જર્મની અને ફ્રાંસને પછાડી ભારત બન્યું દુનિયાનું 5મું સૌથી મોટું ટેક માર્કેટ, સ્ટાર્ટઅપ ફંડિંગ 7% વધીને $10.3 બિલિયન પર પહોંચ્યું | Moneycontrol Gujarati
Get App

જર્મની અને ફ્રાંસને પછાડી ભારત બન્યું દુનિયાનું 5મું સૌથી મોટું ટેક માર્કેટ, સ્ટાર્ટઅપ ફંડિંગ 7% વધીને $10.3 બિલિયન પર પહોંચ્યું

India tech funding 2026: ભારતીય ટેક સ્ટાર્ટઅપ્સમાં રોકાણકારોનો મોટો દાવ. 2026ના પ્રથમ 9 મહિનામાં ફંડિંગ 7% વધીને $10.3 બિલિયન થયું. ભારત દુનિયાનું 5મું સૌથી મોટું ટેક માર્કેટ બન્યું.

અપડેટેડ 01:58:53 PM Sep 28, 2026 પર
Story continues below Advertisement
ટ્રેક્સન ટેક્નોલોજીસના તાજેતરના રિપોર્ટ અનુસાર, 2026 ના પ્રથમ 9 મહિનામાં ફંડિંગમાં ગયા વર્ષની સરખામણીએ 7%નો વધારો જોવા મળ્યો છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ફંડિંગ રાઉન્ડની સંખ્યામાં 38%નો ઘટાડો થયો છે.

India tech funding 2026: ભારતીય ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સ દુનિયાભરમાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે. હાલમાં જ ભારતે ટેક ફંડિંગના મામલે જર્મની અને ફ્રાંસ જેવા વિકસિત દેશોને પાછળ છોડી દીધા છે. વર્ષ 2026 ના પ્રથમ 9 મહિનામાં ભારતીય ટેક સ્ટાર્ટઅપ્સે 10.3 બિલિયન ડોલરનું જંગી ફંડ એકત્ર કરીને વિશ્વના 5મા સૌથી વધુ ભંડોળ મેળવનાર ટેક માર્કેટ તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

રોકાણકારોની વ્યૂહરચના બદલાઈ: ઓછી કંપનીઓમાં મોટું રોકાણ

ટ્રેક્સન ટેક્નોલોજીસના તાજેતરના રિપોર્ટ અનુસાર, 2026 ના પ્રથમ 9 મહિનામાં ફંડિંગમાં ગયા વર્ષની સરખામણીએ 7%નો વધારો જોવા મળ્યો છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ફંડિંગ રાઉન્ડની સંખ્યામાં 38%નો ઘટાડો થયો છે.

ડેટા મુજબ, 21 સપ્ટેમ્બર 2026 સુધીમાં કુલ 1,134 ફંડિંગ રાઉન્ડ નોંધાયા હતા, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં 1,838 હતા. આ દર્શાવે છે કે રોકાણકારો હવે નવી અને નાની કંપનીઓમાં રોકાણ કરવાને બદલે, સિલેક્ટેડ અને ભરોસાપાત્ર કંપનીઓમાં મોટા પાયે મૂડીરોકાણ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ભારતમાં 100 મિલિયન ડોલર કે તેથી વધુના 18 મોટા સોદા થયા હતા. મોટા સોદાઓને કારણે જ કુલ ફંડિંગમાં વધારો જોવા મળ્યો છે.

યુનિકોર્ન કંપનીઓની સંખ્યામાં વધારો


ફંડિંગ ભલે ઓછી કંપનીઓને મળ્યું હોય, પરંતુ મોટી મૂડી આવવાથી કંપનીઓને મોટો ફાયદો થયો છે. 2026ના આ 9 મહિનામાં ભારતમાં 6 નવા યુનિકોર્ન 1 બિલિયન ડોલરથી વધુ વેલ્યુએશન ધરાવતા સ્ટાર્ટઅપ્સ બન્યા છે. જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં માત્ર 4 કંપનીઓ યુનિકોર્ન બની શકી હતી.

કયા સ્ટેજ પર કેટલું ફંડિંગ મળ્યું?

સ્ટાર્ટઅપ ફંડિંગના અલગ-અલગ તબક્કામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે:

સીડ ફંડિંગ: શરૂઆતી તબક્કાના ફંડિંગમાં 37% નો મોટો ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને 698 મિલિયન ડોલર પર આવી ગયું છે. પ્રથમ વખત ભંડોળ મેળવનારી કંપનીઓ પણ 30% ઘટીને 338 થઈ ગઈ છે.

અર્લી-સ્ટેજ ફંડિંગ: આ તબક્કામાં રોકાણકારોએ સારો રસ દાખવ્યો છે. ફંડિંગ 27% વધીને 4.2 બિલિયન ડોલર સુધી પહોંચ્યું છે.

લેટ-સ્ટેજ ફંડિંગ: મોડા તબક્કાના રોકાણો 5.4 બિલિયન ડોલર સાથે લગભગ સ્થિર રહ્યા છે.

એન્ટરપ્રાઇઝ ટેક અને ફિનટેક સેક્ટરમાં જબરદસ્ત તેજી

રોકાણકારોએ સૌથી વધુ રસ એન્ટરપ્રાઇઝ ટેક્નોલોજી ક્ષેત્રમાં બતાવ્યો છે. આ સેક્ટરના ફંડિંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે:

એન્ટરપ્રાઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: આ સેક્ટરમાં ફંડિંગમાં અધધ 436% નો ઉછાળો આવ્યો છે. ગયા વર્ષના 292 મિલિયન ડોલરની સામે આ વર્ષે 1.6 બિલિયન ડોલરનું ફંડિંગ મળ્યું છે.

એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ: આમાં 49% નો વધારો થયો છે, અને કુલ રોકાણ 3.5 બિલિયન ડોલર પર પહોંચ્યું છે.

ફિનટેક: ફિનટેક સેક્ટરમાં પણ રોકાણકારોનો ભરોસો કાયમ છે, જેમાં 13% ના વધારા સાથે 2.2 બિલિયન ડોલરનું ફંડિંગ આવ્યું છે.

ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ હવે પરિપક્વ થઈ રહી છે. માત્ર સંખ્યા વધારવાને બદલે ક્વોલિટી અને મોટા સોદાઓ પર ફોકસ થઈ રહ્યું છે. જર્મની અને ફ્રાંસને પાછળ રાખીને ભારતનું 5મું સ્થાન મેળવવું એ સાબિત કરે છે કે વૈશ્વિક રોકાણકારો માટે ભારત હજુ પણ એક હોટ ફેવરિટ ટેક ડેસ્ટિનેશન છે.

આ પણ વાંચો- શું હવે UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને RBI ને ફટકારી નોટિસ, જાણો તમામ વિગતો

MoneyControl News

MoneyControl News

First Published: Sep 28, 2026 1:58 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.