કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલાં અમદાવાદની થશે કાયાપલટ! 2,600 કરોડના ખર્ચે બનશે સાબરમતી પર બે નવા બ્રિજ, જાણો AMCનો માસ્ટર પ્લાન | Moneycontrol Gujarati
Get App

કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલાં અમદાવાદની થશે કાયાપલટ! 2,600 કરોડના ખર્ચે બનશે સાબરમતી પર બે નવા બ્રિજ, જાણો AMCનો માસ્ટર પ્લાન

કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલાં અમદાવાદને ટ્રાફિક મુક્ત બનાવવા AMC એ 2,600 કરોડનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જાણો સાબરમતી પર નવા બ્રિજ અને એલિવેટેડ કોરિડોર ક્યાં બનશે.

અપડેટેડ 11:46:48 AM Nov 18, 2026 પર
Story continues below Advertisement
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ વચ્ચે રોડ કનેક્ટિવિટી વધુ મજબૂત કરવા માટે સાબરમતી નદી પર બે નવા બ્રિજ બનાવવાનું આયોજન છે.

Commonwealth games 2030: અમદાવાદ શહેરમાં વર્ષ 2030 માં યોજાનારી પ્રતિષ્ઠિત કોમનવેલ્થ ગેમ્સ પહેલાં શહેરના ટ્રાફિક માળખાને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મેગા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરીજનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવા માટે તંત્ર દ્વારા અંદાજિત 2,600 કરોડના ખર્ચે સાબરમતી નદી પર નવા રિવર બ્રિજ, મેગા એલિવેટેડ કોરિડોર, ફ્લાયઓવર, રેલવે ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવાનું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.

વર્ષ 2026-2027 ના 18,510 કરોડના વાર્ષિક બજેટમાં મંજૂર થયેલા આ તમામ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ હવે ટેન્ડર પ્રક્રિયામાં મૂકી દેવામાં આવ્યા છે.

સાબરમતી નદી પર બનશે બે નવા રિવર બ્રિજ


પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ વચ્ચે રોડ કનેક્ટિવિટી વધુ મજબૂત કરવા માટે સાબરમતી નદી પર બે નવા બ્રિજ બનાવવાનું આયોજન છે.

હાંસોલથી કોટેશ્વર-મોટેરા બ્રિજ: પૂર્વમાં આવેલા હાંસોલ એરપોર્ટ વિસ્તાર અને પશ્ચિમમાં કોટેશ્વર-મોટેરા વિસ્તારને સીધો જોડતો નવો રિવર બ્રિજ બનશે.

શાહીબાગ ડફનાળા બ્રિજ: CRRI ના ટ્રાફિક સર્વે રિપોર્ટના આધારે શાહીબાગ ડફનાળાથી પશ્ચિમ કાંઠાને જોડતા નવા બ્રિજની દરખાસ્ત કરવામાં આવી છે.

ક્યાં-ક્યાં બનશે એલિવેટેડ કોરિડોર અને ફ્લાયઓવર?

પશ્ચિમ અમદાવાદના સૌથી વ્યસ્ત રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે 1,000 કરોડના ખર્ચે મેગા એલિવેટેડ કોરિડોર તૈયાર કરવામાં આવશે.

બોપલ એસપી રિંગ રોડથી ઘુમા એલિવેટેડ કોરિડોર, નહેરુનગર-શિવરંજની-રામદેવનગર જંકશન કોરિડોર અને ઇસ્કોન બ્રિજ એલિવેટેડ કોરિડોર તૈયાર થશે. આ ઉપરાંત રાણીપ રાધાસ્વામી રોડથી અચેર ડેપો, દાણીલીમડા ચાર રસ્તાથી ખોડિયારનગર ફ્લાયઓવર અને પ્રેરણાતીર્થ દેરાસરથી માનસી સર્કલ એલિવેટેડ કોરિડોરનું પણ આયોજન છે.પૂર્વ અમદાવાદમાં દરિયાપુર દરવાજાથી દિલ્હી દરવાજા એલિવેટેડ કોરિડોર અને નરોડા પાટિયા ફ્લાયઓવર સહિતના કામો હાથ ધરાશે. મેમ્કો જંકશન, ભક્તિનગર સર્કલ-કઠવાડા જંકશન અને ચાંદલોડિયા-ગોતા ખાતે સિલ્વર સ્ટાર જંકશન પર નવા ફ્લાયઓવર બ્રિજ બનશે.

775 કરોડના ખર્ચે બનશે રેલવે ઓવરબ્રિજ: ફાટકની સમસ્યા થશે દૂર

શહેરના ટ્રાફિકથી ધમધમતા 5 મુખ્ય રેલવે ક્રોસિંગ પર ફાટક બંધ રહેવાની સમસ્યા કાયમી ધોરણે ઉકેલવા માટે 775 કરોડના ખર્ચે નવા રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે.

મણિનગર રેલવે ક્રોસિંગ પર નવો ઓવરબ્રિજ અને લાઈન ડાયવર્ઝન, મણિનગર અને ઘોડાસરને જોડતો રેલવે ઓવરબ્રિજ, વટવા GIDC અને વિંઝોલને જોડતો રેલવે ઓવરબ્રિજ, ગેરતપુર સ્ટેશન રેલવે ફાટક ઓવરબ્રિજ અને એપ્રોચ રોડ, સરખેજ રેલવે ક્રોસિંગ ઉપર નવો રેલવે ઓવરબ્રિજ, આ ઉપરાંત બુટભવાની રેલવે ઓવરબ્રિજ બનાવવાનું પણ આયોજન છે.

રિવરફ્રન્ટથી સીધા એરપોર્ટ જવા માટે બનશે ખાસ અંડરપાસ

કોમનવેલ્થ ગેમ્સ પહેલાં રિવરફ્રન્ટના પૂર્વ છેડેથી સીધા જ એરપોર્ટ જવા માટે 30 કરોડના ખર્ચે ખાસ અંડરપાસ બનાવવાની યોજના છે. આ સિવાય શહેરમાં બનનારા અન્ય અંડરપાસ અને બ્રિજ નીચે મુજબ છે.

ત્રાગડ અને શીલજ : દિવ્ય જ્યોત સ્કૂલથી શીલજ અંડરપાસ

મુમતપુરા અને CTM: નીમા ફાર્મ-મુમતપુરા અંડરપાસ અને CTM ચાર રસ્તા-અનાજ માર્કેટ ગેટ અંડરપાસ (10 કરોડના ખર્ચે) તૈયાર કરાશે.

માઈનોર બ્રિજ અને બ્યુટિફિકેશન: પિરાણા-પીપળજ રોડ અને વસ્ત્રાલ મેટ્રો પાસે માઈનોર બ્રિજ બનશે, તેમજ શહેરના 11 બ્રિજ નીચેની ખાલી જગ્યા ડેવલપ કરવા માટે 25 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો-વિશ્વભરમાં એપલની સર્વિસ ઠપ થતાં કરોડો iPhone યુઝર્સ મુશ્કેલીમાં, iCloud અને App Store સહિતની સેવાઓ ખોરવાઈ, એક જ અઠવાડિયામાં ચોથો મોટો આઉટેજ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 18, 2026 11:46 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.