ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે યુપી, બિહાર સહિત દેશના 13થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ અને 40 kmphની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી અપાઈ છે. માછીમારો માટે રેડ એલર્ટ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશમાં આજે અનેક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે નદીઓના જળસ્તરમાં વધારો અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.
IMD Weather Alert : ભારતીય હવામાન વિભાગએ દેશના અલગ-અલગ ભાગોમાં ચોમાસાના રૌદ્ર સ્વરૂપને લઈને આજે નવું બુલેટિન જાહેર કર્યું છે. દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન અને લોકોને એલર્ટ રહેવા જણાવાયું છે.
ઉત્તર અને પૂર્વ ભારત: યુપી-બિહારમાં મસળધાર વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશમાં આજે અનેક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે નદીઓના જળસ્તરમાં વધારો અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં પણ વીજળી પડવાનું એલર્ટ છે, તેથી લોકોને ખરાબ હવામાનમાં ઝાડ નીચે કે ખુલ્લા મેદાનમાં ન ઊભા રહેવાની કડક સલાહ અપાઈ છે.બિહાર, ઝારખંડ, ઓડિશા, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં આજે હવામાનનો મિજાજ બગડેલો રહેશે. અહીં 30 થી 40 kmph ની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની પૂરેપૂરી શક્યતા છે.
પૂર્વોત્તર અને મધ્ય ભારત: એમપી અને છત્તીસગઢમાં આફતનો વરસાદ
પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદનો સિલસિલો સતત ચાલુ છે. આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની ઘટનાઓ બની શકે છે. આ ઉપરાંત મધ્ય ભારતની વાત કરીએ તો, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ આજે ભારે વરસાદ અને આકાશી વીજળી ચમકવાની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ભારતનું હવામાન: કેરળમાં ભારે વરસાદ
દક્ષિણ ભારતમાં પણ માનસૂન ફરી સક્રિય બન્યું છે. કેરળ અને માહેના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. આંધ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સપાટી પર ફૂંકાતા પવનની ગતિ તેજ રહેશે.
માછીમારો માટે રેડ એલર્ટ અને દરિયામાં તોફાન
આંદામાન અને નિકોબાર ટાપુઓ પર 50 થી 60 kmphની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયામાં ઊઠતા તોફાનને કારણે IMD એ માછીમારો માટે વિશેષ રેડ એલર્ટ જાહેર કર્યું છે.અરબી સમુદ્ર (સોમાલિયા અને ઓમાનના દરિયાકાંઠે) 45 થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બંગાળની ખાડી, મન્નારની ખાડી અને શ્રીલંકાના દરિયાકાંઠે પણ 45 થી 65 kmphની ઝડપે તોફાની પવન ફૂંકાવાનું અનુમાન છે. માછીમારોને આ ખતરનાક વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે.