વિદેશમાં MBBS કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, હવે જે તે દેશમાંથી પ્રેક્ટિસ લાયસન્સ લેવું ફરજિયાત નહીં રહે | Moneycontrol Gujarati
Get App

વિદેશમાં MBBS કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, હવે જે તે દેશમાંથી પ્રેક્ટિસ લાયસન્સ લેવું ફરજિયાત નહીં રહે

નેશનલ મેડિકલ કમિશનએ વિદેશમાં MBBS કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટો ડ્રાફ્ટ સુધારો જાહેર કર્યો છે. હવે વિદેશમાં સ્થાનિક નાગરિકોની જેમ પ્રેક્ટિસ લાયસન્સ લેવું ફરજિયાત નહીં રહે. જાણો વિગત.

અપડેટેડ 11:11:59 AM Nov 25, 2026 પર
Story continues below Advertisement
વર્ષ 2021ના જૂના નિયમોને કારણે ભારતીય વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેને હવે હળવા કરવામાં આવ્યા છે.

NMC Foreign Medical Graduate Rules: વિદેશમાં જઈને ડોક્ટર બનવાનું સપનું જોતા અને ત્યાં MBBSનો અભ્યાસ કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો ડ્રાફ્ટ સુધારો જાહેર કરવામાં આવ્યો છે.

આ નવા સુધારા મુજબ, હવે વિદેશમાંથી મેડિકલની ડિગ્રી મેળવનારા ભારતીય વિદ્યાર્થીઓને ભારતમાં આવીને મેડિકલ પ્રેક્ટિસનું લાયસન્સ મેળવવા માટે જે-તે દેશના નાગરિકોની જેમ ત્યાનું 'પ્રેક્ટિસ લાયસન્સ' મેળવવાની મંજૂરી હોવી ફરજિયાત રહેશે નહીં. તેના બદલે, હવે માત્ર જે-તે દેશના સક્ષમ મેડિકલ સત્તામંડળમાં રજિસ્ટ્રેશન હોવું જ પૂરતું ગણાશે.

રશિયા અને ચીન સહિતના દેશોમાં ભણતા ગુજરાતના વિદ્યાર્થીઓને થશે ફાયદો


ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ MBBSના અભ્યાસ માટે રશિયા, ચીન, જ્યોર્જિયા, ફિલિપાઈન્સ અને જર્મની જેવા દેશોમાં જાય છે. વિદેશમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભારતમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા માટે આ વિદ્યાર્થીઓએ 'ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ'પાસ કરવી અને ઈન્ટર્નશિપ સહિતના ભારતના નિયમોનું પાલન કરવું ફરજિયાત હોય છે.

અગાઉ શું મુશ્કેલી હતી અને હવે શું બદલાયું?

વર્ષ 2021 ના જૂના નિયમોને કારણે ભારતીય વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેને હવે હળવા કરવામાં આવ્યા છે.

વર્ષ 2021ના 'ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ રેગ્યુલેશન્સ'ની સેક્શન 4B માં એવી કડક જોગવાઈ હતી કે વિદેશમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ ત્યાંના સ્થાનિક નાગરિકોની જેમ જ પ્રેક્ટિસ લાયસન્સ મેળવવા માટે લાયક હોવા જોઈએ. રશિયા સહિતના કેટલાક દેશોમાં ત્યાનું પ્રેક્ટિસ લાયસન્સ મેળવવા માટે સ્થાનિક ભાષાની પરીક્ષા આપવી પડતી હતી અને અન્ય જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હતું. જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓને આ શરત પૂરી કરવામાં ભારે મુશ્કેલી પડતી હતી. NMCના નવા ડ્રાફ્ટ સુધારામાં આ આકરી શરત હળવી કરી દેવામાં આવી છે. હવે વિદેશમાં મેડિકલ ડિગ્રી મેળવ્યા બાદ જે-તે દેશની મેડિકલ કાઉન્સિલ કે સક્ષમ સત્તામંડળમાં માત્ર 'રજિસ્ટ્રેશન' હોવું પૂરતું રહેશે.

30 દિવસમાં મંગાવાયા સૂચનો, કોને લાગુ પડશે આ નવો નિયમ?

NMC દ્વારા જાહેર કરવામાં આવેલા આ ડ્રાફ્ટ અંગે વાંધા-સૂચનો અને મંતવ્યો મોકલવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ સુધારો ફાઈનલ થઈ ગયા બાદ, 18 નવેમ્બર 2021 અથવા ત્યારબાદ વિદેશની મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવનારા તમામ ભારતીય વિદ્યાર્થીઓને આ નવા નિયમનો સીધો લાભ મળશે.

આ પણ વાંચો-Punjab Election 2027: 'પંજાબીઓનું કલ્યાણ સૌથી ઉપર' ભાજપ અને અકાલી દળના ગઠબંધન પર આવ્યું PM મોદીનું પહેલું નિવેદન

MoneyControl News

MoneyControl News

First Published: Nov 25, 2026 11:11 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.