Bridge Collapse: આજે સવારે વડોદરાના પાદરા તાલુકામાં મહીસાગર નદી પર આવેલા મુજપુર ગંભીરા બ્રિજનો મધ્ય ભાગ અચાનક તૂટી પડ્યો, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ. આ ઘટનામાં બે ટ્રક અને એક પિકઅપ વાન સહિત ચાર વાહનો નદીમાં ખાબક્યા. પ્રાથમિક માહિતી અનુસાર, 3 વ્યક્તિઓના મોત નિપજ્યા છે, જ્યારે 4થી વધુ લોકોને રેસ્ક્યુ ટીમે સુરક્ષિત બચાવી લીધા છે.
આ દુર્ઘટના બુધવારે સવારે બની, જ્યારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો આ મહત્વનો બ્રિજ અચાનક ધરાશાયી થયો. બ્રિજના તૂટી પડેલા ભાગને કારણે વાહનો સીધા મહીસાગર નદીમાં ખાબક્યા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી.
ગંભીરા બ્રિજ આણંદ, વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરને જોડતો મુખ્ય માર્ગ છે, જે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધીના વાહન વ્યવહાર માટે મહત્વનો છે. આ બ્રિજના ધરાશાયી થવાથી લાખો વાહનોની અવરજવર પર અસર પડશે, અને આ માર્ગનો ઉપયોગ કરનારાઓને વૈકલ્પિક રૂટ શોધવા પડશે.
સ્થાનિક વહીવટી તંત્ર અને રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ આપ્યા છે. બ્રિજના ભંગાણનું કારણ જાણવા માટે નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રાફિક વ્યવસ્થા નિયંત્રિત કરવા માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ ઘટના બાદ સ્થાનિક લોકો અને વાહનચાલકોને આ માર્ગનો ઉપયોગ ટાળવાની સૂચના આપવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થાય અને બ્રિજની સ્થિતિનું મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી આ વિસ્તારમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.