આસામમાં પૂરનો કહેર ગંભીર બન્યો: 5.65 લાખથી વધુ લોકો પ્રભાવિત, અત્યાર સુધીમાં 31ના મોત
આસામમાં સતત વરસાદ અને પૂરને કારણે હાહાકાર મચી ગયો છે. 5.65 લાખથી વધુ લોકો પૂરની ઝપેટમાં છે અને 31 લોકોએ જીવ ગુમાવ્યા છે. જાણો આસામની લેટેસ્ટ પરિસ્થિતિ અને હવામાન વિભાગનું એલર્ટ.
પૂરના કારણે આ વર્ષે રાજ્યમાં જીવ ગુમાવનારા લોકોનો કુલ આંકડો 31 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ જે 21 લોકોના મોત થયા છે.
Assam flood: આસામમાં સતત વરસી રહેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. રાજ્યમાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. બુધવાર 22 જુલાઈના રોજ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થતાં હાલાત વધુ બગડ્યા હતા. પૂરના પાણીમાં ડૂબી જવાથી વધુ 21 લોકોના મોત નિપજ્યા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, રાજ્યમાં 5,64,600 થી વધુ લોકો પૂરની ભયંકર ઝપેટમાં આવી ગયા છે.
કયા જિલ્લામાં કેટલા મોત થયા?
પૂરના કારણે આ વર્ષે રાજ્યમાં જીવ ગુમાવનારા લોકોનો કુલ આંકડો 31 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ જે 21 લોકોના મોત થયા છે. શિવસાગરમાં 4 મહિલાઓ અને 2 બાળકો સહિત કુલ 13 લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. ચરાઈદેવમાં 2 બાળકો સહિત 5 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે ગોલાઘાટમાં 2 લોકોના મોત આ સાથે જોરહાટમાં પણ 1 મહિલાનું મોત થયું છે.
સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓ કયા છે?
ASDMAના રિપોર્ટ મુજબ વિશ્વનાથ, ચરાઈદેવ, ધેમાજી, ડિબ્રુગઢ, ગોલાઘાટ, જોરહાટ, કામરૂપ, કામરૂપ મેટ્રો, કાર્બી આંગલોંગ, નાગાંવ, શિવસાગર અને તિનસુકિયા જિલ્લાઓમાં પૂરના કારણે 5.65 લાખ લોકો પ્રભાવિત થયા છે.
આમાં સૌથી ખરાબ હાલત શિવસાગર જિલ્લાની છે, જ્યાં 3.6 લાખ લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. ત્યારબાદ જોરહાટમાં 88,000 અને ચરાઈદેવમાં 72,500 થી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સોમવાર રાત સુધી 15 જિલ્લાઓમાં 3.63 લાખ લોકો પ્રભાવિત હતા, જે આંકડો હવે ઘણો વધી ગયો છે.
હવામાન વિભાગનું 'યલો એલર્ટ'
ભારતીય હવામાન વિભાગએ આસામ માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. આગામી 4 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની પૂરી શક્યતા છે. યલો એલર્ટનો સીધો અર્થ એ છે કે લોકોએ સાવચેત રહેવું અને હવામાનની લેટેસ્ટ અપડેટ્સ પર નજર રાખવી.
રાહત અને બચાવ કામગીરી
સ્થિતિને કાબુમાં લેવા માટે આર્મી, NDRF, SDRF, ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ, પોલીસ અને અન્ય સિવિલ એજન્સીઓએ મોરચો સંભાળી લીધો છે.બચાવ ટીમોએ ચરાઈદેવ, ગોલાઘાટ, જોરહાટ અને શિવસાગરના અલગ-અલગ વિસ્તારોમાંથી 6,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. પ્રશાસન દ્વારા 10 જિલ્લાઓમાં 273 રાહત કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં હાલ 12,284 બેઘર લોકો આશરો લઈ રહ્યા છે.
સરકાર દ્વારા રેશનિંગ અને નુકસાનીનો અંદાજ
છેલ્લા 24 કલાકમાં ઓથોરિટી દ્વારા પૂર પીડિતોને 5,011.07 ક્વિન્ટલ ચોખા, 956.53 ક્વિન્ટલ દાળ, 265.18 ક્વિન્ટલ મીઠું અને 20,115.42 લીટર સરસવનું તેલ વહેંચવામાં આવ્યું છે. પૂરના કારણે આસામના 872 ગામડાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેડૂતોને પણ મોટો ફટકો પડ્યો છે, કારણ કે 24,210.35 હેક્ટર ખેતીલાયક જમીનમાં પાક નાશ પામ્યો છે. આ ઉપરાંત અનેક જિલ્લાઓમાં રસ્તાઓ, પુલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચ્યું છે.