અમેરિકાની ‘ગેમ'? ભારતના નકશામાં PoK અને અક્સાઈ ચીન બતાવ્યું, પછી અચાનક પોસ્ટ ડિલીટ મારી! જાણો શું રંધાયું? | Moneycontrol Gujarati
Get App

અમેરિકાની ‘ગેમ'? ભારતના નકશામાં PoK અને અક્સાઈ ચીન બતાવ્યું, પછી અચાનક પોસ્ટ ડિલીટ મારી! જાણો શું રંધાયું?

India Map Controversy: અમેરિકાએ ભારતના નકશામાં PoK અને અક્સાઈ ચીન પોતાનું ગણાવ્યું પણ તરત જ ‘ગુલાંટ' મારી લીધી. USTR એ સોશિયલ મીડિયા પરથી પોસ્ટ કેમ હટાવી? ભારત-અમેરિકા ટ્રેડ ડીલ વચ્ચે થયેલા આ મોટા વિવાદની અંદરની વાત જાણો.

અપડેટેડ 12:39:46 PM Feb 11, 2026 પર
Story continues below Advertisement
India Map Controversy: અમેરિકાએ ભારતના નકશામાં PoK અને અક્સાઈ ચીન પોતાનું ગણાવ્યું પણ તરત જ ‘ગુલાંટ' મારી લીધી.

India Map Controversy: ભારત અને અમેરિકાના સંબંધો અત્યારે નવી ઊંચાઈ પર છે, પરંતુ હાલમાં જ અમેરિકા તરફથી એક એવી ઘટના બની જેના લીધે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અમેરિકાએ પહેલા તો ભારતને ખુશ કરી દે તેવો નકશો શેર કર્યો, જેમાં ‘પાકિસ્તાન અધિકૃત કાશ્મીર' (PoK) અને ચીનનો કબજો છે તે 'અક્સાઈ ચીન' ભારતના હિસ્સા તરીકે બતાવ્યા. પરંતુ થોડી જ વારમાં અમેરિકાએ 'ગુલાંટ' મારી અને આ પોસ્ટ સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ ગઈ.

આ ઘટના બાદ લોકોના મનમાં સવાલ છે કે શું અમેરિકાએ જાણીજોઈને આવું કર્યું કે પછી આ માત્ર એક ભૂલ હતી? ચાલો જાણીએ સમગ્ર મામલો વિગતે.

શુ હતો આખો મામલો?

વાત એમ છે કે ગયા અઠવાડિયે ભારત અને અમેરિકા વચ્ચે વેપારને લઈને એક મહત્ત્વની સમજૂતી થઈ. આ ખુશીમાં યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)ની ઓફિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટ મૂકી હતી.

આ પોસ્ટમાં અમેરિકાએ જણાવ્યું હતું કે કેવી રીતે હવે અમેરિકન ડ્રાય ફ્રૂટ્સ, ફળો અને અનાજ માટે ભારતના બજારો ખુલી ગયા છે. આ માહિતીની સાથે તેમણે એક નકશો પણ શેર કર્યો. આ નકશાએ સૌનું ધ્યાન ખેંચ્યું કારણ કે તેમાં PoK અને અક્સાઈ ચીનને ભારતના જ જમીની ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે પશ્ચિમી દેશો આ વિસ્તારોને 'વિવાદિત' ગણીને અલગ રંગ કે લાઈનથી બતાવતા હોય છે, પણ આ વખતે અમેરિકાનો સૂર અલગ હતો.


પોસ્ટ ડિલીટ થતાં અનેક તર્ક-વિતર્ક

જોકે, ભારતીયો ખુશ થાય તે પહેલાં જ થોડા સમયમાં USTR એ આ પોસ્ટ ડિલીટ કરી નાખી. પોસ્ટ હટાવી લેવાતા સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ નકશો મૂકવો અને પછી હટાવવો એ કોઈ રાજદ્વારી દબાણનું પરિણામ હોઈ શકે છે અથવા તો ચીન અને પાકિસ્તાનને સંદેશ આપવાની કોઈ રણનીતિ પણ હોઈ શકે. અમેરિકાના આ 'યુ-ટર્ન' પર અત્યારે કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી.

ભારતનું સ્ટેન્ડ એકદમ ક્લિયર

નકશાની બાબતમાં ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ અને કડક રહ્યું છે. ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર ડંકાની ચોટ પર કહેતું આવ્યું છે કે આખું જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ (જેમાં અક્સાઈ ચીન અને PoK પણ સામેલ છે) ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે.

થોડા સમય પહેલા જ્યારે ચીને તેના નકશામાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને પોતાનો ભાગ ગણાવ્યો હતો, ત્યારે પણ ભારતે તેનો સખત વિરોધ કર્યો હતો. હવે અમેરિકા જેવી મહાસત્તાએ પહેલા સ્વીકારવું અને પછી પીછેહઠ કરવી એ સૂચવે છે કે ભૌગોલિક રાજનીતિમાં હજુ પણ ઘણી ઉથલપાથલ ચાલી રહી છે.

ઐતિહાસિક ટ્રેડ ડીલ: વેપારને થશે ફાયદો

આ નકશા વિવાદની વચ્ચે એક સારા સમાચાર એ છે કે શુક્રવારે રાત્રે ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય ટ્રેડ ડીલના પ્રથમ તબક્કાને લીલી ઝંડી આપી દીધી છે.

ટેરિફ ઘટશે: આ કરાર હેઠળ બંને દેશોએ અનેક વસ્તુઓ પર લાગતા ટેક્સ (ટેરિફ) ઘટાડવા માટે હા પાડી છે.

નવા બજાર: અમેરિકાથી આવતા ટ્રી નટ્સ (બદામ, અખરોટ), સફરજન, બેરી અને પ્રોસેસ્ડ ફ્રૂટ્સ હવે ભારતીય બજારમાં સરળતાથી મળશે.

નિકાસ વધશે: આ ડીલથી ભારતીય નિકાસકારોને પણ મોટો ફાયદો થવાની આશા છે અને બંને દેશો વચ્ચેનો વેપાર રેકોર્ડ સ્તરે પહોંચશે.

અંતમાં, અમેરિકાએ ભલે પોસ્ટ ડિલીટ કરી દીધી હોય, પરંતુ આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે કાશ્મીર મુદ્દે વિશ્વની નજર ભારત પર મંડાયેલી છે.

આ પણ વાંચો- India-US Trade Deal: અમેરિકાએ ચૂપચાપ ડીલમાં કર્યો મોટો ફેરફાર, ભારતને થઈ ગયા બખ્ખાં! જાણો શું છે ‘ગુડ ન્યૂઝ’

MoneyControl News

MoneyControl News

First Published: Feb 11, 2026 12:39 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.