આ પહેલાં પણ સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટને આ મામલામાં કોઈપણ આગળની કાર્યવાહી કરવાથી રોકી દીધી હતી.
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી માટે સર્વોચ્ચ અદાલતમાંથી ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાના કથિત આરોપોના મામલામાં સુપ્રીમ કોર્ટે બુધવારે અલ્હાબાદ હાઈકોર્ટના તે આદેશને રદ કરી દીધો છે, જેમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
અલ્હાબાદ હાઈકોર્ટને ફરીથી વિચારણા કરવા મોકલાઈ અરજી
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની વિશેષ પીઠે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ભારતીય જનતા પાર્ટીના સભ્ય વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને નવેસરથી વિચારણા માટે અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ પરત મોકલી આપી છે.
હવે હાઈકોર્ટે સૌથી પહેલાં એ બાબત તપાસવી પડશે કે કાયદાકીય દ્રષ્ટિએ આ અરજી સુનાવણી કરવા યોગ્ય છે કે નહીં.
સુપ્રીમ કોર્ટે અગાઉ જ લગાવી દીધી હતી રોક
આ પહેલાં પણ સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટને આ મામલામાં કોઈપણ આગળની કાર્યવાહી કરવાથી રોકી દીધી હતી. સાથોસાથ સર્વોચ્ચ અદાલતે CBI અને ED ને પણ નિર્દેશ આપ્યા હતા કે તેઓ હાઈકોર્ટના આદેશ હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ કોઈ પણ તપાસ રિપોર્ટ રજૂ ન કરે. અલ્હાબાદ હાઈકોર્ટે તપાસ એજન્સીઓને સીધા આદેશ આપતાં જ રાહુલ ગાંધીએ તેને પડકારતી સ્પેશિયલ લીવ પિટિશન સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરી હતી.
હાઈકોર્ટમાં શું બન્યું હતું?
અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલું સોગંદનામું યોગ્ય નહોતું અને તેમાં રાહુલ ગાંધીની સંપત્તિ અંગે અરજદારની ફરિયાદ પર અત્યાર સુધી શું પગલાં લેવાયા તેની સ્પષ્ટ વિગતો નહોતી. હાઈકોર્ટે નવી દિલ્હી ખાતે CBIના ભ્રષ્ટાચાર નિરોધક વિભાગના જોઈન્ટ ડિરેક્ટર અથવા સંબંધિત વડાને નવેસરથી વિગતવાર સોગંદનામું રજૂ કરવા આદેશ આપ્યો હતો.
નોંધનીય છે કે આ કેસ કરનાર ભાજપ નેતાએ આ અગાઉ પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાસે કથિત રીતે બેવડી નાગરિકતા હોવાનો આરોપ લગાવીને વિવિધ અરજીઓ કરી હતી.
અરજીની મેન્ટેનેબિલિટી પર હવે મુખ્ય ફોકસ
સુપ્રીમ કોર્ટના નવા આદેશ બાદ હવે સમગ્ર કેસનું ગણિત બદલાઈ ગયું છે. હવે અલ્હાબાદ હાઈકોર્ટે મેરિટ પર જતાં પહેલાં એ નક્કી કરવું પડશે કે વિગ્નેશ શિશિરની આ અરજી કાયદાકીય માપદંડો પર ટકી શકે તેમ છે કે કેમ. જો હાઈકોર્ટને લાગશે કે અરજી યોગ્ય નથી, તો આ કેસ શરૂઆતમાં જ ફગાવી દેવાઈ શકે છે.