અસમ માટે કેબિનેટનો મોટો નિર્ણય: 2014 કરોડના ખર્ચે સિલચરમાં બનશે નવું આધુનિક ગ્રીનફિલ્ડ એરપોર્ટ, જાણો શું મળશે સુવિધાઓ | Moneycontrol Gujarati
Get App

અસમ માટે કેબિનેટનો મોટો નિર્ણય: 2014 કરોડના ખર્ચે સિલચરમાં બનશે નવું આધુનિક ગ્રીનફિલ્ડ એરપોર્ટ, જાણો શું મળશે સુવિધાઓ

કેન્દ્ર સરકારે અસમના સિલચર (ડોલુ) ખાતે 2014 કરોડના ખર્ચે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજૂરી આપી છે. વાર્ષિક 10.1 લાખ પેસેન્જર ક્ષમતા સાથે આધુનિક સુવિધાઓ મળશે.

અપડેટેડ 04:14:30 PM Nov 25, 2026 પર
Story continues below Advertisement
આ નવા આધુનિક હવાઈ મથકના નિર્માણથી માત્ર સિલચર અને બરાક વેલીના નાગરિકોને જ નહીં, પરંતુ સમગ્ર પૂર્વોત્તર રાજ્યોના પ્રવાસીઓને ઉત્તમ હવાઈ સુવિધા મળશે.

Assam Greenfield Airport: ઉત્તર-પૂર્વ ભારતમાં હવાઈ કનેક્ટિવિટીને વધુ મજબૂત અને ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય કેબિનેટે અસમના સિલચર નજીક આવેલા ડોલુ ખાતે નવું અદ્યતન 'ગ્રીનફિલ્ડ એરપોર્ટ' બનાવવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ આશરે 2014 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

આ નવા આધુનિક હવાઈ મથકના નિર્માણથી માત્ર સિલચર અને બરાક વેલીના નાગરિકોને જ નહીં, પરંતુ સમગ્ર પૂર્વોત્તર રાજ્યોના પ્રવાસીઓને ઉત્તમ હવાઈ સુવિધા મળશે. તેનાથી વિસ્તારમાં વેપાર, ઉદ્યોગ અને પ્રવાસનને મોટો વેગ મળશે.

નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની મુખ્ય ખાસિયતો


ડોલુ ખાતે આકાર પામનાર આ નવું એરપોર્ટ આધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ હશે:

એરપોર્ટ પર 12,351 ચોરસ મીટરમાં ફેલાયેલું મોટું અને આધુનિક પેસેન્જર ટર્મિનલ ભવન તૈયાર કરવામાં આવશે. વિશાળ વિમાનોની સરળ લેન્ડિંગ અને ટેક-ઓફ માટે 2705 મીટર લાંબો અને 45 મીટર પહોળો રનવે બનાવવામાં આવશે. પિક અવર્સ દરમિયાન આ એરપોર્ટ પ્રતિ કલાકે 800 મુસાફરો (400 આગમન અને 400 પ્રસ્થાન) ની અવરજવર સરળતાથી સંભાળી શકશે. આ એરપોર્ટ દર વર્ષે અંદાજે 10.1 લાખ મુસાફરોનું ભારણ વહન કરવાની ક્ષમતા ધરાવતું હશે, જેનાથી ભવિષ્યની વધતી જરૂરિયાતો પૂરી થશે.

AAI પોતાના ખર્ચે કરશે એરપોર્ટનું નિર્માણ

આ 2014 કરોડના મેગા પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનો સમગ્ર આર્થિક બોજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પોતાના આંતરિક સંસાધનો અને પોતાની કમાણીમાંથી ઉઠાવશે. આ માટે સરકાર પર અલગથી નાણાકીય બોજ નહીં પડે.

હાલના એરપોર્ટની જગ્યાએ નવું એરપોર્ટ કેમ જરૂરી બન્યું?

સિલચરમાં હાલ કાર્યરત એરપોર્ટ મૂળભૂત રીતે ભારતીય વાયુસેનાના અંકુશ હેઠળ છે. ત્યાં AAI માત્ર 70 એકર જમીન પર સિવિલ એન્ક્લેવનું સંચાલન કરે છે.

હાલના એરપોર્ટ પર માત્ર A320 અને B737-800 જેવા ચોક્કસ પ્રકારના એરક્રાફ્ટ જ ઓપરેટ થઈ શકે છે.પેસેન્જરોની સંખ્યામાં ભારે વધારો થતાં વર્તમાન ટર્મિનલ પર ભારે દબાણ રહેતું હતું.સૌથી મોટો પડકાર એ હતો કે હાલના એરપોર્ટની આસપાસ વિસ્તરણ માટે વધારાની જમીન ઉપલબ્ધ નહોતી. જેથી લાંબા ગાળાના ઉકેલ માટે ડોલુ ખાતે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવું અનિવાર્ય બન્યું હતું.

વેપાર, ખેતી અને પર્યટનને મળશે જબરદસ્ત બુસ્ટ

નવું એરપોર્ટ કાર્યરત થવાથી બરાક વેલી અને આસપાસના પહાડી વિસ્તારોનું કનેક્ટિવિટી નેટવર્ક દેશના બાકીના ભાગો સાથે સીધું જોડાઈ જશે. આ ઉપરાંત, પૂર્વોત્તર ભારતમાં મોટા પાયે પાકતા તાજા ફળો, શાકભાજી અને બાગાયતી પેદાશોને એર કાર્ગો (હવાઈ માલવાહક સેવા) દ્વારા ઝડપથી મોટા બજારો સુધી પહોંચાડી શકાશે. તેનાથી નાશવંત ચીજોનો બગાડ અટકશે અને સ્થાનિક ખેડૂતો તેમજ વેપારીઓને પાકના સારા ભાવો મળશે.

આ પણ વાંચો-રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: અપ્રમાણસર સંપત્તિ કેસમાં CBI-ED તપાસનો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ રદ, નવેસરથી થશે સુનાવણી

MoneyControl News

MoneyControl News

First Published: Nov 25, 2026 4:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.