Uttarayan 2026: અમદાવાદમાં ઉત્તરાયણ પર બેવડો માર, કાતિલ ઠંડી અને હવામાં ઝેર, જાણો તમારા વિસ્તારનો AQI | Moneycontrol Gujarati
Get App

Uttarayan 2026: અમદાવાદમાં ઉત્તરાયણ પર બેવડો માર, કાતિલ ઠંડી અને હવામાં ઝેર, જાણો તમારા વિસ્તારનો AQI

Uttarayan 2026: અમદાવાદમાં ઉત્તરાયણ 2026ની ઉજવણી વચ્ચે પ્રદૂષણ અને ઠંડીનો ડબલ એટેક. શહેરમાં AQI ખરાબ શ્રેણીમાં નોંધાતા શ્વાસ લેવામાં તકલીફ. જાણો પવનની ગતિ, તાપમાન અને તમારા વિસ્તારમાં પ્રદૂષણની સ્થિતિ.

અપડેટેડ 11:23:02 AM Jan 14, 2026 પર
Story continues below Advertisement
Uttarayan 2026: અમદાવાદમાં ઉત્તરાયણ 2026ની ઉજવણી વચ્ચે પ્રદૂષણ અને ઠંડીનો ડબલ એટેક.

Uttarayan 2026: ગુજરાતમાં આજે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિનો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ‘કાઈપો છે...’ ના નાદ સાથે આખું અમદાવાદ અગાશીઓ પર છે, પરંતુ આ ઉત્સાહની વચ્ચે અમદાવાદીઓ પર કુદરત અને પ્રદૂષણનો ‘બેવડો માર’ પડ્યો છે. બુધવારે વહેલી સવારથી જ આકાશમાં રંગબેરંગી પતંગો તો દેખાયા, પણ સાથે પ્રદૂષણની એક ઘેરી ચાદર પણ જોવા મળી હતી, જેના કારણે લોકોની ચિંતા વધી છે.

શ્વાસ લેવો પણ મુશ્કેલ: AQI 'ખરાબ' શ્રેણીમાં

શહેરમાં ઉત્તરાયણની મજા વચ્ચે હવામાં ઝેર ભળ્યું હોય તેવી સ્થિતિ છે. અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 200થી 250ની વચ્ચે નોંધાયો છે, જે સ્વાસ્થ્ય માટે ખરાબ ગણાય છે. ઠંડીના કારણે જામી ગયેલું ધુમ્મસ, વાહનોનો ધુમાડો અને ઉત્તરાયણમાં ફોડવામાં આવતા ફટાકડાને કારણે હવામાં PM2.5 અને PM10 જેવા જોખમી કણોનું પ્રમાણ વધી ગયું છે. ઘણા લોકોને, ખાસ કરીને જેઓ અગાશી પર છે, તેમને શ્વાસ લેવામાં થોડી ભીંસ પડતી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. શહેરના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ઓછી જોવા મળી રહી છે.

હાડ થીજવતી ઠંડી: નલિયા સૌથી ઠંડુ

એક તરફ પ્રદૂષણ છે તો બીજી તરફ કાતિલ ઠંડીએ પણ જોર પકડ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્ છે. કચ્છનું નલિયા 5.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 12.6 ડિગ્રી અને વડોદરામાં 14.4 ડિગ્રી નોંધાયું છે.


વહેલી સવારે પતંગરસિયાઓ અગાશી પર પહોંચ્યા ત્યારે ઠંડીમાં થરથરતા હતા છતાં પતંગ ચગાવવાનો ઉત્સાહ ઓછો થયો ન હતો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો શીત લહેર જેવો માહોલ છે. રાજકોટમાં 8.8 ડિગ્રી, ભુજમાં 9.6 ડિગ્રી અને ડીસામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 7 દિવસ સુધી ઠંડીનું જોર અને શુષ્ક હવામાન યથાવત્ રહેશે.

પતંગરસિયાઓ માટે સારા સમાચાર: પવનની ગતિ

જોકે, પતંગબાજો માટે એક રાહતની વાત છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે પવનની ગતિ પતંગ ચગાવવા માટે એકદમ અનુકૂળ રહેશે. 14મી જાન્યુઆરીએ પવનની ઝડપ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. પવનની દિશા અને ગતિમાં સામાન્ય ફેરફાર થઈ શકે છે, જેના કારણે ક્યારેક પેચ લડાવવામાં થોડી મહેનત કરવી પડી શકે, પણ એકંદરે માહોલ જામશે.

જાણો તમારા વિસ્તારમાં પ્રદૂષણની સ્થિતિ

અમદાવાદના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારોમાં પ્રદૂષણની સ્થિતિ વધારે ગંભીર છે. ખાસ કરીને ગોતા વિસ્તારમાં AQI ભયજનક સપાટીએ પહોંચ્યો છે. નીચે જુઓ શહેરના અલગ-અલગ વિસ્તારોનો AQI આંક:

* ગોતા: 358 (સૌથી વધુ પ્રદૂષિત)

* નિકોલ: 279

* શાંતિગ્રામ: 250

* થલતેજ: 236

* વસંતનગર: 234

* ઉસ્માનપુરા: 223

* સોનીની ચાલી: 221

* સાઉથ બોપલ: 219

* સરદાર પટેલ સ્ટેડિયમ: 215

* બોડકદેવ: 213

* ઘૂમા: 208

* ચાંદખેડા: 206

* મણિનગર: 203

* ગ્યાસપુર: 199

* એરપોર્ટ: 198

* ચંદ્રનગર: 173

* શાહીબાગ: 29 (સૌથી ઓછું)

સાચવજો! સ્વાસ્થ્ય માટે ચેતવણી

ડોક્ટરો અને સ્વાસ્થ્ય નિષ્ણાતોએ આ બેવડા મારથી બચવા ખાસ સલાહ આપી છે. અસ્થમા, શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓ, નાના બાળકો અને વૃદ્ધોએ આ પ્રદૂષિત હવામાં વધારે સમય ખુલ્લામાં રહેવું જોખમી બની શકે છે. શક્ય હોય તો માસ્ક પહેરીને જ પતંગબાજીનો આનંદ માણવો અને ધૂળ કે ધુમાડાથી બચવું. તહેવારની મજા જરૂર માણો, પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે.

આ પણ વાંચો- સોના-ચાંદીમાં ભયંકર તેજી: ચાંદીમાં એક જ દિવસમાં 12,000નો ઉછાળો, ભાવ 2.87 લાખને પાર

MoneyControl News

MoneyControl News

First Published: Jan 14, 2026 11:23 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.