E20 petrol rules: E20 પેટ્રોલથી ગાડીઓના એન્જિન બગડવાની અને માઇલેજ ઘટવાની ફરિયાદો બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. BIS દ્વારા હવે ક્લોરાઈડની 3 PPM મર્યાદા ફરજિયાત કરાશે. જાણો લેટેસ્ટ અપડેટ.
પેટ્રોલના કેટલાક સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં ચોંકાવનારી બાબતો સામે આવી હતી. આ સેમ્પલ્સમાં નિર્ધારિત મર્યાદા કરતા વધુ પડતો ભેજ અને ક્લોરાઈડનું પ્રમાણ 3 PPM કરતાં પણ વધુ જોવા મળ્યું હતું.
E20 petrol rules: સામાન્ય માણસ માંડ માંડ બચત કરીને પોતાના સપનાની ગાડી ખરીદતો હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દેશભરના વાહનચાલકો એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. પેટ્રોલ પંપ પરથી E20 (ઇથેનોલ બ્લેન્ડેડ) પેટ્રોલ પુરાવ્યા બાદ ગાડીઓનું માઇલેજ ઘટી જવું અને એન્જિનના પાર્ટ્સ ખરાબ થવા જેવી ફરિયાદો સતત વધી રહી હતી. મિડલ ક્લાસના આ રોષ અને ઓટોમોબાઈલ કંપનીઓની ચિંતાને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લેવાની તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી સરકારનું પૂરું ધ્યાન માત્ર પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ નક્કી કરવા પર હતું, પરંતુ હવે ઇંધણની ગુણવત્તા પર પણ સીધી નજર રાખવામાં આવશે.
વાહનોના પાર્ટ્સ કેમ ખરાબ થઈ રહ્યા હતા?
તાજેતરમાં જ પેટ્રોલના કેટલાક સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં ચોંકાવનારી બાબતો સામે આવી હતી. આ સેમ્પલ્સમાં નિર્ધારિત મર્યાદા કરતા વધુ પડતો ભેજ અને ક્લોરાઈડનું પ્રમાણ 3 PPM કરતાં પણ વધુ જોવા મળ્યું હતું. દૂષિત ઇંધણની આ સમસ્યા અંગે ઓટોમોબાઈલ કંપનીઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. વાહન ઉત્પાદકોએ સ્પષ્ટ કહ્યું હતું કે જો પેટ્રોલમાં ક્લોરાઈડનું પ્રમાણ વધુ હોય, તો વાહનની ફ્યુઅલ ટેન્ક અને એન્જિનના અંદરના મહત્ત્વના પાર્ટ્સ ખૂબ જ ઝડપથી ખરાબ થઈ જાય છે.
BISના નવા અને કડક નિયમો બનશે ફરજિયાત
આ સમસ્યાને જડમૂળથી ખતમ કરવા માટે સરકારે હવે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) અને ફ્યુઅલ સપ્લાય કરતી એજન્સીઓ પર સકંજો કસ્યો છે.
જૂનો નિયમ: અત્યાર સુધીના નિયમો મુજબ E20 ઇંધણમાં ક્લોરાઈડનું પ્રમાણ 3 PPMથી ઓછું હોવું જોઈએ તેવો નિયમ હતો, પરંતુ તે માત્ર મરજિયાત હતો.
નવો નિયમ: હવે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટેન્ડર્ડ્સ (BIS) દ્વારા આ 3 PPMની લિમિટને તમામ સપ્લાયર્સ માટે કાયદાકીય રીતે ફરજિયાત બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. એટલે કે, હવે કોઈપણ પેટ્રોલ પંપ આ નિયમનો ભંગ કરી શકશે નહીં.
વાહનચાલકોને શું ફાયદો થશે?
સરકારનો સીધો ટાર્ગેટ એ છે કે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક તો પૂરો થાય, પરંતુ સાથે જ સામાન્ય જનતાને પેટ્રોલ પંપ પર એકદમ શુદ્ધ અને ભેળસેળ વગરનું ક્લીન ફ્યુઅલ મળે.
આ નવા નિયમો લાગુ થવાથી વાહનચાલકોને નીચે મુજબના સીધા ફાયદા થશે:
એન્જિનની લાઈફ વધશે: ક્લોરાઈડ અને ભેજનું પ્રમાણ ઘટવાથી ફ્યુઅલ ટેન્ક અને એન્જિનના પાર્ટ્સ ખવાઈ જવાની સમસ્યાથી કાયમી છુટકારો મળશે.
મેન્ટેનન્સ ખર્ચમાં ઘટાડો: વારંવાર ગેરેજના ધક્કા ખાવામાંથી અને મોંઘા રિપેરિંગ ખર્ચમાંથી મિડલ ક્લાસને મોટી રાહત મળશે.
ટૂંકમાં કહીએ તો, E20 પેટ્રોલ અંગે ઉઠેલા સવાલો બાદ સરકારનો આ નિર્ણય લાખો વાહનચાલકો માટે એક સારા સમાચાર છે. ફ્યુઅલ ક્વોલિટીના આ કડક નિયમો લાગુ થતાં જ પેટ્રોલ પંપ પર મળતા ઇંધણમાં આવતા દૂષિત તત્વો પર બ્રેક લાગી જશે અને તમારી ગાડીનું એન્જિન લાંબા સમય સુધી સુરક્ષિત રહેશે.