ગુજરાતમાં EDની મોટી કાર્યવાહી: GLDCના અધિકારી ધીરુભાઈ શર્માની 4.92 કરોડની સંપત્તિ જપ્ત, જાણો શું છે આખું કૌભાંડ | Moneycontrol Gujarati
Get App

ગુજરાતમાં EDની મોટી કાર્યવાહી: GLDCના અધિકારી ધીરુભાઈ શર્માની 4.92 કરોડની સંપત્તિ જપ્ત, જાણો શું છે આખું કૌભાંડ

Gujarat ED Action: ગુજરાતમાં ED એ સપાટો બોલાવ્યો છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ હવે GLDC ના પૂર્વ ફિલ્ડ સુપરવાઈઝર ધીરુભાઈ શર્માની 4.92 કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. જાણો મની લોન્ડરિંગની આખી મોડસ ઓપરેન્ડી.

અપડેટેડ 06:31:45 PM Jan 09, 2026 પર
Story continues below Advertisement
Gujarat ED Action: ગુજરાતમાં ED એ સપાટો બોલાવ્યો છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ હવે GLDC ના પૂર્વ ફિલ્ડ સુપરવાઈઝર ધીરુભાઈ શર્માની 4.92 કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.

Gujarat ED Action: ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ લાલ આંખ કરી છે. હજુ થોડા દિવસો પહેલા જ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર પર કાર્યવાહી કર્યા બાદ, હવે ED એ ગુજરાત જમીન વિકાસ નિગમ (GLDC)ના એક નિવૃત્ત અધિકારી પર સકંજો કસ્યો છે. ED એ GLDCના તત્કાલીન ફિલ્ડ સુપરવાઈઝર ધીરુભાઈ બાબભાઈ શર્માની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

4.92 કરોડની સંપત્તિ પર ED નો સકંજો

ગાંધીનગર સ્થિત EDની ઝોનલ ઓફિસે મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ એજન્સીએ ધીરુભાઈ શર્માની કુલ 4.92 કરોડ રૂપિયાની સંપત્તિ કામચલાઉ ધોરણે જપ્ત (ટાંચમાં) કરી લીધી છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓમાં કોમર્શિયલ દુકાનો, રહેણાંક મકાનો, ખેતીની જમીન અને નડિયાદમાં આવેલો જાણીતો 'જલાશ્રય રિસોર્ટ' સામેલ છે.

આવક કરતાં 354% વધુ સંપત્તિનો કેસ

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે આણંદના ACB પોલીસ સ્ટેશનમાં ધીરુભાઈ શર્મા વિરુદ્ધ ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે, 1 એપ્રિલ 2006 થી 31 માર્ચ 2018 ના સમયગાળા દરમિયાન, ધીરુભાઈએ પોતાની કાયદેસરની આવક કરતાં લગભગ 8.04 કરોડ રૂપિયા 354.56% વધુ સંપત્તિ એકઠી કરી હતી. આ FIR ના આધારે જ ED એ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી.


કાળા નાણાં ધોળા કરવાની ક્લાસિક ટેકનિક

EDની તપાસમાં મની લોન્ડરિંગની એક ચોંકાવનારી પેટર્ન સામે આવી છે. ધીરુભાઈ શર્મા, તેમના પરિવારના સભ્યો અને તેમની કંપની મેસર્સ જલાશ્રય રિસોર્ટ પ્રાઈવેટ લિમિટેડ એ ભેગા મળીને બેંકોમાંથી સુરક્ષિત અને અસુરક્ષિત લોન લીધી હતી.

ચોંકાવનારી વાત એ છે કે, આ લોન ભરપાઈ કરવા માટે તેમણે રોકડ રકમનો ઉપયોગ કર્યો હતો. તેઓ મોટી રકમ રોકડમાં બેંક ખાતામાં જમા કરાવતા અને ત્યાંથી તે રકમ ક્રિષ્ના ફાઈનાન્સ અને લોન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. આ એક ક્લાસિક મની લોન્ડરિંગ પદ્ધતિ છે, જેમાં ગેરકાયદે રીતે મેળવેલ રોકડને બેંકિંગ સિસ્ટમમાં નાખીને તેને કાયદેસર બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

રિસોર્ટ અને પરિવારની સંડોવણી

તપાસમાં જાણવા મળ્યું છે કે ધીરુભાઈના પુત્ર અને પત્નીએ 2007માં માત્ર 5.40 લાખ રૂપિયામાં 52 ગુંઠા જમીન ખરીદી હતી. આ જમીન પર 1 ફેબ્રુઆરી 2012ના રોજ જલાશ્રય રિસોર્ટ શરૂ કરવામાં આવ્યો. રિસોર્ટના વિકાસ માટે શરૂઆતમાં 5.50 કરોડની લોન લેવાઈ અને બાદમાં 2018માં 7.85 કરોડનું ફંડિંગ લેવામાં આવ્યું. આ ઉપરાંત 2015-2020 દરમિયાન 1.19 કરોડની અન્ય લોન પણ લેવામાં આવી હતી.

એટલું જ નહીં, રિસોર્ટના ફંડિંગમાં મેસર્સ પ્રેયા સર્વિસીસ નામની કંપનીના નાણાં પણ વપરાયા છે, જેમાં ધીરુભાઈની પુત્રવધૂ 50% ભાગીદારી ધરાવે છે. આ તમામ વ્યવહારો જટિલ રીતે કરવામાં આવ્યા હતા જેથી પૈસાનો અસલી સ્ત્રોત છુપાવી શકાય.

વીમા પોલિસીમાં પણ રોકડ વ્યવહાર

ધીરુભાઈ શર્માએ માત્ર પ્રોપર્ટીમાં જ નહીં, પરંતુ LIC અને મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સ જેવી વીમા પોલિસીઓમાં પણ કાળું નાણું રોક્યું હતું. તપાસમાં ખુલ્યું છે કે તેઓ પ્રીમિયમની રકમ રોકડમાં ભરતા હતા અને જ્યારે પોલિસી પાકતી ત્યારે તે રકમ તેમના બચત ખાતામાં જમા થતી હતી, જેથી તે વ્હાઇટ મની બની જાય.

હાલમાં ED દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ ED એ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર કે. રાજેશ અને અન્ય અધિકારીઓ પર પણ સકંજો કસ્યો હતો, જે બતાવે છે કે ગુજરાતમાં કેન્દ્રીય એજન્સીઓ હવે ભ્રષ્ટાચાર મુદે ફૂલ એક્શન મોડમાં છે.

આ પણ વાંચો- US Tariff Threat: રશિયન તેલ પર 500% ટેક્સની લટકતી તલવાર, ભારતે અમેરિકાને સંભળાવી દીધું ‘અમારા 1.4 અબજ લોકોનું હિત પહેલા’

MoneyControl News

MoneyControl News

First Published: Jan 09, 2026 6:31 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.