જો ભારત પોતાના AI મોડલ નહીં બનાવે તો બીજા પર નિર્ભર રહેવું પડશે: સર્વમ AI ના વિવેક રાઘવન | Moneycontrol Gujarati
Get App

જો ભારત પોતાના AI મોડલ નહીં બનાવે તો બીજા પર નિર્ભર રહેવું પડશે: સર્વમ AI ના વિવેક રાઘવન

Sarvam AI: સર્વમ AI ના કો-ફાઉન્ડર વિવેક રાઘવને સ્પષ્ટ કર્યું છે કે જો ભારત પોતાનું AI મોડલ નહીં બનાવે તો ભવિષ્યમાં અન્ય દેશો પર નિર્ભર રહેવું પડશે. જાણો સંપૂર્ણ અહેવાલ.

અપડેટેડ 11:41:36 AM Feb 20, 2026 પર
Story continues below Advertisement
Sarvam AI: સર્વમ AI ના કો-ફાઉન્ડર વિવેક રાઘવને સ્પષ્ટ કર્યું છે કે જો ભારત પોતાનું AI મોડલ નહીં બનાવે તો ભવિષ્યમાં અન્ય દેશો પર નિર્ભર રહેવું પડશે.

Sarvam AI: ભારત હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે પોતાની મજબૂત પકડ જમાવી રહ્યું છે. તાજેતરમાં સર્વમ AI દ્વારા બહાર પાડવામાં આવેલા લેંગ્વેજ મોડલ્સની ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ પ્રશંસા કરી છે. અભીક દાસ સાથેની એક ખાસ વાતચીતમાં સર્વમ AI ના કો-ફાઉન્ડર વિવેક રાઘવને ભારતના પોતાના લાર્જ લેંગ્વેજ મોડલ અને ભવિષ્યના પડકારો વિશે અગત્યની માહિતી આપી છે.

ભારતના પોતાના AI મોડલને લઈને હાલમાં લોકો અને સરકારમાં ઘણો ઉત્સાહ છે. વિવેક રાઘવને જણાવ્યું કે કોઈપણ પ્રકારની વિદેશી ડેટા નિર્ભરતા વિના ભારત એક એવું લાર્જ લેંગ્વેજ મોડલ બનાવવામાં સફળ રહ્યું છે જે આપણી સ્થાનિક ભાષાઓ માટે એકદમ મજબૂત છે. આ મોડલ તેના કદના અન્ય મોડલ્સની બરાબરી કરી શકે તેવું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આની સરખામણી સૌથી મોટા જેમિની કે એન્થ્રોપિક મોડલ સાથે નથી કરી રહ્યા. પણ તેમણે આ મોડલને ખૂબ જ કાર્યક્ષમ બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે.

ભવિષ્યમાં મોટા મોડલ બનાવવા અંગે વાત કરતા રાઘવને કહ્યું કે તેઓ ચોક્કસપણે મોટા મોડલ બનાવવા માંગે છે. પણ હાલમાં સૌથી વધુ જરૂરી એ છે કે આ મોડલ્સનો લોકો અને કંપનીઓ દ્વારા વધુને વધુ ઉપયોગ થાય. કોઈપણ વ્યક્તિને મોટા લેંગ્વેજ મોડલથી જે 95 ટકા કામની જરૂર પડે છે તે આ મોડલ આસાનીથી અને સચોટ રીતે કરી શકે છે. તેમનું 30 અબજ પેરામીટર વાળું નાનું મોડલ ખૂબ જ ઓછા ખર્ચે ભારતીય ભાષાઓમાં વાતચીત સંભાળવા માટે એકદમ સક્ષમ સાબિત થયું છે.

દેશનું ધ્યાન મોટા મોડલ બનાવવા પર હોવું જોઈએ કે એપ્લિકેશન પર તેવા સવાલના જવાબમાં તેમણે સ્પષ્ટ કીધું કે બંને વસ્તુઓ એટલી જ જરૂરી છે. એપ્લિકેશન પર કામ કરવું જ પડશે કારણ કે તેનાથી મોડલની અસલી કિંમત અને ઉપયોગિતા સમજાય છે. જો ભારત મોડલ બનાવવાની પોતાની ક્ષમતા છોડી દેશે તો ભવિષ્યમાં આપણે બીજા લોકો પર આધાર રાખવો પડશે. પછી વિદેશી કંપનીઓ આપણને કહેશે કે આપણે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. આ બાબત ભારત માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આ મોડલનો વધુમાં વધુ ઉપયોગ કેવી રીતે થાય તે અંગે સરકાર સાથે વાતચીત ચાલી રહી હોવાનો પણ તેમણે સ્વીકાર કર્યો હતો. અત્યારે તેમણે આ વિશે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો છે. પણ એ વાત નક્કી છે કે ભારત ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ મક્કમ ડગલાં ભરી રહ્યું છે.


આ પણ વાંચો- Google ભારતમાં કરશે 1.35 લાખ કરોડનું મોટું રોકાણ: સમુદ્રની અંદર અમેરિકાથી વિશાખાપટ્ટનમ સુધી બિછાવાશે ફાઈબર કેબલ

MoneyControl News

MoneyControl News

First Published: Feb 20, 2026 11:41 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.