ગોલ્ડમૅન સૅક્સની 2026 માટે મોટી આગાહી: ઇમર્જિંગ માર્કેટ્સમાં રોકાણની તકો વધશે, ભારત અને ચીન રહેશે મોખરે | Moneycontrol Gujarati
Get App

ગોલ્ડમૅન સૅક્સની 2026 માટે મોટી આગાહી: ઇમર્જિંગ માર્કેટ્સમાં રોકાણની તકો વધશે, ભારત અને ચીન રહેશે મોખરે

Goldman Sachs Report 2026: ગોલ્ડમૅન સૅક્સના રિપોર્ટ મુજબ 2026માં ઇમર્જિંગ માર્કેટ્સમાં રોકાણની મોટી તકો સર્જાશે. આર્થિક સુધારા અને સસ્તા વેલ્યુએશન સાથે ભારત અને ચીન રોકાણકારો માટે હોટસ્પોટ બનશે.

અપડેટેડ 10:29:41 AM Feb 20, 2026 પર
Story continues below Advertisement
Goldman Sachs Report 2026: ગોલ્ડમૅન સૅક્સના રિપોર્ટ મુજબ 2026માં ઇમર્જિંગ માર્કેટ્સમાં રોકાણની મોટી તકો સર્જાશે.

Goldman Sachs Report 2026: ગોલ્ડમૅન સૅક્સ ઍસેટ મૅનેજમેન્ટના નવા રિપોર્ટમાં રોકાણકારો માટે એક સ્પષ્ટ દિશા જોવા મળી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરમાં થઈ રહેલા નવા પ્રયોગો અને સતત બદલાતા વૈશ્વિક આર્થિક સમીકરણો વચ્ચે 2026માં ઇમર્જિંગ માર્કેટ્સ (EM) રોકાણ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ માર્કેટમાં ભારત અને ચીન સૌથી મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.

આવનારા સમયમાં નાણાકીય પરિસ્થિતિઓ અને આર્થિક સુધારા ઇમર્જિંગ માર્કેટ્સની ઇકોનોમીને નવો વેગ આપશે. ગોલ્ડમૅન સૅક્સના નિષ્ણાતો બાસાક યાવુઝ, સિમોના ગંબરિની અને મિથરન સુધીરના જણાવ્યા મુજબ ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી ફુગાવો કાબૂમાં આવવાની પૂરી શક્યતા છે. તેનો સીધો ફાયદો ભારત જેવા દેશોને થશે જે મોટા પાયે ઓઈલની આયાત કરે છે. બીજી તરફ સોનું અને તાંબુ જેવી કિંમતી ધાતુઓના ઊંચા ભાવથી નિકાસ પર નિર્ભર દેશોની અર્થવ્યવસ્થાને સારો એવો ટેકો મળશે.

રોકાણકારો હાલમાં થોડા સાવચેત છે છતાં ઇમર્જિંગ માર્કેટ્સનું આકર્ષણ ઘટ્યું નથી. અમેરિકી બજારોની સરખામણીમાં ઇમર્જિંગ માર્કેટ્સના શેર 1 વર્ષના ફોરવર્ડ PE રેશિયોના આધારે લગભગ 40 ટકાના ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ મોટો તફાવત દર્શાવે છે કે અહીં હજુ કમાણીનો ઘણો અવકાશ રહેલો છે.

વર્ષ 2025માં ઇમર્જિંગ માર્કેટ્સના શેરોએ છેલ્લા આઠ વર્ષનું સૌથી શાનદાર રિટર્ન આપ્યું છે. MSCI EM ઇન્ડેક્સે અમેરિકન ડોલરના સંદર્ભમાં 34.4 ટકા જેટલો તગડો નફો રોકાણકારોને રળી આપ્યો છે જે અમેરિકા સહિતના ઘણા વિકસિત બજારો કરતા વધારે છે. નિષ્ણાતો માને છે કે વ્યાજદરમાં અપેક્ષિત ઘટાડો, નબળો પડતો ડોલર અને કંપનીઓના મજબૂત ફંડામેન્ટલ્સના જોરે આ તેજી 2026માં પણ ચાલુ રહેશે. આ રિપોર્ટમાં ત્રણ મુખ્ય બાબતો પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે.

ભારતમાં કોર્પોરેટ કમાણીમાં સુધારો


વર્ષ 2025માં ઊંચા વેલ્યુએશન અને આર્થિક ધીમી ગતિને કારણે ભારત અન્ય દેશોની સરખામણીમાં થોડું પાછળ રહી ગયું હતું. પણ હવે અહીં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. બ્રોકરેજ ફર્મને અપેક્ષા છે કે આગામી બે વર્ષમાં ભારતીય કંપનીઓની કમાણીમાં 14 ટકાનો વધારો થશે. આ આંકડો કોરિયા અને તાઇવાનને બાદ કરતા અન્ય ઇમર્જિંગ માર્કેટ્સના 10 ટકાની સરેરાશ કરતા ઘણો સારો છે. તાજેતરમાં ભારતીય શેરબજારના નબળા પ્રદર્શનને કારણે શેરોના વેલ્યુએશન વધુ વાજબી બન્યા છે. હવે ફાઈનાન્શિયલ, કન્ઝ્યુમર અને કોમોડિટી સેક્ટરમાં લાંબા ગાળાના રોકાણની સારી તક ઊભી થઈ છે. 2025માં MSCI ઇન્ડિયાના નફામાં પણ 10 ટકાનો વધારો નોંધાયો હતો.

એશિયામાં એઆઇ ટેક્નોલોજીનો ઉછાળો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સતત વધતો વ્યાપ ઉત્તર એશિયાના બજારોની સિકલ બદલી રહ્યો છે. ગ્લોબલ એઆઇ સપ્લાય ચેઇનમાં ચીન, તાઇવાન અને દક્ષિણ કોરિયાની કંપનીઓ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ કંપનીઓ સેમિકન્ડક્ટર, મેમરી ચિપ્સ અને ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. ગયા વર્ષે દક્ષિણ કોરિયાના બજારમાં નોંધાયેલા 70 ટકાથી વધુના ઉછાળામાં અડધો હિસ્સો માત્ર સેમિકન્ડક્ટર શેરોનો જ હતો. તાઇવાનના માર્કેટમાં પણ ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ અને ડેટા સર્વરની નિકાસના કારણે ઐતિહાસિક તેજી જોવા મળી છે.

ચીનની નવી નિકાસ રણનીતિ

ચીનના શેરબજારમાં પણ 2025માં મોટો સુધારો જોવા મળ્યો છે. નિકાસમાં ઊંચા મૂલ્ય વાળી પ્રોડક્ટ્સ અને સ્થાનિક સ્તરે ટેક્નોલોજીના વિકાસે તેમાં મોટો ભાગ ભજવ્યો છે. અમેરિકાના ટેરિફ દબાણ છતાં ચીને પોતાનો 5 ટકાનો ગ્રોથ ટાર્ગેટ પૂરો કરી લીધો છે. દુનિયાના કુલ ઉત્પાદન ક્ષેત્રમાં ચીન લગભગ ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે. આ મજબૂત મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને રેર મેટલ્સના સપ્લાય પર તેમનો કાબૂ ભવિષ્યના કોઈપણ વેપાર યુદ્ધના જોખમને ઓછું કરવાની તાકાત ધરાવે છે. અત્યારે ચીનના બજારો અમેરિકા કરતા ઘણા સસ્તા દરે ટ્રેડ થઈ રહ્યા છે અને ત્યાં વિદેશી રોકાણ પણ ઐતિહાસિક સરેરાશ કરતા ઓછું છે જે નવી ખરીદી માટે અનુકૂળ માહોલ ઊભો કરે છે.

ટૂંકમાં 2026નું વર્ષ એવા રોકાણકારો માટે ખૂબ નફાકારક સાબિત થઈ શકે છે જેઓ ભારતની કમાણીમાં થઈ રહેલા સુધારા, એશિયાના એઆઇ ગ્રોથ અને ચીનની મેન્યુફેક્ચરિંગ તાકાત પર ભરોસો રાખીને યોગ્ય જગ્યાએ પોતાનું મૂડી રોકાણ કરશે.

આ પણ વાંચો- જીડીપીની નવી સિરીઝ: સરકારી ક્વાર્ટર્સ હવે પગારનો ભાગ ગણાશે, જાણો અર્થતંત્રના આંકડામાં શું ફેરફાર થશે

MoneyControl News

MoneyControl News

First Published: Feb 20, 2026 10:29 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.