અમેરિકાની નવી ચાલ પણ ફેલ? H-1B વિઝા પર $100000 ની ફી પણ ભારતીયોને રોકી શકશે નહીં! રિપોર્ટમાં મોટો ખુલાસો
H-1B Visa news: અમેરિકામાં H-1B વિઝા પર $100000ની ફી લાદવાની ચર્ચા વચ્ચે એક રિપોર્ટે ચોંકાવી દીધા છે. જાણો કેમ આટલી મોટી ફી હોવા છતાં કંપનીઓ ભારતીયોને જ નોકરી આપશે. વાંચો વિગતવાર.
H-1B Visa news: અમેરિકામાં H-1B વિઝા પર $100000ની ફી લાદવાની ચર્ચા વચ્ચે એક રિપોર્ટે ચોંકાવી દીધા છે.
H-1B Visa news: અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોતા લાખો ભારતીયો, ખાસ કરીને આઈટી પ્રોફેશનલ્સ માટે H-1B વિઝા હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. હાલમાં અમેરિકામાં એક એવી ચર્ચા ચાલી રહી છે કે વિદેશી કર્મચારીઓ પરની નિર્ભરતા ઘટાડવા માટે H-1B વિઝા માટે કંપનીઓ પાસેથી તગડી ફી વસૂલવી જોઈએ. પ્રસ્તાવ એવો છે કે દરેક H-1B કર્મચારીને હાયર કરવા પર કંપનીએ 1 લાખ ડોલર (આશરે 83 લાખ રૂપિયા) ચૂકવવા પડે.
પહેલી નજરે એવું લાગે કે આટલી મોટી રકમ સાંભળીને અમેરિકન કંપનીઓ ભારતીયોને નોકરી પર રાખવાનું બંધ કરી દેશે અથવા ઘટાડી દેશે. પરંતુ, એક નવા અભ્યાસે આ માન્યતા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે અને દાવો કર્યો છે કે આટલી મોટી ફી પણ ભારતીયોનો રસ્તો રોકી શકશે નહીં.
નવી સ્ટડીનો ચોંકાવનારો દાવો
ઈકોનોમિસ્ટ જ્યોર્જ બોરજાસ દ્વારા કરવામાં આવેલા રિસર્ચ ‘The H-1B Wage Gap, Visa Fees and Employer Demand’ માં એક રસપ્રદ ખુલાસો થયો છે. આ સ્ટડી મુજબ, ભલે અમેરિકા સરકાર 1 લાખ ડોલર જેટલી મોટી ફી લાદી દે, તો પણ કંપનીઓની ડિમાન્ડ પર તેની કોઈ ખાસ અસર નહીં પડે.
આનું મુખ્ય કારણ એ છે કે H-1B વિઝા પર કામ કરતા કર્મચારીઓ, સમાન લાયકાત અને અનુભવ ધરાવતા અમેરિકન નાગરિકોની સરખામણીમાં સરેરાશ 16% ઓછો પગાર મેળવે છે. કંપનીઓ માટે આ પગારનો તફાવત જ સૌથી મોટો ફાયદો છે.
$100000ની ફી કેમ બેઅસર સાબિત થશે?
તમને થતું હશે કે 1 લાખ ડોલર જેવી મોટી રકમ તો કોઈ પણ કંપનીને ભારે પડે. પરંતુ ગણિત કંઈક અલગ જ કહે છે. સ્ટડી મુજબ, H-1B વિઝાની 6 વર્ષની મુદત દરમિયાન કંપનીઓ એક વિદેશી કર્મચારી પાછળ પગારમાં એટલી બચત કરી લે છે કે તે આશરે 1 લાખ ડોલર સુધી પહોંચી જાય છે.
સરળ ભાષામાં કહીએ તો, જો કંપનીએ 1 લાખ ડોલરની ફી ચૂકવવી પડે, તો પણ તે રકમ વિદેશી કર્મચારીને ઓછો પગાર આપીને સરભર થઈ જાય છે. એટલે કે કંપનીને નુકસાન થતું નથી. જ્યોર્જ બોરજાસનું કહેવું છે કે ફી 1.5 થી 2 લાખ ડોલર હોય તો પણ કંપનીઓ માટે કુશળ વિદેશી કર્મચારીઓનું મહત્વ ઓછું નહીં થાય.
ટેક કંપનીઓ અને આઈટી સર્વિસ ફર્મ વચ્ચે તફાવત
આ રિપોર્ટમાં મોટી ટેક કંપનીઓ અને આઈટી સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ કરવામાં આવ્યો છે:
બિગ ટેક કંપનીઓ: મેટા (Meta), એપલ (Apple), ગૂગલ (Google), માઈક્રોસોફ્ટ (Microsoft) અને ટેસ્લા (Tesla) જેવી દિગ્ગજ કંપનીઓમાં પગારનો તફાવત બહુ ઓછો છે. અહીં H-1B પ્રોફેશનલ્સનો સરેરાશ પગાર 1.5 લાખ ડોલરની આસપાસ હોય છે.
આઈટી સર્વિસ કંપનીઓ: બીજી તરફ, ઇન્ફોસિસ, ટીસીએસ (TCS), વિપ્રો અને એચસીએલ (HCL) જેવી ભારતીય મૂળની કંપનીઓમાં આ તફાવત ઘણો મોટો છે. ઘણીવાર અહીં H-1B કર્મચારીઓને 80,000 ડોલર આસપાસ પગાર મળે છે, જે અમેરિકન કર્મચારી કરતા ઘણો ઓછો છે.
નાની કંપનીઓમાં પણ આ ટ્રેન્ડ
આ માત્ર મોટી કંપનીઓ પૂરતું સીમિત નથી. રિપોર્ટ જણાવે છે કે 75% H-1B હાયરિંગ ટોપ 25 કંપનીઓની બહાર થાય છે. નવાઈની વાત એ છે કે જે કંપનીએ માત્ર એક જ H-1B કર્મચારી રાખ્યો હોય, ત્યાં પણ પગારમાં સરેરાશ 18.5% નો તફાવત જોવા મળ્યો છે.
ભારતીય પ્રોફેશનલ્સ માટે શું છે સંકેત?
અમેરિકામાં H-1B વિઝા ધારકોમાં સૌથી મોટી સંખ્યા ભારતીયોની છે, જેમાં સોફ્ટવેર એન્જિનિયર્સ અને ડેવલપર્સ મુખ્ય છે. આ સ્ટડી પરથી એવું તારણ નીકળે છે કે ભલે વિઝાના નિયમો કડક કરવામાં આવે કે ફી વધારવામાં આવે, અમેરિકન કોર્પોરેટ જગત માટે ભારતીય ટેલેન્ટ સસ્તું અને કુશળ વિકલ્પ બનીને રહેશે. તેથી, ભારતીય પ્રોફેશનલ્સની માંગ ભવિષ્યમાં પણ જળવાઈ રહેવાની પૂરી શક્યતા છે.