Gujarat Fragmentation Act 1947: ગુજરાતમાં 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા 1947'માં સુધારાને રાષ્ટ્રપતિની લીલી ઝંડી મળી ગઈ છે.
Gujarat Fragmentation Act 1947: ગુજરાતમાં જમીન ધરાવતા લાખો ખેડૂતો, પ્લોટ ધારકો અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે એક ખૂબ જ મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આઝાદી પછી પહેલીવાર 75 વર્ષ જૂના ટુકડા ધારા 1947માં મોટા સુધારા કરવામાં આવ્યા હતા. આ સુધારા બિલને રાજ્યપાલ બાદ હવે રાષ્ટ્રપતિ તરફથી પણ આખરી મંજૂરી મળી ગઈ છે. આ નવા કાયદાના અમલથી જમીનને લગતા વર્ષો જૂના વિવાદો, કોર્ટના ધક્કા અને ભ્રષ્ટાચારનો કાયમી અંત આવશે.
હવે સમગ્ર ગુજરાતમાં 10 ગુંઠાનો એકસમાન નિયમ
પહેલાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં જમીનના પ્રકાર જેવા કે પિયત, બિનપિયત, બાગાયત કે જીરાયત મુજબ ટુકડા માટેના નિયમો અલગ-અલગ હતા. આના કારણે ખેડૂતો અને જમીન ખરીદનારાઓ ભારે મૂંઝવણમાં રહેતા હતા. પરંતુ હવે સરકારે આ જટિલતા દૂર કરી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ હવે આખા ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ કરી દેવાયો છે. એટલે કે, ખેતીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે હવેથી 10 ગુંઠાથી ઓછો જમીનનો ટુકડો પાડી શકાશે નહીં. આનાથી જમીનની લે-વેચ એકદમ સરળ અને પારદર્શક બની જશે.
1948થી અત્યાર સુધીના તમામ ભંગ પેનલ્ટી વગર માફ
નવા સુધારામાં સરકારે જનતાને સૌથી મોટી ભેટ આપી છે. વર્ષ 1948થી લઈને આજ દિન સુધી, જે પણ કિસ્સાઓમાં જમીનના નિયમ કરતા નાના ટુકડા પડ્યા હોય અથવા કાયદાનો ભંગ થયો હોય, તે તમામ વ્યવહારો હવે આપોઆપ કાયદેસર (વિનિયમિત) ગણાશે. સૌથી ખાસ વાત એ છે કે, આ માટે સરકારે કોઈપણ પ્રકારનો દંડ કે પેનલ્ટી ન વસૂલવાનો નિર્ણય લીધો છે. અગાઉના સમયમાં જંત્રીના 10 ટકા જેટલી મોટી પેનલ્ટી ભરવા છતાં જમીનનો વ્યવહાર કાયદેસર ગણાતો ન હતો અને 'ફોક' (રદ) થતો હતો. હવે આ મુશ્કેલી દૂર થવાથી વર્ષો જૂના કેસોનો ફટાફટ નિકાલ આવશે અને જમીનના ટાઈટલ ક્લિયર થશે.
શહેરોના વિકાસને રોકેટ ગતિ આપવા માટે સરકારે એક બીજો મોટો માસ્ટરસ્ટ્રોક માર્યો છે. રાજ્યના તમામ શહેરી વિસ્તારોને આ ટુકડા ધારાની અસરમાંથી સંપૂર્ણપણે મુક્ત કરી દેવાયા છે.
નવા કાયદાથી સામાન્ય માણસને શું ફાયદો થશે?
NA પ્રક્રિયા બનશે સુપરફાસ્ટ: શહેરી વિસ્તારોમાં જમીનને બિનખેતી એટલે કે N.A કરાવવાની પ્રક્રિયા હવે એકદમ ઝડપી બનશે.
રિયલ એસ્ટેટને બૂસ્ટ: નવા બાંધકામો અને પ્રોજેક્ટ્સમાં આવતી કાયદાકીય અડચણો દૂર થશે.
પૈસા અને સમયની બચત: ખેડૂતોને કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને વકીલો પાછળ થતો ખર્ચ બચશે.
પારદર્શિતા: નિયમ એકસમાન હોવાથી જમીનની લે-વેચમાં થતી છેતરપિંડી અને ભ્રષ્ટાચાર અટકશે.
ગુજરાત સરકારનો આ નિર્ણય જમીન વ્યવસ્થાપન ક્ષેત્રે એક ઐતિહાસિક ક્રાંતિ સમાન છે. ભૂતકાળમાં અજાણતા થયેલી ભૂલોને કારણે જે લાખો પરિવારો કાયદાકીય ગૂંચવણોમાં ફસાયા હતા, તેમને હવે કાયમી રાહત મળશે. 10 ગુંઠાના સરળ નિયમ અને શહેરોને અપાયેલી મુક્તિથી ગુજરાતના રિયલ એસ્ટેટ અને કૃષિ બંને ક્ષેત્રે વિકાસનો નવો સૂર્યોદય થશે. ખેડૂત સંગઠનો અને સામાન્ય નાગરિકો સરકારના આ નિર્ણયને ભારે આવકારી રહ્યા છે.