વાહનચાલકો માટે રાહતના સમાચાર: હવે અધૂરા એક્સપ્રેસવે પર ‘પૂરો ટોલ' નહીં ભરવો પડે, 15 ફેબ્રુઆરીથી બદલાઈ રહ્યા છે નિયમો
Toll Tax Rule Change: કેન્દ્ર સરકારે ટોલ ટેક્સના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે અધૂરા એક્સપ્રેસવે પર મુસાફરોએ 25% વધારાનો ટેક્સ ચૂકવવો નહીં પડે. જાણો 15 ફેબ્રુઆરીથી લાગુ થતા આ નવા નિયમ વિશે વિગતે.
Toll Tax Rule Change: અધૂરા કામ પર હવે વધારાનો ચાર્જ નહીં
Toll Tax Rule Change: દેશમાં નવા બની રહેલા એક્સપ્રેસવે પર મુસાફરી ભલે ઝડપી બની હોય, પરંતુ ઘણીવાર એવું બનતું હતું કે પ્રોજેક્ટ પૂરો ન થયો હોય તો પણ ટોલ વસૂલાત શરૂ કરી દેવામાં આવતી હતી. કેન્દ્ર સરકારે હવે 'નેશનલ હાઈવે ફી (દર નિર્ધારણ અને વસૂલાત) નિયમો-2008'માં સુધારો કર્યો છે.
આ નવા સુધારા મુજબ, જ્યાં સુધી કોઈ એક્સપ્રેસવે એન્ડ-ટુ-એન્ડ એટલે કે સંપૂર્ણ રીતે તૈયાર થઈને કાર્યરત ન થાય, ત્યાં સુધી તેના પર વાહનચાલકો પાસેથી 25 ટકા વધારાનો ટોલ વસૂલવામાં આવશે નહીં. મતલબ કે, હવે તમારે અધૂરી સુવિધા માટે વધારે પૈસા ખર્ચવા પડશે નહીં.
પહેલા શું નિયમ હતો અને હવે શું બદલાયું?
આ સમજવું ખૂબ જરૂરી છે. જૂના નિયમો પ્રમાણે, જ્યારે કોઈ એક્સપ્રેસવેનો નાનો ટુકડો કે અમુક ભાગ મુસાફરી માટે ખુલ્લો મુકવામાં આવતો, ત્યારે તેના પર સામાન્ય હાઈવે કરતા 25 ટકા વધારે ટોલ ટેક્સ લેવામાં આવતો હતો. પછી ભલે તે આખો રોડ તૈયાર ન થયો હોય.
પરંતુ હવે નવા નિયમ પ્રમાણે સ્થિતિ બદલાઈ જશે. જ્યાં સુધી એક્સપ્રેસવે તેની પૂરી લંબાઈમાં શરૂ ન થાય, ત્યાં સુધી જે પણ ભાગ ખુલ્લો મુકવામાં આવશે, તેના પર માત્ર સામાન્ય નેશનલ હાઈવેના દરો મુજબ જ ટોલ લેવાશે. એક્સપ્રેસવેનો પ્રીમિયમ ચાર્જ (25% એક્સ્ટ્રા) ત્યારે જ લાગશે જ્યારે રોડ સંપૂર્ણ રીતે તૈયાર હશે.
નવો નિયમ ક્યારથી લાગુ થશે?
સરકારના નોટિફિકેશન મુજબ, આ નવો નિયમ 15 ફેબ્રુઆરી 2026 થી અમલમાં આવશે. આ જોગવાઈ એક વર્ષ સુધી અથવા તો એક્સપ્રેસવે સંપૂર્ણ રીતે કાર્યરત ન થાય ત્યાં સુધી (જે વહેલું હોય તે) લાગુ રહેશે.
ટૂંકમાં કહીએ તો, સરકારનો આ નિર્ણય સામાન્ય જનતાના ખિસ્સા પરનો બોજ ઓછો કરશે અને અધૂરા પ્રોજેક્ટ્સ પર પૂરા પૈસા ચૂકવવાની જે નારાજગી હતી, તેનો હવે અંત આવશે.