વંદે ભારત સ્લીપર ટ્રેનમાં હવે ઓછું ખાવાનું મળશે, ક્વોલિટી સુધારવા IRCTC એ મેન્યૂ ટૂંકાવ્યું, દહીં, સલાડ અને મીઠાઈ હટાવાયા
IRCTC એ વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં ખાવાની ગુણવત્તા સુધારવા મેન્યૂ નાનું કર્યું છે. ભોજનનું વજન ઘટીને 450-500 ગ્રામ થયું. જાણો હવે થાળીમાં શું મળશે અને શું હટાવાયું.
ખાવાની ગુણવત્તા અને સ્ટાન્ડર્ડ જાળવી રાખવા માટે IRCTC એ દેશના ટોચના કેટરિંગ અને હોસ્પિટાલિટી ગ્રુપ્સ સાથે ભાગીદારી કરી છે.
જો તમે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. દેશમાં દોડતી વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં હવે મુસાફરોને પીરસાતા ભોજનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એ એક પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ નાસ્તો, લંચ અને ડિનરમાં મળતી આઇટમોની સંખ્યા ઘટાડી દીધી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, આ નિર્ણય જમવાની માત્રા ઘટાડીને તેની ગુણવત્તા અને સ્વાદ સુધારવા માટે લેવામાં આવ્યો છે.
1 નવેમ્બરથી લાગુ થયું નાનું મેન્યૂ, ફ્લાઇટ જેવો કોન્સેપ્ટ
લાંબી મુસાફરીવાળી ટ્રેનોમાં જમવાની ક્વોલિટી અને સ્વચ્છતાને લઈને મુસાફરો તરફથી અવારનવાર ફરિયાદો મળતી રહેતી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયના નિર્દેશ બાદ IRCTC એ 1 નવેમ્બરથી આ નવું મેન્યૂ અમલમાં મૂક્યું છે. આ મેન્યૂ ઘણી હદે ફ્લાઇટ્સમાં મળતા પેક્ડ ભોજન જેવું સુવ્યવસ્થિત અને સીમિત છે.
અધિકારીઓનું માનવું છે કે મેન્યૂ નાનું હોવાથી ભોજનની ગુણવત્તા પર સતત નજર રાખવી સરળ બનશે. હાલમાં મુસાફરોના ફીડબેક લેવામાં આવી રહ્યા છે, જો સારો પ્રતિસાદ મળશે તો આ મોડેલ અન્ય પ્રીમિયમ ટ્રેનોમાં પણ લાગુ કરવામાં આવશે.
હાલ આ 3 રૂટ પર દોડતી ટ્રેનોમાં થયો ફેરફાર
હાલ પૂરતો આ પાઇલોટ પ્રોજેક્ટ દેશના 3 મુખ્ય રૂટ પર દોડતી વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં શરૂ કરવામાં આવ્યો છે:
મુંબઈ - બેંગલુરુ
હાવડા - કામાખ્યા
નવી દિલ્હી - વારાણસી જંક્શન
હવે થાળીમાં શું મળશે?
મુંબઈ-બેંગલુરુ સહિતની વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં હવે નીચે મુજબનું ભોજન પીરસવામાં આવશે:
નાસ્તો : મુસાફરોને ઇડલી-વડા (ચટણી અને સાંભાર સાથે), પૌંઆ અથવા ઉપમામાંથી કોઈ એક પસંદગીનો વિકલ્પ મળશે.
લંચ અને ડિનર : રોટલી, ભાત, દાળ અને 1 મુખ્ય સબ્જી (શાકાહારી માટે પનીર/વેજ વિકલ્પ અને માંસાહારી માટે ચિકન) આપવામાં આવશે.
મેન્યૂમાંથી કઈ-કઈ વસ્તુઓ હટાવી દેવામાં આવી?
IRCTC એ થાળીમાંથી ઘણી એવી સાઇડ આઇટમો હટાવી દીધી છે જે અગાઉ અપાતી હતી. સૂપ, ઓમલેટ, ઓમલેટ સેન્ડવિચ, વેજ સેન્ડવિચ, છાશ અને ચોકલેટ. સૂકી સબ્જી, દહીં, સલાડ, અથાણું અને મીઠાઈ. આ ઘટાડાને કારણે હવે એક ટંકના ભોજનનું કુલ વજન આશરે 450 થી 500 ગ્રામ જેટલું થઈ ગયું છે, જે પહેલાં 700 થી 750 ગ્રામ રહેતું હતું.
ક્વોલિટી માટે દેશની જાણીતી બ્રાન્ડ્સ સાથે ડીલ
ખાવાની ગુણવત્તા અને સ્ટાન્ડર્ડ જાળવી રાખવા માટે IRCTC એ દેશના ટોચના કેટરિંગ અને હોસ્પિટાલિટી ગ્રુપ્સ સાથે ભાગીદારી કરી છે.તાજ ગ્રુપની જાણીતી કંપની તાજસેટ્સ સાથે કરાર કરાયો છે. મેફેર ગ્રુપને જવાબદારી સોંપાઈ છે. સરોવર પોર્ટિકો ગ્રુપ સાથે મળીને ક્લાઉડ કિચન દ્વારા ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે.
રેલવેનું માનવું છે કે વધુ પડતી વસ્તુઓ પીરસવા કરતાં ગરમ, તાજું અને ઉચ્ચ ગુણવત્તાવાળું સીમિત ભોજન આપવું મુસાફરો માટે વધુ ફાયદાકારક છે. ઓછી આઇટમો હોવાથી ખોરાકનો બગાડ પણ અટકશે અને મુસાફરોને શ્રેષ્ઠ સ્વાદ અને સ્વચ્છતા મળી શકશે.