ભારત સરકારનો મોટો નિર્ણય: સરકારી બોન્ડ્સમાં રોકાણ પર વિદેશી રોકાણકારોને ટેક્સમાંથી સંપૂર્ણ છૂટ, નવો વટહુકમ જારી | Moneycontrol Gujarati
Get App

ભારત સરકારનો મોટો નિર્ણય: સરકારી બોન્ડ્સમાં રોકાણ પર વિદેશી રોકાણકારોને ટેક્સમાંથી સંપૂર્ણ છૂટ, નવો વટહુકમ જારી

કેન્દ્ર સરકારે વિદેશી રોકાણકારોને આકર્ષવા અને રૂપિયાને મજબૂત કરવા ઇન્કમ ટેક્સ વટહુકમ 2026 જારી કર્યો છે. હવે સરકારી બોન્ડ્સ પર વ્યાજ અને કેપિટલ ગેઇન પર ટેક્સ નહીં લાગે. જાણો સંપૂર્ણ વિગતો.

અપડેટેડ 12:59:04 PM Jun 05, 2026 પર
Story continues below Advertisement
હાલમાં સંસદનું સત્ર ચાલુ ન હોવાથી અને તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત જણાતા રાષ્ટ્રપતિની મંજૂરીથી આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે વિદેશી રોકાણકારોને મોટી ભેટ આપતા એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. 5 જૂનના રોજ સરકારે 'ઇન્કમ ટેક્સ વટહુકમ 2026' જારી કર્યો છે. આ અંતર્ગત હવે વિદેશી રોકાણકારોને ભારતના સરકારી બોન્ડ્સમાંથી થતી વ્યાજની આવક અને કેપિટલ ગેઇન્સ પર કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ નવો નિયમ 1 એપ્રિલ, 2026 થી લાગુ થશે, જેથી ચાલુ ટેક્સ વર્ષની શરૂઆતથી જ તેનો લાભ મળી શકશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આ વટહુકમ જારી કરવામાં આવ્યો છે, જે આવકવેરા અધિનિયમ 2025 ની અનુસૂચિ IV માં સુધારો કરે છે.

વટહુકમ કેમ લાવવામાં આવ્યો?

હાલમાં સંસદનું સત્ર ચાલુ ન હોવાથી અને તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત જણાતા રાષ્ટ્રપતિની મંજૂરીથી આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ છૂટનો મુખ્ય હેતુ સરકારી જામીનગીરીઓમાં વિદેશી રોકાણને સરળ બનાવવાનો અને લાયક વિદેશી રોકાણકારો માટે ટેક્સ સિસ્ટમને એકદમ આસાન બનાવવાનો છે.

કયા ટેક્સમાંથી મળી સંપૂર્ણ મુક્તિ?

આ નવા સુધારા મુજબ, ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ દ્વારા સરકારી જામીનગીરીઓ પર કમાયેલું વ્યાજ અને તેને વેચવા, બદલવા કે ટ્રાન્સફર કરવાથી થતા કેપિટલ ગેઇન પર શરતોને આધીન ટેક્સ છૂટ મળશે.અત્યાર સુધી FII ને 12 મહિનાથી વધુ સમય માટે બોન્ડ હોલ્ડ કરવા પર 12.5% લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ (LTCG) ચૂકવવો પડતો હતો. જ્યારે 12 મહિનાથી ઓછા સમય માટે 20% શોર્ટ-ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ (STCG) લાગતો હતો.


હવે આ બંને ટેક્સ હટાવી દેવાયા છે. વિદેશી રોકાણકારોને સરકારી બોન્ડની વ્યાજની આવક પર લાગતો 20% વિદહોલ્ડિંગ ટેક્સ પણ નાબૂદ કરવામાં આવ્યો છે. 2013 માં 'ટેપર ટેન્ટ્રમ' વખતે રૂપિયો ગગડતો અટકાવવા આ ટેક્સ 5% ના દરે લાગુ કરાયો હતો. 1 જુલાઈ 2023 સુધી આ દર 5% જ હતો, પરંતુ બાદમાં કેપિટલ ગેઇન્સના દર સમાન કરવા માટે 2023 માં તેને વધારીને 20% કરવામાં આવ્યો હતો.

BISને પણ મળશે આ મોટો ફાયદો

આ વટહુકમમાં એક અલગ એન્ટ્રી કરીને સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સને પણ આ ટેક્સ છૂટનો લાભ આપવામાં આવ્યો છે. આ સંસ્થા દુનિયાભરની સેન્ટ્રલ બેંકો માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. જોકે, નિયત ફોર્મેટમાં માહિતી પૂરી પાડ્યા બાદ જ આ છૂટનો લાભ મળશે.

આ નિર્ણયની અર્થતંત્ર પર શું અસર થશે?

સરકારના આ પગલાંથી ભારતમાં વિદેશી રોકાણ વધશે અને વિદેશી ફંડ માર્કેટમાંથી પાછું ખેંચાતું અટકશે. ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન યુદ્ધ શરૂ થયા પછી ડોલર સામે રૂપિયો લગભગ 5% નબળો પડ્યો છે. હાલમાં એક ડોલરની કિંમત 95 થી 96 રૂપિયાની આસપાસ જોવા મળી રહી છે.

આવા કટોકટીના સમયે, સરકારી બોન્ડ્સમાં વિદેશી રોકાણ વધવાથી રૂપિયાને મોટો સપોર્ટ મળશે અને દેશની વધતી જતી ખાધને કંટ્રોલ કરવામાં પણ ખૂબ મોટી મદદ મળશે. સરકારી સિક્યોરિટીઝ એક્ટ 2006 હેઠળ વ્યાખ્યાયિત તમામ સરકારી બોન્ડ્સ પર આ નિયમ લાગુ પડશે.

આ પણ વાંચો-RBI Monetary Policy: પશ્ચિમ એશિયા સંકટની અસર, રિઝર્વ બેંકે FY27 માટે મોંઘવારીનો અંદાજ વધારીને 5.1% કર્યો

MoneyControl News

MoneyControl News

First Published: Jun 05, 2026 12:59 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.