India-EU FTA: ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક 'ડીલ' ફાઈનલ! PM મોદી આજે કરશે મોટી જાહેરાત, જાણો ક્યારથી લાગુ થશે FTA?
India-EU FTA: ભારત અને યુરોપીય સંઘ (EU) વચ્ચેના મુક્ત વેપાર કરાર (FTA) પર વાતચીત સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. PM મોદી આજે આ ઐતિહાસિક જાહેરાત કરશે. જાણો આ કરાર ક્યારે લાગુ થશે અને ભારતને શું ફાયદો થશે.
India-EU FTA: ભારત અને યુરોપીય સંઘ (EU) વચ્ચેના મુક્ત વેપાર કરાર (FTA) પર વાતચીત સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.
India-EU FTA: ભારત અને યુરોપીય સંઘ (EU) વચ્ચે વેપાર સંબંધોને લઈને એક ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (FTA) માટેની વાતચીત હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. આ મેગા ડીલને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને આજે મંગળવારે યોજાનારી ભારત-યુરોપીય સંઘ શિખર મંત્રણામાં તેની સત્તાવાર ઐતિહાસિક જાહેરાત કરવામાં આવશે.
PM મોદી કરશે ઐતિહાસિક જાહેરાત
આજે યોજાનારી આ મહત્વપૂર્ણ શિખર મંત્રણામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યજમાન તરીકે યુરોપીય આયોગના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપીય પરિષદના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટાનું સ્વાગત કરશે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે સોમવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત અને EU બંનેએ આ ડીલને ફાઈનલ કરી દીધી છે. ભારતની દ્રષ્ટિએ જોઈએ તો આ વ્યાપાર સમજૂતી ખૂબ જ સંતુલિત અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. અગ્રવાલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ કરારથી યુરોપીય સંઘ સાથે ભારતનું આર્થિક જોડાણ મજબૂત થશે અને બંને અર્થવ્યવસ્થાઓમાં વેપાર અને રોકાણને એક નવી ગતિ મળશે.
ક્યારે લાગુ થશે આ નવો કરાર?
આ સમાચાર બાદ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ કરાર ક્યારથી અમલમાં આવશે? આ અંગે સ્પષ્ટતા કરતા વાણિજ્ય સચિવે કહ્યું હતું કે, "અત્યારે આ સમજૂતીના ડ્રાફ્ટની કાયદાકીય તપાસ (Legal Scrubbing) ચાલી રહી છે. સરકારનો પ્રયાસ છે કે આ પ્રક્રિયા જલ્દી પૂરી કરીને કરાર પર સહી-સિક્કા કરી દેવામાં આવે."
સરકારને આશા છે કે આ વર્ષે જ કરાર પર હસ્તાક્ષર થઈ જશે અને આવતા વર્ષની શરૂઆતથી આ નવો FTA પ્રભાવી એટલે કે લાગુ થઈ શકે છે. આ માત્ર વેપાર પૂરતું સીમિત નથી, પરંતુ આ FTA દ્વારા મંગળવારે ભારત અને યુરોપીય સંઘ એક સ્ટ્રેટેજિક ડિફેન્સ ડીલ (રણનીતિક સંરક્ષણ સમજૂતી) અને પ્રવાસીઓની સરળ અવરજવરને પણ આખરી ઓપ આપશે. વોશિંગ્ટનની નીતિઓને કારણે ઊભી થયેલી વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આ બેઠક વેપાર અને સુરક્ષા બંને માટે ખૂબ મહત્વની સાબિત થશે.
સુરક્ષા અને ડિફેન્સ પાર્ટનરશિપ પર પણ ફોકસ
યુરોપીય આયોગના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને સોમવારે ભારતની પ્રશંસા કરતા કહ્યું હતું કે, "એક સફળ ભારત દુનિયાને વધુ સ્થિર, સમૃદ્ધ અને સુરક્ષિત બનાવે છે. આનાથી આપણને બધાને ફાયદો થાય છે." તેમણે ગણતંત્ર દિવસની પરેડમાં યુરોપીય સંઘની સૈન્ય ટુકડીની હાજરીને બંને પક્ષો વચ્ચેના સુરક્ષા સહયોગનું એક મજબૂત પ્રતીક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આવતીકાલે અમારી સુરક્ષા અને રક્ષા ભાગીદારી પર હસ્તાક્ષર સાથે આ કાર્યક્રમનું સમાપન થશે.
ગણતંત્ર દિવસના મહેમાન બનવું ગર્વની વાત
યુરોપીય સંઘના વેપાર અને આર્થિક સુરક્ષા કમિશનર મારોસ સેફકોવિચ પણ ગણતંત્ર દિવસની ઉજવણીના સાક્ષી બન્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, "ભારતના ગણતંત્ર દિવસ માટે અતિથિ તરીકે આમંત્રિત થવું એ એક ખૂબ જ મોટું સન્માન છે. અમારી ભાગીદારીને કન્ફર્મ કરવા અને એક મહત્વકાંક્ષી FTA ને પૂર્ણ કરીને સંબંધોને વધુ મજબૂત કરવા માટે આનાથી સારો બીજો કોઈ સમય હોઈ શકે નહીં." આમ, આજે મંગળવારનો દિવસ ભારત અને યુરોપના સંબંધો માટે એક નવો અધ્યાય લખવા જઈ રહ્યો છે.