ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળામાં રાજ્યના 108 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.
Gujarat rain: આજે 23 જુલાઈ 2026 ના રોજ ગુજરાતમાં મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે અને લોકોનું જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
સવારે માત્ર 2 કલાકમાં સર્જાયો જળબંબાકાર
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળામાં રાજ્યના 108 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી ભયાનક સ્થિતિ વલસાડના ઉમરગામમાં જોવા મળી છે, જ્યાં માત્ર બે કલાકમાં જ 7.20 ઈંચ વરસાદ ખાબકી જતા નદી-નાળા છલકાઈ ગયા છે.
સવારે 2 કલાકમાં સૌથી વધુ વરસાદ ધરાવતા તાલુકા
ઉમરગામ (વલસાડ): 7.20 ઈંચ
ઉમરપાડા (સુરત): 5.12 ઈંચ
પારડી (વલસાડ): 3.70 ઈંચ
કપરાડા (વલસાડ): 3.31 ઈંચ
નાનાપોંઢા (વલસાડ): 3.27 ઈંચ
છેલ્લા 24 કલાકમાં વલસાડમાં મેઘતાંડવ
છેલ્લા 24 કલાકના સંપૂર્ણ આંકડા જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમી છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં ઐતિહાસિક 35.67 ઇંચ વરસાદ નોંધાયો છે, જેને પગલે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
વલસાડ જિલ્લાના અન્ય 24 કલાકના આંકડા
કપરાડા: 28.78 ઇંચ
નાનાપોંઢા: 25.31 ઇંચ
ધરમપુર: 19.65 ઇંચ
પારડી: 17.64 ઇંચ
વાપી: 16.26 ઇંચ
વલસાડ તાલુકો: 15.87 ઇંચ
નવસારી, તાપી અને ડાંગની પરિસ્થિતિ
માત્ર વલસાડ જ નહીં, પાડોશી જિલ્લાઓમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. નવસારીના વાંસદા તાલુકામાં 17.13 ઇંચ અને ખેરગામમાં 14.09 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી છે, જ્યાં ડોલવણમાં 14.88 ઇંચ, વાલોડમાં 10.08 ઇંચ અને વ્યારામાં 9.49 ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે ડાંગ જિલ્લાના વઘઈમાં પણ 14.53 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે.
સુરત અને મધ્ય ગુજરાતના હાલ
સુરત જિલ્લામાં પણ વરસાદે માઝા મૂકી છે. ઉમરપાડામાં 9.84 ઇંચ અને પલસાણામાં 8.23 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરત શહેરમાં 5.04 ઇંચ વરસાદ પડતાં ઠેર-ઠેર ટ્રાફિક જામ અને પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. મધ્ય ગુજરાત તરફ નજર કરીએ તો, નર્મદા જિલ્લાના નાંદોદમાં 4.17 ઇંચ અને ભરૂચના નેત્રંગમાં 3.78 ઇંચ વરસાદ નોંધાયો છે.