India-US Trade Deal: અમેરિકાએ ચૂપચાપ ડીલમાં કર્યો મોટો ફેરફાર, ભારતને થઈ ગયા બખ્ખાં! જાણો શું છે ‘ગુડ ન્યૂઝ’
India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ ‘ફેક્ટશીટ'માં ચૂપચાપ મહત્ત્વના ફેરફારો કર્યા છે, જેનાથી ભારતને મોટી રાહત મળી છે. હવે 500 અબજ ડોલરની ખરીદી ફરજિયાત નથી! વાંચો વિગતે.
India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ ‘ફેક્ટશીટ'માં ચૂપચાપ મહત્ત્વના ફેરફારો કર્યા છે.
India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધો (Trade Relations) ને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચેની ઐતિહાસિક ટ્રેડ ડીલની જાહેરાત કરી હતી અને તેના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી પણ કરી દીધી છે. પરંતુ, અસલી ટ્વિસ્ટ ત્યારપછી આવ્યો છે. વ્હાઈટ હાઉસે આ ડીલ જાહેર કર્યાના એક દિવસ બાદ, તેમાં ચૂપચાપ કેટલાક એવા ફેરફારો કર્યા છે જે ભારત માટે કોઈ ‘બિગ ગુડ ન્યૂઝ'થી કમ નથી.
આ સુધારા પછી ભારત પરથી અમુક મોટા દબાણો હટી ગયા છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે અમેરિકાએ ક્યાં અને શું સુધારા કર્યા છે અને તેનાથી આપણને શું ફાયદો થશે.
500 અબજ ડોલરની શરતમાં મોટી રાહત
સૌથી મોટી વાત એ છે કે, જ્યારે પહેલા ડીલનું માળખું જાહેર થયું હતું, ત્યારે તેમાં એક શરત હતી કે ભારત અમેરિકા પાસેથી 500 અબજ ડોલરનો સામાન (જેમાં ઉર્જા, આઈટી, કૃષિ અને કોલસા જેવી વસ્તુઓ સામેલ છે) ખરીદવા માટે ‘પ્રતિબદ્ધ' (Commited) છે. આનો સીધો મતલબ એવો થતો હતો કે ભારતે ફરજિયાતપણે આટલી ખરીદી કરવી જ પડશે.
પરંતુ હવે વ્હાઈટ હાઉસની વેબસાઈટ પર જે અપડેટ કરવામાં આવ્યું છે, તેમાં આ શબ્દ બદલી નાખવામાં આવ્યો છે. હવે ત્યાં ‘પ્રતિબદ્ધતા' ને બદલે ‘ઈરાદો' (Intention) કે ‘યોજના' શબ્દ વાપરવામાં આવ્યો છે. સાદી ભાષામાં કહીએ તો, હવે ભારત પર 500 અબજ ડોલરનો સામાન ખરીદવાનું કોઈ કાનૂની કે સખત બંધન નથી, પણ માત્ર એવી એક યોજના છે. ભારત માટે આ બહુ મોટો ફાયદો છે.
ખેતી અને કઠોળના લિસ્ટમાં પણ ફેરફાર
બીજો મોટો સુધારો કૃષિ ક્ષેત્રે થયો છે. અગાઉની ફેક્ટશીટમાં કહેવામાં આવ્યું હતું કે ભારત અમેરિકાથી આવતા તમામ ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનો પર ટેક્સ (Tariff) ઘટાડશે અથવા દૂર કરશે. આ લિસ્ટમાં ઘણી બધી વસ્તુઓ હતી.
પરંતુ સુધારેલી માહિતી મુજબ:
હવે 'કૃષિ' (Agriculture) શબ્દને અમુક કેટેગરીમાંથી હટાવી દેવામાં આવ્યો છે.
સૌથી મહત્ત્વનું એ છે કે 'ટ્રાફિક કટ' એટલે કે ટેક્સ ઘટાડવાના લિસ્ટમાંથી 'ચોક્કસ કઠોળ' (Specific Pulses) ને દૂર કરી દેવાયા છે.
મતલબ કે, હવે ભારત અમુક ખેતપેદાશો અને કઠોળ પર પોતાની મરજી મુજબ નિર્ણય લઈ શકશે અને અમેરિકન દબાણ ઓછું રહેશે.
જોકે, હજુ પણ બદામ, લાલ જુવાર, સોયાબીન તેલ, તાજા ફળો અને વાઈન જેવી વસ્તુઓ પર ટેરિફ ઘટાડવાની વાત યથાવત છે.
ડિજિટલ સર્વિસ ટેક્સ પર નવો વળાંક
ત્રીજો મહત્ત્વનો ફેરફાર ડિજિટલ દુનિયાને લગતો છે. પહેલા એવું સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે ભારત પોતાનો 'ડિજિટલ સર્વિસ ટેક્સ' નાબૂદ કરશે. આ શરત ભારત માટે નુકસાનકારક સાબિત થઈ શકે તેમ હતી.
પરંતુ નવી સુધારેલી ફેક્ટશીટમાં આ વાક્ય બદલી નાખવામાં આવ્યું છે. હવે એવું નથી લખ્યું કે ટેક્સ હટાવી દેવામાં આવશે, પરંતુ એવું લખ્યું છે કે ભારત મજબૂત દ્વિપક્ષીય ડિજિટલ ટ્રેડ નિયમો (Bilateral Digital Trade Rules) બનાવવા માટે વાટાઘાટો કરવા તૈયાર છે. એટલે કે, ટેક્સ હટાવવાની સીધી વાતને બદલે હવે ચર્ચા-વિચારણાનો રસ્તો અપનાવવામાં આવ્યો છે.
ટૂંકમાં કહીએ તો, અમેરિકાએ કરેલા આ છાનામાના સુધારા ભારત માટે આશીર્વાદ સમાન સાબિત થયા છે. 500 અબજ ડોલરની ખરીદીનું બંધન હટવું અને કૃષિ તેમજ ડિજિટલ ટેક્સ બાબતે લવચીક વલણ અપનાવવું એ દર્શાવે છે કે આ ડીલ હવે ભારત માટે વધુ સંતુલિત અને ફાયદાકારક બની છે.