી હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. જોકે, ભારતીય તપાસ એજન્સીએ આ વાતને માત્ર અફવા અને અટકળ ગણાવી છે.
ઈટલીના અખબારનો દાવો અને ભારતનો જવાબ
વાત એમ હતી કે, ઈટલીના અખબાર ‘Corriere della Sera' એ એક રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો હતો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તપાસમાં ટેકનિકલ ખામીની વાત નકારી કાઢવામાં આવી છે અને આ દુર્ઘટના કોઈ "જાણીજોઈને કરેલા કૃત્ય" એટલે કે પાયલટ દ્વારા ફ્યુઅલ સ્વીચ બંધ કરવાને કારણે થઈ હતી.
આ ગંભીર આરોપ પર પ્રતિક્રિયા આપતા AAIB એ સ્પષ્ટતા કરી કે, "આ રિપોર્ટ સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો છે. હજુ તપાસ ચાલુ છે, તેથી આવા કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું ઉતાવળ ભરેલું ગણાશે." બ્યુરોએ બે ટુકા શબ્દોમાં કહ્યું કે તપાસ પૂરી થયા બાદ જ સાચું કારણ બહાર આવશે.
આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ ચાલી રહી છે તપાસ
AAIB એ માહિતી આપી છે કે આ અકસ્માતની તપાસ ખૂબ જ ગંભીરતાથી અને નિયમો અનુસાર કરવામાં આવી રહી છે. આ તપાસ ભારતના ‘Aircraft Accident Investigation Rules, 2025' અને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સંસ્થા ICAOના Annex-13 ના નિયમો હેઠળ ચાલી રહી છે.
આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ પર દોષનો ટોપલો ઢોળવાનો નથી, પરંતુ ટેકનિકલ પુરાવા અને તથ્યોને આધારે દુર્ઘટનાનું સાચું કારણ શોધવાનો છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો રોકી શકાય. AAIB એ કહ્યું કે અત્યાર સુધી જે રિપોર્ટ બહાર આવી છે તે માત્ર પ્રાથમિક હતી, જેમાં તે સમયે ઉપલબ્ધ માહિતી જ હતી.
મીડિયાને જવાબદારી દાખવવા અપીલ
તપાસ એજન્સીએ મીડિયા સંગઠનોને પણ ટકોર કરી છે. તેમણે કહ્યું કે આવી અડધી અને પુષ્ટિ વગરની ખબરો ફેલાવવાથી સામાન્ય જનતામાં ડર અને ભ્રમ ફેલાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એજન્સીઓ સલાહ આપે છે કે જ્યાં સુધી ફાઇનલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી મીડિયાએ જાતે કોઈ નિષ્કર્ષ પર ન આવવું જોઈએ.
નિષ્ણાતોના મતે, વિમાન દુર્ઘટનાની તપાસ એક લાંબી પ્રક્રિયા છે. તેમાં બ્લેક બોક્સ રેકોર્ડિંગ, ટેકનિકલ ડેટા, માનવીય ભૂલો અને હવામાન જેવી અનેક બાબતોનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે છે. આ તમામ તબક્કા પૂરા થયા બાદ જ અંતિમ રિપોર્ટ તૈયાર થાય છે.
શું બન્યું હતું એ કમનસીબ દિવસે?
અહીં યાદ અપાવી દઈએ કે, ગયા વર્ષે 12 જૂનના રોજ એક ગોઝારી ઘટના બની હતી. એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 અમદાવાદથી લંડન જવા માટે રવાના થઈ હતી. જોકે, ઉડાન ભરતાની સાથે જ વિમાન પૂરતી ઊંચાઈ પ્રાપ્ત કરી શક્યું નહીં અને નજીકમાં આવેલી એક મેડિકલ કોલેજના હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ ગયું હતું.
ટક્કર બાદ વિમાનમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને જમીન પર રહેલા 19 લોકોના મોત થયા હતા. કુદરતનો ચમત્કાર કહો કે નસીબ, આ ભયાનક અકસ્માતમાં માત્ર 1 મુસાફર નાની ઈજાઓ સાથે જીવિત બચ્યો હતો.
સરકારે અને તપાસ એજન્સીઓએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે અંતિમ રિપોર્ટની રાહ જોવી જોઈએ અને ત્યાં સુધી અફવાઓ પર વિશ્વાસ ન કરવો.