‘સવાર-સાંજ ગાળો આપવાથી દેશ આગળ નથી વધતો', રાહુલ ગાંધીના આરોપો પર PM મોદીનો વળતો પ્રહાર; કહ્યું- 12-13 વર્ષમાં 50 કરોડ લોકોએ ગરીબીને હરાવી | Moneycontrol Gujarati
Get App

‘સવાર-સાંજ ગાળો આપવાથી દેશ આગળ નથી વધતો', રાહુલ ગાંધીના આરોપો પર PM મોદીનો વળતો પ્રહાર; કહ્યું- 12-13 વર્ષમાં 50 કરોડ લોકોએ ગરીબીને હરાવી

PM Modi FICCI Speech: FICCIના શતાબ્દી સંમેલનમાં PM મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે સવાર-સાંજ ગાળો આપવાથી દેશ આગળ નથી વધતો. ઓક્ટોબરમાં ભારતની નિકાસ રેકોર્ડ 50 અબજ ડોલરને પાર પહોંચી.

અપડેટેડ 12:26:45 PM Nov 19, 2026 પર
Story continues below Advertisement
અમેરિકા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ સાધ્યું હતું નિશાન

PM Modi FICCI Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિક્કી (FICCI)ના શતાબ્દી સંમેલનને સંબોધિત કરતા ભારતીય અર્થતંત્રની મજબૂતી દુનિયા સમક્ષ મૂકી હતી અને વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "સવાર-સાંજ ગાળો આપવાથી દેશ આગળ નથી વધતો."

વડાપ્રધાને જણાવ્યું કે આજે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે અને દેશનો વિકાસ દર (GDP Growth) અંદાજે 7% રહેવાનું અનુમાન છે. દેશમાં પ્રગતિની ગતિ ખૂબ જ તેજ છે, લોકો ઝડપથી ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે અને વૈશ્વિક રેટિંગ એજન્સીઓ પણ ભારતની આ તરક્કીના વખાણ કરી રહી છે.

અમેરિકા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ સાધ્યું હતું નિશાન


ઉલ્લેખનીય છે કે, ગત રોજ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતની આર્થિક સ્થિતિ મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ભારત અત્યારે એક 'આર્થિક આપત્તિ'ના દરવાજે ઊભું છે. આજે દેશના યુવાનોને ભરોસો નથી કે તેમની ડિગ્રી તેમને નોકરી અપાવી શકશે અને વિદ્યાર્થીઓને પેપર લીક થવાથી પોતાનું ભવિષ્ય બરબાદ થવાનો ડર સતાવી રહ્યો છે. દેશમાં રોજગારીની તકો ઘટી રહી છે અને આર્થિક અસમાનતા વધી રહી છે. આજનું ભારત એવું નથી, જેનો મજબૂત આર્થિક પાયો કોંગ્રેસે દાયકાઓની મહેનતથી તૈયાર કર્યો હતો. મીડિયા આ સત્યને દબાવી શકે છે અને વડાપ્રધાન તેનાથી મોઢું ફેરવી શકે છે, પરંતુ હકીકત બદલાઈ શકતી નથી. આ આર્થિક સંકટ ખુદ પીએમ મોદીએ પોતાના હાથે ઊભું કર્યું છે.

ઓક્ટોબરમાં ભારતની નિકાસ 50 અબજ ડોલરના ઐતિહાસિક સ્તરે: PM મોદી

રાહુલ ગાંધીના આ દાવાઓથી વિપરીત વડાપ્રધાન મોદીએ આંકડાઓ સાથે જવાબ આપતા જણાવ્યું કે, ઓક્ટોબર મહિનામાં ભારતની માલસામાનની નિકાસ અંદાજે 50 અબજ ડોલર રહી છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો માસિક આંકડો છે. પીએમ મોદીએ ઉમેર્યું કે ભારતના આ શાનદાર પ્રદર્શનને કારણે જ મૂડીઝ રેટિંગ્સ (Moody's), S&P ગ્લોબલ રેટિંગ્સ, ફિચ રેટિંગ્સ (Fitch), વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) જેવી દિગ્ગજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભારતના વિકાસ દરના અંદાજમાં વધારો કરી રહી છે.

70 ના દાયકામાં નીતિ અને દાનત બંનેમાં ખામી હતી

ગરીબીના મુદ્દે કોંગ્રેસને ઘેરતા વડાપ્રધાને કહ્યું કે, 70 ના દાયકામાં જ્યારે દેશમાં 'ગરીબી હટાવો'નો નારો આપવામાં આવ્યો હતો, ત્યારે ભારતની કુલ વસ્તી આશરે 50 કરોડ હતી. ગરીબી તે સમયે પણ દૂર થઈ શકી હોત, પરંતુ ત્યારે સરકારની નીતિ અને દાનત (નીયત) બંનેમાં ખોટ હતી.

વર્લ્ડ બેંકના તાજેતરના રિપોર્ટનો હવાલો આપતા પીએમ મોદીએ કહ્યું કે, FICCI પોતે પણ એ વાતનું સાક્ષી છે કે જ્યારે સાચી દાનતથી કામ થયું અને સરકારે સાચી દિશામાં પગલાં ભર્યા, ત્યારે માત્ર 12-13 વર્ષમાં જ ભારતના 50 કરોડ લોકોએ ગરીબીને હરાવી છે અને ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ સાબિત કરે છે કે ભારત જે દિશામાં આગળ વધી રહ્યું છે તે એકદમ સાચી છે અને તેમાં દેશની સફળતાની ગેરંટી છે.

'ફ્રેજાઈલ ફાઈવ'થી વિકાસના શિખર સુધીની સફર

વડાપ્રધાને છેલ્લા 100 વર્ષમાં ભારતીય અર્થતંત્રના અલગ-અલગ તબક્કાઓને યાદ કરતા કહ્યું કે, દેશે લાયસન્સ-કોટા રાજ, રાષ્ટ્રીયકરણનો નિષ્ફળ પ્રયોગ અને 21મી સદીમાં ભારતીય અર્થતંત્રને 'ફ્રેજાઈલ ફાઈવ' (Fragile Five - નબળા અર્થતંત્રો) માં સામેલ થતું જોયું છે. પરંતુ છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, ખેડૂતો, શ્રમિકો અને ઉદ્યોગ જગતના લોકોએ સાથે મળીને દેશની સ્થિતિ બદલી નાખી છે.

FICCIની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન આપતા પીએમ મોદીએ કહ્યું કે, કોઈ સંસ્થાનું આટલા લાંબા સમય સુધી સક્રિય રહેવું અને બદલાતા સમયની સાથે પોતાની જાતને આગળ વધારવી એ બહુ મોટી સિદ્ધિ છે. FICCI એ ભારતીય ઉદ્યોગોની અનેક સફળતાઓ જોઈ છે અને હવે એ નક્કી કરવાનો સમય આવી ગયો છે કે ભારતીય ઉદ્યોગ જગત આગામી 20 વર્ષમાં શું હાંસલ કરી શકે છે.

આ પણ વાંચો- PF ખાતાધારકો માટે મોટા સમાચાર! લઘુત્તમ પેન્શન 1,000થી વધીને 3,000 થશે? 19 નવેમ્બરની બેઠકમાં PF ઉપાડના નિયમો બદલાવાની શક્યતા

MoneyControl News

MoneyControl News

First Published: Nov 19, 2026 12:26 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.