ભારતીય અર્થતંત્રને ડબલ ફટકો: ખાડી યુદ્ધ અને નબળા ચોમાસાથી 9 કોર સેક્ટરનો ગ્રોથ 11 મહિનાના તળિયે | Moneycontrol Gujarati
Get App

ભારતીય અર્થતંત્રને ડબલ ફટકો: ખાડી યુદ્ધ અને નબળા ચોમાસાથી 9 કોર સેક્ટરનો ગ્રોથ 11 મહિનાના તળિયે

Indian Economy and Middle east war impact: ખાડી યુદ્ધ અને અપૂરતા વરસાદથી ભારતીય અર્થતંત્રને જબરદસ્ત ફટકો પડ્યો છે. ઓગસ્ટમાં 9 કોર સેક્ટરનો વૃદ્ધિદર ઘટીને 4.8% થયો છે. જાણો કેવી રીતે આ મંદી તહેવારોની સિઝન પર અસર કરશે.

અપડેટેડ 10:20:40 AM Sep 22, 2026 પર
Story continues below Advertisement
ખાડી યુદ્ધ અને વરસાદની ખેંચથી અર્થતંત્ર પર સંકટ

Indian Economy and Middle east war impact: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ખાડી યુદ્ધ અને દેશમાં અપૂરતા વરસાદના કારણે ભારતીય અર્થતંત્રને મોટો ઝટકો લાગ્યો છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ, દેશના અર્થતંત્રનો પાયો ગણાતા 9 કોર સેક્ટરનો ગ્રોથ ઓગસ્ટ મહિનામાં ઘટીને 4.8 ટકા પર પહોંચી ગયો છે. આ આંકડો છેલ્લા 11 મહિનાનું સૌથી નીચું સ્તર છે. દેશમાં લોહખનીજ અને કોલસાના ઉત્પાદનમાં થયેલા મોટા ઘટાડાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે.

આંકડાઓ શું કહે છે?

જુલાઈ મહિનામાં કોર સેક્ટરનો ગ્રોથ 5 ટકા હતો, જે ઓગસ્ટમાં ઘટીને 4.8 ટકા થઈ ગયો છે. ઓવરઓલ ઇન્ડેક્સની વાત કરીએ તો તે 120.8 થી ઘટીને 119.2 થયો છે. જોકે, એપ્રિલથી ઓગસ્ટ સુધીના કુલ સમયગાળામાં 4.3 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે, જે ગયા વર્ષના આ જ સમયગાળા કરતા બમણો છે, પરંતુ તાજેતરનો ઘટાડો ચિંતાનો વિષય છે.

કયા સેક્ટરમાં તેજી અને કયામાં મંદી?

વાણિજ્ય મંત્રાલયના ડેટા મુજબ 9 માંથી 5 સેક્ટરમાં હકારાત્મક વૃદ્ધિ છે, જ્યારે 4 સેક્ટરમાં મોટો ઘટાડો નોંધાયો છે.


મંદીવાળા સેક્ટર- નેગેટિવ ઝોન

લોહખનીજ: ઇન્ડેક્સમાં 4.9 ટકાનું ભારાંક ધરાવતા આ સેક્ટરનો ગ્રોથ જુલાઈમાં 29.5 ટકા હતો, જે ઓગસ્ટમાં પછડાઈને 5.5 ટકા -11 મહિનાના તળિયે થઈ ગયો છે. સેક્ટર ઇન્ડેક્સ 104.8 થી ઘટીને 96.1 થયો છે.

કોલસો: 5.6 ટકા ભારાંક ધરાવતો કોલસો જુલાઈમાં 7.6 ટકા પ્લસ હતો, જે ઓગસ્ટમાં 3.8 ટકા માઇનસમાં જતો રહ્યો છે.

આ ઉપરાંત નેચરલ ગેસ, ક્રૂડ ઓઇલ અને ફર્ટિલાઇઝર સેક્ટરમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે.

રાહત આપનારા સેક્ટર- પોઝિટિવ ઝોન

વીજળી: 30.9 ટકા જેવું સૌથી મોટું ભારાંક ધરાવતા વીજ સેક્ટરે અર્થતંત્રને થોડી રાહત આપી છે. જુલાઈના 8.4 ટકા સામે ઓગસ્ટમાં તેનો ગ્રોથ 27 મહિનાની ટોચે એટલે કે 11.6 ટકા પર પહોંચ્યો છે.

આ સિવાય સિમેન્ટ, સ્ટીલ અને રિફાઇનરી પ્રોડક્ટ્સમાં પણ સારો ગ્રોથ જોવા મળ્યો છે.

નવી ગણતરી પદ્ધતિનો ઉપયોગ

તમને જણાવી દઈએ કે આ વખતના આંકડા ખૂબ જ મહત્વના છે કારણ કે સરકારે ગણતરી માટે બેઝ યર (આધાર વર્ષ) બદલ્યું છે. પહેલા 2011-12 ના વર્ષને આધાર ગણવામાં આવતું હતું, પરંતુ હવે લેટેસ્ટ 2022-23 ના વર્ષને આધાર તરીકે લેવાયું છે. અગાઉ કોર સેક્ટરમાં માત્ર 8 ઉદ્યોગો હતા, જેમાં હવે 'લોહખનીજ' ઉમેરીને કુલ 9 કોર સેક્ટર કરવામાં આવ્યા છે.

દિવાળી પર પડશે મંદીની અસર?

ભારતીય અર્થતંત્ર પર હાલ મંદીના વાદળો ઘેરાઈ રહ્યા છે. દેશના 45 ટકા હિસ્સામાં હજુ પણ પૂરતો વરસાદ પડ્યો નથી. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ખેતીને મોટું નુકસાન જશે. ખેડૂતોને ફટકો પડવાથી સીધી અસર દેશના ગ્રામીણ અર્થતંત્ર પર પડશે. લોકો પાસે પૈસાની અછત સર્જાશે, જેની સીધી અને નકારાત્મક અસર આગામી દિવાળીના તહેવારોની ખરીદી પર સ્પષ્ટપણે જોવા મળી શકે છે. જો સ્થિતિમાં જલ્દી સુધારો નહીં આવે, તો આગામી દિવસોમાં અર્થતંત્રની હાલત વધુ કફોડી બની શકે છે.

આ પણ વાંચો- હવામાન એલર્ટ: બંગાળની ખાડીમાં ‘અર્નબ' વાવાઝોડાનો ખતરો! 8 રાજ્યોમાં ભયંકર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 22, 2026 10:20 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.