ગુજરાતમાં ખનીજ ચોરો સાવધાન! હવે વાહન પકડાયું તો સીધું 30 દિવસ જેલમાં, ત્રીજી વાર પકડાય તો સરકાર જપ્ત કરી લેશે | Moneycontrol Gujarati
Get App

ગુજરાતમાં ખનીજ ચોરો સાવધાન! હવે વાહન પકડાયું તો સીધું 30 દિવસ જેલમાં, ત્રીજી વાર પકડાય તો સરકાર જપ્ત કરી લેશે

Illegal Mining Gujarat: ગુજરાત સરકારે ખનીજ ચોરી અને ઓવરલોડ વહન અટકાવવા કડક નિયમો જાહેર કર્યા છે. હવે વાહન પકડાશે તો 30 દિવસ સુધી છૂટશે નહીં અને 3 વાર પકડાય તો વાહન સરકારનું થઈ જશે. જાણો નવા નિયમોની સંપૂર્ણ વિગત.

અપડેટેડ 10:36:53 AM Jan 13, 2026 પર
Story continues below Advertisement
Illegal Mining Gujarat: ગુજરાત સરકારે ખનીજ ચોરી અને ઓવરલોડ વહન અટકાવવા કડક નિયમો જાહેર કર્યા છે.

Illegal Mining Gujarat: ગુજરાતમાં ગેરકાયદે ખનીજ વહન કરતા અને ઓવરલોડ વાહનો દોડાવતા તત્ત્વો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. વર્ષ 2025 પૂરું થતાં અને નવું વર્ષ 2026 શરૂ થતાંની સાથે જ ખનીજ વિભાગે એક ઐતિહાસિક અને અત્યંત કડક નિર્ણય લીધો છે. અત્યાર સુધી માત્ર દંડ ભરીને છૂટી જતા વાહનો હવે લાંબા સમય માટે ડિટેઈન થશે, જેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દંડ ભરીને છૂટી જવાની સિસ્ટમ હવે બંધ

અત્યાર સુધીની સ્થિતિ એવી હતી કે, જો કોઈ ડમ્પર, ટ્રક કે ટ્રેક્ટર ગેરકાયદે ખનીજ વહન કરતાં કે ઓવરલોડિંગમાં પકડાતું, તો સરકાર દ્વારા નક્કી કરાયેલો દંડ ભરીને માલિકો વાહન છોડાવી લેતા હતા. છૂટ્યા પછી ફરીથી એ જ વાહન ગેરકાયદે પ્રવૃત્તિમાં જોડાઈ જતું હતું. પરંતુ હવે સરકારે આ પકડાઓ અને દંડ ભરીને છૂટો વાળી સિસ્ટમ કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

30 દિવસ સુધી કોઈ સેટિંગ નહીં ચાલે

સરકારના નવા નિયમો મુજબ, જો કોઈ વાહન ગેરકાયદે ખનીજ વહન કે ગંભીર ગેરરીતિમાં ઝડપાશે, તો તેને ઓછામાં ઓછા 30 દિવસ માટે જપ્ત (Detain) કરવામાં આવશે. વાહન પકડાયાના શરૂઆતના 10 દિવસ સુધી વાહન છોડાવવા માટેની કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. 30 દિવસ સુધી વાહનની માલિકી, તેનો ઇતિહાસ અને અગાઉના ગુનાઓની તપાસ થશે. આ એક મહિના દરમિયાન કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. તપાસ પૂરી થયા બાદ જ આગળનો નિર્ણય લેવાશે.


ત્રીજી વાર પકડાયું તો વાહન સરકારનું!

સૌથી મોટો અને કડક નિર્ણય એ છે કે હવે વારંવાર ગુનો કરવો ભારે પડશે. જો એકનું એક વાહન ત્રણ વખત ગેરકાયદે પ્રવૃત્તિમાં પકડાશે, તો તે વાહન 'રાજ્યસાત' કરવાનો નિર્ણય લેવાયો છે. એટલે કે, ત્રીજી વાર પકડાતા તે વાહન સરકાર હસ્તક લઈ લેવામાં આવશે અને મૂળ માલિક તેની માલિકી ગુમાવશે.

3 Beware of mineral thie 1

કયા કારણોસર વાહન પકડાશે?

નવા પરિપત્ર મુજબ નીચે મુજબની પ્રવૃત્તિઓ કરનાર વાહનો સામે કડક કાર્યવાહી થશે:

નંબર પ્લેટ: જો વાહનમાં RTO માન્ય નંબર પ્લેટ ન હોય, તૂટેલી હોય, નકલી હોય અથવા વાંચી ન શકાય તેવી હોય.

GPS સિસ્ટમ: વાહનમાં GPS ન હોય અથવા જાણી જોઇને GPS બંધ રાખવામાં આવ્યું હોય તો તે ગુનો ગણાશે. વાહન ક્યાં છે અને ક્યાં રોકાયું છે તેની તપાસ થશે.

ઓવરલોડિંગ: વાહનની નક્કી કરેલી ક્ષમતા કરતા વધારે ખનીજ ભરેલું હોય.

દસ્તાવેજો: રોયલ્ટી પાસ કે ડિલિવરી ચલણ વગર ખનીજની હેરાફેરી કરવામાં આવતી હોય.

રસ્તાઓને થતું નુકસાન અટકશે

ઓવરલોડ વાહનોને કારણે રાજ્યના રસ્તાઓને ભારે નુકસાન થાય છે. આ નવા કડક નિયમોને કારણે ઓવરલોડિંગ પર બ્રેક લાગશે, જેનાથી રસ્તાઓ તૂટતા બચશે અને અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે.

એક તરફ સરકારના આ નિર્ણયથી કાયદેસર રીતે ધંધો કરતા લીઝ ધારકોમાં ખુશી છે, તો બીજી તરફ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્ત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જોકે, આ નિયમોના અમલીકરણમાં ખાણ-ખનીજ વિભાગનો સ્ટાફ કેટલી ઈમાનદારી દાખવે છે તેના પર આ યોજનાની સફળતાનો આધાર રહેલો છે.

આ પણ વાંચો- Trump Tariffs: ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ટ્રમ્પની મોટી સ્ટ્રાઈક, ભારત અને ચાબહાર પોર્ટ પર થશે ગંભીર અસર

MoneyControl News

MoneyControl News

First Published: Jan 13, 2026 10:36 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.