'100 થી ઓછી બેઠકો તો સ્વીકાર્ય જ નથી': UP માં સપા-કોંગ્રેસ ગઠબંધનમાં ભડકો, અખિલેશ યાદવના પગલાંથી ઇમરાન મસૂદ લાલ | Moneycontrol Gujarati
Get App

'100 થી ઓછી બેઠકો તો સ્વીકાર્ય જ નથી': UP માં સપા-કોંગ્રેસ ગઠબંધનમાં ભડકો, અખિલેશ યાદવના પગલાંથી ઇમરાન મસૂદ લાલ

UP ચૂંટણી પહેલાં સપા અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગ પર મોટો વિવાદ. સપાએ 5 ઉમેદવારો જાહેર કરતાં કોંગ્રેસે 100 થી વધુ બેઠકોની માંગ સાથે આકરું વલણ અપનાવ્યું.

અપડેટેડ 02:55:11 PM Nov 25, 2026 પર
Story continues below Advertisement
આ સમગ્ર વિવાદમાં સૌથી વધુ નારાજગી સહારનપુરના ફાયરબ્રાન્ડ કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદમાં જોવા મળી રહી છે.

UP Election Congress SP Seat Sharing: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં વિપક્ષી 'ઇન્ડિયા' ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને મોટો રાજકીય ડખો સામે આવ્યો છે. સમાજવાદી પાર્ટી  અને કોંગ્રેસ વચ્ચે બેઠકો અંગે વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન જ અખિલેશ યાદવની પાર્ટીએ 5 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સપાના આ અચાનક પગલાંથી કોંગ્રેસ છાવણીમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે અને હવે કોંગ્રેસે પણ આક્રમક વલણ અપનાવીને સ્પષ્ટ કહી દીધું છે કે 100 થી ઓછી બેઠકો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.

ચર્ચા અધૂરી હતી ને સપાએ ઉમેદવારો જાહેર કરી દીધા

કોંગ્રેસના સાંસદ રાજેન્દ્ર પાલ ગૌતમે સપાના આ વલણ સામે ખુલ્લેઆમ નારાજગી દર્શાવી છે. તેમણે જણાવ્યું કે, સમાજવાદી પાર્ટીએ ઉમેદવારો જાહેર કરવામાં આટલી ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નહોતી. બંને પક્ષો વચ્ચે ગઠબંધન અને બેઠકો અંગે બેઠકો ચાલુ હતી, તેવા સમયે એકતરફી રીતે યાદી બહાર પાડવી યોગ્ય નથી.


રાજેન્દ્ર પાલ ગૌતમે સ્પષ્ટ શબ્દોમાં અલ્ટીમેટમ આપતાં કહ્યું કે, કોંગ્રેસને ગઠબંધનમાં સન્માનજનક હિસ્સો મળવો જોઈએ અને ત્રણ આંકડા (100+) થી ઓછી બેઠકો પાર્ટીને કોઈ કાળે મંજૂર નહીં હોય.

ઇમરાન મસૂદના ગઢમાં સપાએ ઉમેદવાર ઉતારતા બબાલ

આ સમગ્ર વિવાદમાં સૌથી વધુ નારાજગી સહારનપુરના ફાયરબ્રાન્ડ કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદમાં જોવા મળી રહી છે. વિવાદનું મુખ્ય કેન્દ્ર પશ્ચિમ ઉત્તર પ્રદેશની 2 મહત્વની બેઠકો છે — બેહટ અને સહારનપુર ગ્રામીણ.

ઇમરાન મસૂદે આ બંને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ઉતારવા માટે મજબૂત દાવેદારી કરી હતી. તેમ છતાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસની અવગણના કરીને આ બંને સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા. આનાથી ગુસ્સે ભરાયેલા ઇમરાન મસૂદે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, તેઓ સપા પાસે કોઈ 'ભીખ' માંગી રહ્યા નથી.

કોંગ્રેસની માંગ 130 બેઠકોની, સપાએ માત્ર 26 ની ઓફર કરી?

સૂત્રોના જણાવ્યા અનુસાર, સીટ શેરિંગની વાટાઘાટો દરમિયાન,,કોંગ્રેસ પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં પોતાની મજબૂત પકડ ધરાવતી 130 સંભવિત બેઠકોની યાદી સપાને સોંપી હતી. અહેવાલો મુજબ, સમાજવાદી પાર્ટી કોંગ્રેસને માત્ર 26 બેઠકો જ આપવા તૈયાર છે, જેને કોંગ્રેસ પોતાનું અપમાન ગણી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતા રાકેશ રાઠોરે પણ આંતરિક નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે ગઠબંધન અને સીટ શેરિંગના મહત્વના નિર્ણયોમાં સ્થાનિક નેતાઓ સાથે પૂરતી ચર્ચા કરવામાં આવી રહી નથી.

લોકસભા ચૂંટણીમાં સાથે મળીને લડ્યા બાદ ઉત્તર પ્રદેશમાં સપા અને કોંગ્રેસ વચ્ચે તાલમેલ સારો રહેશે તેવી અપેક્ષા હતી. પરંતુ વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ બંને પક્ષો વચ્ચે બેઠકો માટે ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. જો અખિલેશ યાદવ અને કોંગ્રેસ હાઈકમાન્ડ સમયસર બેસીને આ વિવાદ નહીં ઉકેલે, તો યુપીમાં ગઠબંધન તૂટવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો-વંદે ભારત સ્લીપર ટ્રેનમાં હવે ઓછું ખાવાનું મળશે, ક્વોલિટી સુધારવા IRCTC એ મેન્યૂ ટૂંકાવ્યું, દહીં, સલાડ અને મીઠાઈ હટાવાયા

MoneyControl News

MoneyControl News

First Published: Nov 25, 2026 2:55 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.