ICCની બાંગ્લાદેશને લાલ આંખ! ભારત આવો નહીંતર વર્લ્ડ કપ ભૂલી જાવ, આ ટીમને મળી જશે એન્ટ્રી
T20 World Cup 2026: ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને T20 વર્લ્ડ કપ 2026 રમવા ભારત આવવા માટે 21 જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો બાંગ્લાદેશ ના પાડશે તો સ્કોટલેન્ડને વર્લ્ડ કપમાં એન્ટ્રી મળી જશે. જાણો સમગ્ર વિવાદ અને IPL કનેક્શન.
T20 World Cup 2026: ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને T20 વર્લ્ડ કપ 2026 રમવા ભારત આવવા માટે 21 જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.
T20 World Cup 2026: ક્રિકેટની દુનિયામાં અત્યારે વર્ષ 2026માં રમાનારા T20 વર્લ્ડ કપને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. યજમાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ ઝુકાવ્યું છે અને બાંગ્લાદેશને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. ICCએ સ્પષ્ટ કરી દીધું છે કે બાંગ્લાદેશ પાસે હવે ભારત આવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી, નહીંતર તેમને વર્લ્ડ કપમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવશે.
ICCનું અલ્ટીમેટમ: 21 જાન્યુઆરી છેલ્લી તારીખ
મળતી માહિતી મુજબ, ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને ભારત પ્રવાસ માટે હા પાડવા માટે 21 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. આ તારીખ સુધીમાં જો બાંગ્લાદેશ ભારત આવવા માટે લેખિત સંમતિ નહીં આપે, તો ICC મોટો નિર્ણય લેશે. પ્લાન B તૈયાર છે – જો બાંગ્લાદેશ નહીં આવે તો તેમની જગ્યાએ યુરોપની મજબૂત ટીમ 'સ્કોટલેન્ડ'ને વર્લ્ડ કપમાં સામેલ કરવામાં આવશે. હાલના રેન્કિંગમાં સ્કોટલેન્ડની સ્થિતિ બાંગ્લાદેશ કરતા સારી હોવાથી આ નિર્ણય લેવાઈ શકે છે.
સુરક્ષાનું બહાનું અને વેન્યુ બદલવાની જીદ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સુરક્ષાના કારણો આગળ ધરીને ભારત આવવા આનાકાની કરી રહ્યું છે. ઢાકામાં યોજાયેલી એક બેઠકમાં BCBએ એવી માંગ કરી હતી કે તેમની મેચો ભારતમાંથી ખસેડીને સહ-યજમાન દેશ શ્રીલંકા શિફ્ટ કરવામાં આવે. બાંગ્લાદેશનો દાવો છે કે એક સ્વતંત્ર એજન્સીના રિપોર્ટ મુજબ ભારતમાં તેમની ટીમ માટે 'મધ્યમથી ઉચ્ચ' (Medium to High) સુરક્ષા જોખમ છે.
જોકે, ICCએ આ દલીલ ફગાવી દીધી છે. ICCનું કહેવું છે કે ભારત સરકાર અને સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ મુજબ બાંગ્લાદેશી ખેલાડીઓ માટે કોઈ જ ખતરો નથી, તેથી મેચો શિફ્ટ કરવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.
IPL કનેક્શન અને 9.2 કરોડનો ખેલાડી
આ સમગ્ર વિવાદમાં આગમાં ઘી હોમવાનું કામ IPLની એક ઘટનાએ કર્યું છે. BCCIએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરી દેવા સૂચના આપી હતી. ગયા વર્ષે જ KKRએ તેને 9.2 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને ખરીદ્યો હતો. જોકે, તેને છૂટો કરવા પાછળનું કોઈ સત્તાવાર કારણ અપાયું નથી, પરંતુ એવું મનાય છે કે ભારતમાં હાલ બાંગ્લાદેશ પ્રત્યે જે રોષ છે, તેના કારણે આ પગલું લેવાયું છે. આ ઘટના બાદ બાંગ્લાદેશ બોર્ડની ચિંતા વધી ગઈ છે.
બાંગ્લાદેશના અન્ય પેંતરા અને ખેલાડીઓની હડતાળ
બાંગ્લાદેશે ભારત ન આવવું પડે તે માટે અનેક પ્રયાસો કર્યા છે:
ગ્રુપ બદલવાની માંગ: બાંગ્લાદેશે ICCને કહ્યું હતું કે તેમને આયર્લેન્ડવાળા ગ્રુપમાં મૂકવામાં આવે, કારણ કે આયર્લેન્ડની મેચો શ્રીલંકામાં રમાવાની છે. પરંતુ ICCએ આ માંગણી પણ ઠુકરાવી દીધી છે.
ખેલાડીઓ નારાજ: આ મામલે બાંગ્લાદેશ બોર્ડના જ એક અધિકારીએ બફાટ કરતા કહ્યું હતું કે, "જો ટીમ વર્લ્ડ કપ નહીં રમે તો બોર્ડને કોઈ ફરક નથી પડતો." આ સાંભળીને ખેલાડીઓ ગુસ્સે ભરાયા હતા અને હડતાળ પર ઉતરી ગયા હતા. જોકે, માંડ માંડ મામલો થાળે પડ્યો હતો.
શેડ્યૂલ શું કહે છે?
નિર્ધારિત કાર્યક્રમ મુજબ, T20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશની ટીમે પોતાની 3 મેચ કોલકાતામાં અને 1 મેચ મુંબઈમાં રમવાની છે. આ ટુર્નામેન્ટની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવાની છે. હવે આખી દુનિયાની નજર 21 જાન્યુઆરી પર છે. શું બાંગ્લાદેશ નમતું જોખશે કે પછી જીદ પકડી રાખીને વર્લ્ડ કપ ગુમાવશે? જાણકારોનું કહેવું છે કે રાજદ્વારી સંબંધો સાચવવા અને ક્રિકેટના હિતમાં બાંગ્લાદેશે ભારત આવવું જ હિતાવહ રહેશે.