વિશ્વભરમાં એપલની સર્વિસ ઠપ થતાં કરોડો iPhone યુઝર્સ મુશ્કેલીમાં, iCloud અને App Store સહિતની સેવાઓ ખોરવાઈ, એક જ અઠવાડિયામાં ચોથો મોટો આઉટેજ
બુધવારે રાત્રે ભારત સહિત વિશ્વભરમાં Appleની iCloud, App Store અને Apple Pay જેવી સેવાઓ અચાનક ઠપ થઈ જતાં કરોડો iPhone અને MacBook યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા હતા.
આઉટેજ ટ્રેક કરતી જાણીતી વેબસાઈટ 'ડાઉનડિટેક્ટર' પર યુઝર્સ દ્વારા હજારોની સંખ્યામાં ફરિયાદો નોંધાવવામાં આવી હતી.
Apple Outage Worldwide: આજના આધુનિક ડિજિટલ યુગમાં જ્યાં માણસનું અડધું જીવન સ્માર્ટફોન અને ગેજેટ્સ પર નિર્ભર થઈ ગયું છે, ત્યાં દુનિયાની સૌથી દિગ્ગજ ટેક બ્રાન્ડ ગણાતી 'એપલ' ની મુખ્ય સેવાઓમાં અચાનક મોટો બ્રેકડાઉન જોવા મળ્યો છે. બુધવારની રાત વિશ્વભરના કરોડો એપલ યુઝર્સ માટે ભારે હાલાકીભરી સાબિત થઈ હતી. આઈફોન, મેકબુક અને અન્ય એપલ ડિવાઈસ વાપરતા લાખો લોકો અચાનક જ કંપનીની મહત્વની સર્વિસનો ઉપયોગ કરી શક્યા નહોતા.
મળતી માહિતી મુજબ, એપલની આંતરરાષ્ટ્રીય સ્તરની લોકપ્રિય સેવાઓ જેવી કે iCloud, App Store, Apple Pay, Apple Music અને સપોર્ટ સર્વિસ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં યુઝર્સે સોશિયલ મીડિયા પર પોતાની મુશ્કેલીઓ અને નારાજગી વ્યક્ત કરી હતી.
એપલની કઈ-કઈ સેવાઓ પર પડી માઠી અસર?
આઉટેજ ટ્રેક કરતી જાણીતી વેબસાઈટ 'ડાઉનડિટેક્ટર' પર યુઝર્સ દ્વારા હજારોની સંખ્યામાં ફરિયાદો નોંધાવવામાં આવી હતી.
અનેક યુઝર્સે ફરિયાદ કરી હતી કે તેમના iPhone અને Mac ડિવાઈસમાંથી અચાનક જ iCloud એકાઉન્ટ આપોઆપ લોગઆઉટ થઈ ગયું હતું. વારંવાર આવતી ટેક્નિકલ એરરના કારણે યુઝર્સે ફરીથી લોગ-ઈન કરવાની લાંબી અને કંટાળાજનક પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. યુઝર્સ જ્યારે નવી એપ્લિકેશન્સ ડાઉનલોડ કે અપડેટ કરવા માટે એપ સ્ટોર પર ગયા, ત્યારે તે ઓપન કે એક્સેસ ન થવાને કારણે ભારે પરેશાની ભોગવવી પડી હતી.
ડિજિટલ પેમેન્ટના જમાનામાં ગ્રાહકોને સ્ટોર્સ પર ખરીદી કરતી વખતે 'એપલ પે' વાપરવામાં મોટી અડચણો નડી હતી, જેના કારણે નાણાકીય વ્યવહારો અટકી પડ્યા હતા.અમેરિકા સહિતના અન્ય દેશોમાં સંગીતના શોખીન યુઝર્સ ઓનલાઈન મ્યુઝિક સ્ટ્રીમ કરી શક્યા ન હતા. નવું ડિવાઈસ ખરીદીને તેને એક્ટિવેટ કરવા માંગતા ગ્રાહકો અટવાઈ ગયા હતા. આ ઉપરાંત ડેવલપર્સ માટેનું 'એપલ સ્ટોર કનેક્ટ'પણ ઠપ થઈ જતાં અનેક પ્રોજેક્ટ્સને અસર પહોંચી હતી.
માત્ર 7 દિવસમાં ચોથો મોટો ટેક્નિકલ આઉટેજ
ખાસ કરીને અમેરિકા માટે આ અઠવાડિયું ટેક્નિકલ આફતોથી ભરેલું સાબિત થઈ રહ્યું છે. છેલ્લા માત્ર 7 દિવસમાં આ ચોથી મોટી ઘટના છે જ્યારે કોઈ મોટી ટેક કંપની કે સિસ્ટમ ખોરવાઈ ગઈ હોય,આ સિલસિલો ગત ગુરુવારે રાત્રે માઈક્રોસોફ્ટના મોટા આઉટેજ સાથે શરૂ થયો હતો. ત્યારબાદ એરલાઈન્સની કોમ્યુનિકેશન સિસ્ટમ અચાનક ડાઉન થઈ ગઈ હતી.મંગળવારે અમેરિકન બેંકિંગ સિસ્ટમમાં પણ કેટલાક સમય માટે મોટો અવરોધ ઊભો થયો હતો.અને હવે મજબૂત સિક્યોરિટી અને સર્વિસ માટે જાણીતી Apple નું નેટવર્ક પણ ખોરવાઈ જતાં વૈશ્વિક સ્તરે સાયબર નિષ્ણાતો અને ટેક પ્રેમીઓ ચિંતામાં મુકાયા છે.
હાલમાં શું છે સર્વિસની સ્થિતિ?
આઉટેજની ઘટનાના થોડા જ સમય બાદ કંપનીના એન્જિનિયરો દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના પરિણામે હવે ધીમે-ધીમે તમામ સેવાઓ ફરીથી પૂર્વવત થઈ રહી છે અને યુઝર્સ સામાન્ય રીતે પોતાના ડિવાઈસનો ઉપયોગ કરી શકી રહ્યા છે. જોકે, આટલી મોટી ટેક્નિકલ ખામી પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે એપલના મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.