બાંગ્લાદેશનો ભારતને મોટો ઝટકો: જતા-જતા યુનુસે 960 કરોડનો પ્રોજેક્ટ કર્યો રદ, ફેક્ટરીની જગ્યાએ હવે દારૂગોળો બનશે!
India vs Bangladesh News: બાંગ્લાદેશની યુનુસ સરકારે ભારતને આપ્યો મોટો આર્થિક ફટકો! 960 કરોડનો 'ઈન્ડિયન ઇકોનોમિક ઝોન' રદ કરી હવે ત્યાં દારૂગોળો બનાવવાનો નિર્ણય લીધો છે. જાણો ભારત માટે આ કેમ ચિંતાનો વિષય છે.
India vs Bangladesh News: બાંગ્લાદેશની યુનુસ સરકારે ભારતને આપ્યો મોટો આર્થિક ફટકો! 960 કરોડનો 'ઈન્ડિયન ઇકોનોમિક ઝોન' રદ કરી હવે ત્યાં દારૂગોળો બનાવવાનો નિર્ણય લીધો છે.
India vs Bangladesh News: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં સતત કડવાશ વધી રહી છે. શેખ હસીનાની સરકાર ગયા પછી સત્તા પર આવેલી મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે ભારત વિરોધી વલણ અપનાવવાનું ચાલુ રાખ્યું છે. હવે, સત્તા પરથી વિદાય લેતા પહેલા યુનુસ સરકારે ભારતને એક મોટો આર્થિક અને વ્યૂહાત્મક ઝટકો આપ્યો છે. બાંગ્લાદેશ સરકારે ભારતનો એક ડ્રીમ પ્રોજેક્ટ રદ કરી દીધો છે, જેના પર ભારતે કરોડો રૂપિયાનું રોકાણ કરવાનું આયોજન કર્યું હતું.
960 કરોડનો પ્રોજેક્ટ અભરાઈએ ચડ્યો
બાંગ્લાદેશમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ જાહેર થવાની છે અને તે સાથે મોહમ્મદ યુનુસની વિદાય પણ નક્કી છે. પરંતુ જતા-જતા તેમણે ભારત સાથેની દુશ્મનાવટ કાઢતા હોય તેવો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, બાંગ્લાદેશની વચગાળાની સરકારે ચટગાંવના મીરસરાઈમાં આકાર પામનારા 'ઈન્ડિયન ઇકોનોમિક ઝોન' (Indian Economic Zone) ને રદ કરી દીધો છે. આ પ્રોજેક્ટ માટે ભારતે 960 કરોડ રૂપિયા (લગભગ $115 મિલિયન) ની ક્રેડિટ લાઇન એટલે કે લોન મંજૂર કરી હતી, જે હવે કોઈ કામમાં આવશે નહીં.
બિઝનેસને બદલે હવે બોમ્બ-ગોળા બનશે
સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ જમીનનો ઉપયોગ હવે શેના માટે થશે. ઢાકામાં ‘બાંગ્લાદેશ ઇકોનોમિક ઝોન ઓથોરિટી’ (BEZA)ની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે, જે જમીન પર ભારતની ટાટા અને અદાણી જેવી દિગ્ગજ કંપનીઓ પોતાની ફેક્ટરીઓ સ્થાપવાની હતી, ત્યાં હવે 'ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક' બનાવવામાં આવશે.
BEZAના કાર્યકારી અધ્યક્ષ ચૌધરી આશિક મહમૂદ બિન હારૂને આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મીરસરાઈની આ વિશાળ જમીન હવે ભારતીય ઉદ્યોગો માટે નહીં, પરંતુ યુદ્ધના સાધનો અને દારૂગોળો બનાવવા માટે વપરાશે.
બાંગ્લાદેશ સરકારનો અજીબ તર્ક
ભારતનો આર્થિક ઝોન રદ કરવા પાછળ બાંગ્લાદેશ સરકારે દુનિયામાં ચાલી રહેલા યુદ્ધોનું કારણ આગળ ધર્યું છે. તેમનું કહેવું છે કે, હાલની વૈશ્વિક સ્થિતિને જોતા બાંગ્લાદેશે આધુનિક ફાઇટર જેટ્સ કરતા પાયાના હથિયારો અને દારૂગોળાના ઉત્પાદનમાં આત્મનિર્ભર થવું જરૂરી છે. તેમણે દલીલ કરી છે કે વિદેશી રોકાણ કરતા અત્યારે દેશની સુરક્ષા માટે હથિયારો બનાવવા વધુ અગત્યના છે. જોકે, રાજકીય વિશ્લેષકો આને માત્ર એક બહાનું ગણાવી રહ્યા છે અને આ નિર્ણયને ભારત સાથે સંબંધો તોડવાની ચાલ માની રહ્યા છે.
ભારત માટે આ પ્રોજેક્ટ કેમ મહત્વનો હતો?
મીરસરાઈનો આ પ્રોજેક્ટ શેખ હસીનાના શાસનકાળ દરમિયાન નક્કી થયો હતો અને ભારત માટે તે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનો હતો:
રોકાણની તક: અંદાજે 1000 એકર જમીન પર ભારતીય ઉદ્યોગો સ્થપાયા હોત, જેનાથી ભારતની મોટી કંપનીઓ બાંગ્લાદેશમાં સીધું રોકાણ કરી શકત.
વ્યાપારિક ફાયદો: આ પ્રોજેક્ટથી ભારતના નોર્થ ઈસ્ટ (પૂર્વોત્તર) રાજ્યો માટે વેપારના નવા દરવાજા ખૂલત.
રોજગારી: આ ઝોન બનવાથી સ્થાનિક સ્તરે રોજગારી વધત અને બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો મજબૂત થાત.
પરંતુ હવે આ પ્રોજેક્ટ રદ થવાથી ભારતીય રોકાણકારો માટે બાંગ્લાદેશમાં પ્રવેશવાનો એક મોટો રસ્તો બંધ થઈ ગયો છે. યુનુસ સરકારનો આ નિર્ણય દર્શાવે છે કે નવી સરકાર ભારત સાથેના જૂના કરારોને મહત્વ આપવા તૈયાર નથી.