સેશન્સ કોર્ટે નાગરિકતાના મામલે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રને લઈને મેજિસ્ટ્રેટે કરેલી ટિપ્પણીઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
Sonia Gandhi Citizenship Controversy: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની નાગરિકતા સાથે જોડાયેલા વિવાદ પર આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે કોર્ટે દિલ્હી પોલીસ પાસે 'એક્શન ટેકન રિપોર્ટ' (અત્યાર સુધી કરેલી કાર્યવાહીનો અહેવાલ) માંગ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 28 નવેમ્બરના રોજ થશે.
નાગરિકતા મળ્યા પહેલા જ વોટર લિસ્ટમાં નામ હોવાનો આરોપ
આ સમગ્ર વિવાદ સોનિયા ગાંધીના મતદાર યાદીમાં સામેલ નામને લઈને છે. ફરિયાદી વિકાસ ત્રિપાઠીએ આરોપ લગાવ્યો છે કે, સોનિયા ગાંધીને એપ્રિલ 1983 માં ભારતની નાગરિકતા મળી હતી. પરંતુ, તે પહેલાં જ એટલે કે વર્ષ 1980માં તેમનું નામ ભારતીય મતદાર યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે તેમની પાસે ભારતીય નાગરિકતા જ નહોતી, તો વોટર લિસ્ટમાં તેમનું નામ કેવી રીતે આવ્યું? આ જ મુદ્દાને આધાર બનાવીને ફરિયાદીએ સવાલો ઉઠાવ્યા છે.
કોર્ટે ફરિયાદીને આપ્યો આ નિર્દેશ
આ મામલે 24 ઓગસ્ટ 2025 ના રોજ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી વિકાસ ત્રિપાઠીએ કોર્ટમાં વર્ષ 1980, 1981 અને 1983 ની પ્રમાણિત મતદાર યાદીની નકલો રજૂ કરી હતી. અગાઉ 11 નવેમ્બરે પણ રાઉઝ એવન્યુ કોર્ટે ફરિયાદીને પોતાના આરોપોના સમર્થનમાં વધારાના દસ્તાવેજો રજૂ કરવાની મંજૂરી આપી હતી.
આજની સુનાવણી દરમિયાન કોર્ટે મહત્વના નિર્દેશ આપ્યા છે. ફરિયાદીએ વર્ષ 1980 ની મતદાર યાદીની મૂળ પ્રમાણિત નકલ કોર્ટના રેકોર્ડ પર મૂકવી પડશે. આ દસ્તાવેજ રેકોર્ડ પર આવ્યા બાદ જ કેસમાં આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. સાથે જ, પોલીસે આ ફરિયાદ પર અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે, તેની સંપૂર્ણ વિગતો કોર્ટમાં રજૂ કરવાની રહેશે.
સેશન્સ કોર્ટે અગાઉનો આદેશ રદ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, સેશન્સ કોર્ટના નિર્દેશ બાદ આ મામલો ફરીથી એસીજેએમ કોર્ટમાં પહોંચ્યો છે. આ પહેલા વર્ષ 2025 માં મેજિસ્ટ્રેટ કોર્ટે સોનિયા ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો. ફરિયાદી વિકાસ ત્રિપાઠીએ આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.
ત્યારબાદ, 21 સપ્ટેમ્બરના રોજ સાંસદ-ધારાસભ્ય કેસોની વિશેષ અદાલતે ફરિયાદીની પુનરીક્ષણ અરજી સ્વીકારી હતી અને મેજિસ્ટ્રેટ કોર્ટનો જૂનો આદેશ રદ કરી દીધો હતો. સેશન્સ કોર્ટે નોંધ્યું હતું કે, મેજિસ્ટ્રેટે માત્ર અપ્રમાણિત રેકોર્ડની ફોટોકોપીના આધારે અને પૂરતા કારણો આપ્યા વિના જ ફરિયાદ ફગાવી દીધી હતી, જે ખોટું છે.
આ ઉપરાંત, સેશન્સ કોર્ટે નાગરિકતાના મામલે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રને લઈને મેજિસ્ટ્રેટે કરેલી ટિપ્પણીઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટનું કહેવું હતું કે જૂના આદેશમાં એ વાતના પૂરતા કારણો નોંધવામાં આવ્યા નહોતા કે આ ફરિયાદથી કોઈ ગુનો બને છે કે નહીં.
સેશન્સ કોર્ટની ફટકાર બાદ ફરી શરૂ થયેલી આ કાનૂની પ્રક્રિયામાં હવે દિલ્હી પોલીસ પોતાનો શું રિપોર્ટ આપે છે અને ફરિયાદી મૂળ દસ્તાવેજો રજૂ કરે છે કે કેમ, તે જોવું રહ્યું. હાલ સૌની નજર 28 નવેમ્બરે થનારી આગામી સુનાવણી પર ટકેલી છે.