ભારત-EU વચ્ચેની ‘મેગા ડીલ'થી અમેરિકા લાલઘૂમ! કહ્યું - ‘યુરોપે યુક્રેન કરતા વેપારને વધુ મહત્વ આપ્યું'
India-EU Free Trade Deal: ભારત અને EU વચ્ચે થયેલી ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલથી અમેરિકા નારાજ છે. US ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે આ કરારને 'નિરાશાજનક' ગણાવી યુરોપિયન દેશો પર આકરા પ્રહારો કર્યા છે. જાણો અમેરિકાને શેનું દુઃખ છે.
India-EU Free Trade Deal: ભારત અને EU વચ્ચે થયેલી ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલથી અમેરિકા નારાજ છે.
India-EU Free Trade Deal: ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે તાજેતરમાં એક મોટો વ્યાપારી કરાર થયો છે, જેને 'મધર ઓફ ઓલ ડીલ્સ' એટલે કે સૌથી મોટો સોદો માનવામાં આવે છે. જોકે, આ ખુશીના સમાચાર પર અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. ભારત અને EU વચ્ચેના આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) થી અમેરિકા જરાય ખુશ નથી. અમેરિકાના નાણા મંત્રી (ટ્રેઝરી સેક્રેટરી) સ્કોટ બેસેન્ટે આ ડીલને અત્યંત નિરાશાજનક ગણાવી છે અને યુરોપિયન દેશોના વલણની ટીકા કરી છે.
અમેરિકાને આ ડીલ કેમ ખૂંચી રહી છે?
અમેરિકાની નારાજગીનું મુખ્ય કારણ રશિયન ઓઈલ અને યુક્રેન યુદ્ધ છે. સ્કોટ બેસેન્ટે CNBCના એક કાર્યક્રમમાં પોતાની હૈયાવરાળ ઠાલવતા કહ્યું કે, યુરોપિયન દેશોનું વલણ બહુ જ નિરાશાજનક છે. એક તરફ યુરોપ યુક્રેન-રશિયા યુદ્ધમાં સૌથી આગળ છે, અને બીજી તરફ તેઓ વોશિંગ્ટન (અમેરિકા) ની સહમતી વગર ભારત સાથે મુક્ત વ્યાપાર કરવા આગળ વધી રહ્યા છે.
'યુરોપ પોતાના જ વિરુદ્ધ યુદ્ધને ફંડિંગ કરી રહ્યું છે'
બેસેન્ટે યુરોપિયન દેશોની બેવડી નીતિનો પર્દાફાશ કરતા કહ્યું કે, "ભારતે રશિયા પાસેથી પ્રતિબંધિત ઓઈલ ખરીદવાનું શરૂ કર્યું. હવે વિચારો કે આ ઓઈલમાંથી બનેલા પ્રોડક્ટ્સ કોણ ખરીદી રહ્યું છે? જવાબ છે - યુરોપિયન દેશો."
તેમણે આગળ સમજાવ્યું કે યુરોપિયન દેશો હકીકતમાં પોતાની જ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધને આડકતરી રીતે ફંડ આપી રહ્યા છે. આ એવી સ્થિતિ છે જેની કલ્પના પણ ન કરી શકાય. અમેરિકાએ રશિયાથી ઓઈલ ખરીદવા બદલ ભારત પર 25 ટકા ટેરિફ (ટેક્સ) લગાવી દીધો છે, પરંતુ યુરોપિયન દેશો આ બાબતમાં અમેરિકાનો સાથ આપવા તૈયાર નથી. તેમને તો બસ આ ડીલ કરવી હતી.
વેપારને યુક્રેનના લોકો કરતા વધુ મહત્વ મળ્યું
અમેરિકાના મંત્રીએ ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું કે, "જ્યારે પણ તમે કોઈ યુરોપિયન નેતાને યુક્રેનના લોકોના સમર્થક બનતા જુઓ, ત્યારે યાદ રાખજો કે તેમણે યુક્રેનના લોકો કરતા વેપારને વધુ મહત્વ આપ્યું છે. તેમના માટે યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવા કરતા વેપાર કરવો વધારે જરૂરી છે."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું યુરોપને એનર્જીની જરૂર છે? તો બેસેન્ટે જવાબ આપ્યો કે, "હા, તેઓ સસ્તી ઉર્જા ઈચ્છે છે. જો અમે પણ પ્રતિબંધિત રશિયન ઓઈલ ખરીદવા તૈયાર હોત તો અમને પણ સસ્તી એનર્જી મળી શકતી હતી."
ભારત મોટો 'વિનર' સાબિત થયું
આ સમગ્ર ઘટનાક્રમમાં ભારત માટે સૌથી સારા સમાચાર એ છે કે ભારત આ ડીલમાં 'વિનર' બનીને ઉભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ વચ્ચે નવી દિલ્હીમાં આ ડીલ પર મહોર વાગી હતી.
ડીલ બાદ અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીરે પણ સ્વીકાર્યું હતું કે ભારત આ કરારમાં મોટો વિજેતા છે. ભારતે માર્કેટ એક્સેસ અને ઇમિગ્રેશન (વિદેશ જવાના નિયમો) જેવી બાબતોમાં ઘણા મોટા ફાયદા મેળવ્યા છે. દુનિયાભરમાં આર્થિક ઉથલપાથલ ચાલી રહી છે ત્યારે ભારતે આટલી મોટી ડીલ કરીને પોતાની મજબૂત સ્થિતિ સાબિત કરી દીધી છે.