Goa Politics: CJP એ ભાજપની દુઃખતી નસ દબાવી! કહ્યું- 'કોકરોચ ક્યારેય નહીં મરે, ગોવામાંથી કલમ 39-A હટાવો'
Goa Politics: ગોવા વિધાનસભા ચૂંટણી પહેલા ‘કોકરોચ જનતા પાર્ટી' (CJP) એ કલમ 39-Aના મુદ્દે ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો છે. જાણો શું છે કલમ 39-Aનો વિવાદ અને CJP ની રણનીતિ.
Goa Politics: ગોવામાં આગામી વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ચૂંટણી પહેલા જ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) એ સત્તાધારી ભાજપ સરકાર સામે સીધો મોરચો ખોલી દીધો છે. પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી છે કે તેમની પાર્ટી હવે ગોવા છોડીને ક્યાંય જવાની નથી, પરંતુ અહીં જ રહીને એક મજબૂત 'પ્રેશર ગ્રુપ' તરીકે કામ કરશે અને સરકારને જનતાના મુદ્દે સવાલો પૂછશે.
અભિજિત દીપકેએ પોતાની રણનીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, "અમે વિધાનસભાની ચૂંટણી લડવાના નથી, પરંતુ ચૂંટણી માટે અમારો પોતાનો ચૂંટણી ઢંઢેરો (Manifesto) ચોક્કસ જાહેર કરીશું અને ગોવાના યુવાનોના હક માટે તેમની સાથે ખભેખભો મિલાવીને ઊભા રહીશું."
કલમ 39-A હટાવવી એ જ CJP ની સૌથી મોટી પ્રાથમિકતા
CJPના સ્થાપક અભિજિત દીપકેએ કહ્યું કે તેમની પાર્ટીની સૌથી પહેલી અને મોટી પ્રાથમિકતા ગોવામાંથી 'કલમ 39-A' (Section 39-A)ને સંપૂર્ણપણે નાબૂદ કરાવવાની છે. ગોવાના સ્થાનિક લોકો આ કલમનો ભારે વિરોધ કરી રહ્યા છે, જેના કારણે આ મુદ્દો ભાજપ સરકાર માટે દુઃખતી નસ સમાન બની ગયો છે અને CJP એ હવે આ જ સંવેદનશીલ મુદ્દાને હાથમાં લીધો છે.
પાર્ટીના અન્ય નેતા આશુતોષ રાંકાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "અમે ગોવાના રાજકારણમાં લાંબી ઇનિંગ રમવા માટે આવ્યા છીએ. દેશનું ભવિષ્ય કોઈ 75 વર્ષના મહામાનવ નહીં, પરંતુ આ દેશના યુવાનો છે. દિવાળીના તહેવારને કારણે અમારા સભ્યો થોડા સમય માટે બ્રેક પર હતા, પરંતુ હવે અહીં લાંબી લડાઈ ચાલશે અને યાદ રાખજો કે 'કોકરોચ' ક્યારેય મરશે નહીં."
આખરે શું છે કલમ 39-A નો સમગ્ર વિવાદ?
ગોવામાં જે કલમને લઈને આટલો મોટો વિવાદ ચાલી રહ્યો છે, તેની પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:
કાયદામાં સુધારો: 'ગોવા નગર અને ગ્રામીણ આયોજન બિલ 1974' (Goa Town and Country Planning Act)માં વર્ષ 2024 દરમિયાન સુધારો કરીને તેમાં 'કલમ 39-A' ઉમેરવામાં આવી હતી.
માત્ર 30 દિવસમાં ઝોન બદલવાની સત્તા: આ જોગવાઈ મુજબ, બોર્ડની મંજૂરી મળ્યા બાદ કોઈપણ જમીનનો ઝોન બદલી શકાય છે. આ માટે જનતા પાસેથી વાંધા-સૂચનો મંગાવવા માટે માત્ર 30 દિવસનો જ સમય આપવામાં આવે છે.
ખેતી અને જંગલની જમીન પર જોખમ: આ કાયદાને કારણે ખેતીલાયક જમીનો અને જંગલ વિસ્તારની જમીનોનો ઉપયોગ પણ બાંધકામ કે શહેરી વિકાસ માટે કરવાનો રસ્તો ખુલી જાય છે.
સ્થાનિકોનો વિરોધ: ગોવાના સ્થાનિક લોકો આ કલમ રદ કરવા માટે સતત આંદોલન કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ કાયદાથી ગોવાના કુદરતી પર્યાવરણને મોટું નુકસાન થશે અને માત્ર મોટા ઉદ્યોગપતિઓ તથા વગદાર લોકોને જ તેનો સીધો ફાયદો મળશે.
ગોવાની મૂળ સંસ્કૃતિ અને જમીન બચાવવાનો સંકલ્પ
અભિજિત દીપકેએ ગંભીર આરોપ લગાવ્યો છે કે ગોવાની મૂળ સંસ્કૃતિને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે સ્થાનિક નાગરિકોને ખાતરી આપી છે કે હવે CJP ગોવાના લોકોની ઓળખ અને તેમની જમીન બચાવવા માટે લડત ચલાવશે, અને પાર્ટીના આગામી ચૂંટણી ઢંઢેરામાં પણ કલમ 39-A વિરુદ્ધની લડાઈને જ પ્રથમ ક્રમે રાખવામાં આવશે.