કેન્દ્રીય કેબિનેટે પોસ્ટ ઓફિસોના આધુનિકીકરણ માટે 1,141 કરોડ અને કન્સ્ટ્રક્શન સાધનોના સ્થાનિક ઉત્પાદન માટે 11,000 કરોડની સ્કીમને મંજૂરી આપી છે. જાણો વિગતો.
21,000 કરોડનું નવું રોકાણ આવશે: સરકારનો લક્ષ્યાંક આ યોજના દ્વારા દેશમાં 21,000 કરોડનું નવું ઔદ્યોગિક રોકાણ આકર્ષવાનો છે.
Cabinet Meeting : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પોસ્ટલ નેટવર્કને લઈને બે ઐતિહાસિક અને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારે એક તરફ દેશના ગામડે-ગામડે ફેલાયેલા ટપાલ નેટવર્કને આધુનિક બનાવવા માટે 1,141 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે, તો બીજી તરફ ટનલ બોરિંગ મશીન, ભારે ક્રેન અને લિફ્ટ જેવા કન્સ્ટ્રક્શન સાધનો ભારતમાં જ બનાવવા માટે 11,000 કરોડની પ્રોત્સાહક યોજનાને લીલી ઝંડી આપી દીધી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીતમાં સરકારના આ બંને મહત્વપૂર્ણ નિર્ણયોની વિસ્તૃત માહિતી આપી હતી.
કેન્દ્રીય કેબિનેટે આગામી 5 વર્ષના સમયગાળામાં દેશભરની પોસ્ટ ઓફિસોને હાઈટેક બનાવવા માટે 1,141 કરોડનું ફંડ મંજૂર કર્યું છે.અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ભારતીય પોસ્ટ ઓફિસ 'ફર્સ્ટ માઇલ' અને 'લાસ્ટ માઇલ' (એટલે કે ગ્રાહક પાસેથી કુરિયર લેવા અને પહોંચાડવા) ના નેટવર્કમાં પહેલેથી જ ખૂબ મજબૂત છે. પરંતુ વચ્ચેની કડી એટલે કે 'મિડલ માઇલ' લોજિસ્ટિક્સને વધુ ઝડપી અને મજબૂત બનાવવાની જરૂર છે. દેશના છેવાડાના ગામડાંમાં આવેલી પોસ્ટ ઓફિસોને માત્ર પત્રો મોકલવા પૂરતી સીમિત ન રાખતાં, તેમને ગ્રામીણ વેપાર કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવશે. ઇ-કોમર્સ અને પાર્સલ ડિલિવરી વ્યવસ્થાને વધુ ઝડપી બનાવવામાં આવશે જેથી સરકારી કલ્યાણકારી યોજનાઓ અને ડિલિવરી સામાન્ય નાગરિકો સુધી આસાનીથી પહોંચી શકે.
કન્સ્ટ્રક્શન સાધનો માટે 11,000 કરોડની પ્રોત્સાહક સ્કીમ
ભારતમાં મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઝડપથી ચાલી રહ્યા છે, પરંતુ તેમાં વપરાતા મોટાભાગના મશીનો વિદેશથી આયાત કરવા પડે છે. આ નિર્ભરતા ઘટાડવા માટે કેબિનેટે 11,000 કરોડની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી છે.
સરકારનો લક્ષ્યાંક આ યોજના દ્વારા દેશમાં 21,000 કરોડનું નવું ઔદ્યોગિક રોકાણ આકર્ષવાનો છે. નાણાકીય વર્ષ 2025 માં દેશમાં કન્સ્ટ્રક્શન સાધનોનું બજાર 97,500 કરોડનું રહ્યું હતું, જેમાંથી આશરે 45 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી થાય છે. સરકારે અંદાજ લગાવ્યો છે કે વર્ષ 2030 સુધીમાં આ ડોમેસ્ટિક માર્કેટ બમણાથી વધીને 2.28 લાખ કરોડ પર પહોંચી જશે. ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા લાગુ થનારી આ સ્કીમમાં ટનલ બોરિંગ મશીન, ઓફ-હાઇવે ટ્રક, એક્સકેવેટર, ક્રેન, લોડર, પાઇલિંગ રીગ અને ડ્રિલિંગ મશીન જેવી આયાતી મશીનરીનો સમાવેશ થાય છે. એન્જિન, ટ્રાન્સમિશન, હાઇડ્રોલિક સિસ્ટમ, અંડરકેરેજ અને ડ્રાઇવ સિસ્ટમ જેવા 5 મુખ્ય પાર્ટ્સ બનાવતી કંપનીઓને પણ લાભ મળશે. આ યોજના હેઠળ ઉત્પાદકોને 5 વર્ષ દરમિયાન વધારાના વેચાણ પર 8 ટકાથી લઈને 13 ટકા સુધીનું ગ્રેડેડ ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવશે.
દેશમાં જ ટેસ્ટિંગ માટે 375 કરોડની ગ્રાન્ટ
કન્સ્ટ્રક્શન અને ભારે સાધનોના ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન માટે દેશમાં જ એક ડેડિકેટેડ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ માટે 'ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા' (ARAI) ને વાયેબિલિટી ગેપ ફંડિંગ હેઠળ 375 કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે. આનાથી ભારતમાં ઉત્પાદિત હેવી મશીનોનું પરીક્ષણ અને ગુણવત્તા પ્રમાણીકરણ વિદેશ ગયા વિના દેશની અંદર જ શક્ય બનશે.
કેન્દ્ર સરકારના આ બંને નિર્ણયો 'આત્મનિર્ભર ભારત' અને 'ડિજિટલ ભારત' અભિયાનને નવી ઊંચાઈ આપશે. ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટ ઓફિસોનું આધુનિકીકરણ સામાન્ય નાગરિકો માટે સુવિધાઓ વધારશે, જ્યારે ભારે કન્સ્ટ્રક્શન મશીનરીનું સ્થાનિક ઉત્પાદન દેશના અર્થતંત્રને મજબૂત બનાવવાની સાથે હજારો નવી ટેકનિકલ નોકરીઓનું સર્જન કરશે.