મોટો પર્દાફાશ: પોરબંદરના દરિયેથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું, ઈરાનનું કનેક્શન અને કરોડોની કિંમત! | Moneycontrol Gujarati
Get App

મોટો પર્દાફાશ: પોરબંદરના દરિયેથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું, ઈરાનનું કનેક્શન અને કરોડોની કિંમત!

Gujarat ATS: ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું સંયુક્ત મેગા ઓપરેશન! પોરબંદરના દરિયામાંથી 200 કિલો ડ્રગ્સ સાથે ઈરાની બોટ ઝડપાઈ. જાણો ડ્રગ્સ માફિયાઓ સામેની આ મોટી કાર્યવાહીની સંપૂર્ણ વિગત.

અપડેટેડ 01:05:05 PM Feb 17, 2026 પર
Story continues below Advertisement
Gujarat ATS: ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું સંયુક્ત મેગા ઓપરેશન! પોરબંદરના દરિયામાંથી 200 કિલો ડ્રગ્સ સાથે ઈરાની બોટ ઝડપાઈ.

Gujarat ATS: ગુજરાતના દરિયાકિનારાને ડ્રગ્સ માફિયાઓ પોતાના કાળા કારોબાર માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બનાવવા મથી રહ્યા છે, પરંતુ આપણી સુરક્ષા એજન્સીઓની સતર્કતાએ તેમના ઈરાદાઓ પર ફરી એકવાર પાણી ફેરવી દીધું છે. પોરબંદરના દરિયામાં મધરાતે હાથ ધરવામાં આવેલા એક હાઈ-વોલ્ટેજ ડ્રામા જેવા ઓપરેશનમાં ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત રીતે મોટી સફળતા મેળવી છે. આ ઓપરેશનમાં અંદાજે 200 કિલોથી વધુનો નશીલો પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા અંકાઈ રહી છે.

બાતમી મળી અને મધદરિયે ઓપરેશન પાર પડાયું

આ આખું ઓપરેશન એક ગુપ્ત બાતમીના આધારે પાર પાડવામાં આવ્યું હતું. ગુજરાત ATS ને પાક્કી ખબર મળી હતી કે દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સનો એક તોતિંગ જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. સમય બગાડ્યા વગર ATS એ ભારતીય કોસ્ટ ગાર્ડનો સંપર્ક કર્યો અને બંને એજન્સીઓએ સાથે મળીને દરિયામાં વોચ ગોઠવી દીધી.

સર્ચ ઓપરેશન દરમિયાન પોરબંદરની દરિયાઈ સીમામાં એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. સુરક્ષા જવાનોએ આ બોટને ચારે બાજુથી ઘેરી લીધી હતી અને અટકાવી હતી. જ્યારે બોટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

ઈરાનથી આવ્યું હતું ડ્રગ્સ: બે શખ્સો ઝડપાયા


આ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આ ડ્રગ્સનું કનેક્શન સીધું ઈરાન સાથે નીકળ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો ઈરાનથી રવાના કરવામાં આવ્યો હતો. પોલીસે બોટમાં સવાર બે ઈરાની નાગરિકોની પણ ધરપકડ કરી લીધી છે. હાલ એજન્સીઓ એ તપાસ કરી રહી છે કે ગુજરાતના કાંઠે આ ડ્રગ્સ કોણ રિસીવ કરવાનું હતું? આ આંતરરાષ્ટ્રીય રેકેટના તાર ભારતમાં ક્યાં સુધી ફેલાયેલા છે, તે જાણવા માટે ઝડપાયેલા આરોપીઓની આકરી પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે.

ડ્રગ્સ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ

રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ ડ્રગ્સના દૂષણને ડામવા માટે હાલ ‘ઝીરો ટોલરન્સ’ મોડમાં કામ કરી રહ્યા છે. છેલ્લા થોડા સમયથી ATS અને કોસ્ટ ગાર્ડ વચ્ચેના મજબૂત સંકલનને કારણે ડ્રગ્સ જમીન પર ઉતરે તે પહેલાં જ મધદરિયે પકડી પાડવામાં આવે છે, જે ડ્રગ્સ માફિયાઓ માટે મોટો ફટકો છે.

આંકડા ચોંકાવનારા છે: 10 વર્ષમાં 13 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું

ગુજરાત એજન્સીઓએ માત્ર દરિયામાંથી આવતું ડ્રગ્સ જ નહીં, પરંતુ રાજ્યમાં ચાલતી ગેરકાયદે ફેક્ટરીઓ પર પણ ધોંસ બોલાવી છે. આંકડા પર નજર કરીએ તો માત્ર વર્ષ 2025 માં જ ગુજરાતમાંથી 2240 કરોડ રૂપિયાની કિંમતનું સિન્થેટીક ડ્રગ્સ પકડાયું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધમધમતી અડધો ડઝન જેટલી ફેક્ટરીઓ પર દરોડા પાડીને 20,823 કિલો સિન્થેટીક ડ્રગ્સ કબ્જે કરાયું હતું. છેલ્લા 10 વર્ષ નો હિસાબ જોઈએ તો, ગુજરાતની એજન્સીઓએ કુલ 13,939 કરોડ રૂપિયાની કિંમતનું 1.74 લાખ કિલો સિન્થેટીક ડ્રગ્સ પકડી પાડીને યુવાધનને બરબાદ થતું અટકાવ્યું છે.

આમ, પોરબંદરનું આ ઓપરેશન સાબિત કરે છે કે ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ રાજ્યની સુરક્ષા માટે કેટલી સજાગ છે.

આ પણ વાંચો- ભારતની સુરક્ષા હવે અભેદ્ય! મોદી-મેક્રોનની મુલાકાતમાં 3.25 લાખ કરોડની મેગા ડીલ પર લાગશે મહોર

MoneyControl News

MoneyControl News

First Published: Feb 17, 2026 1:05 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.