આગામી 15 ઓક્ટોબરથી વેપારીઓ માટે એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ નિયમ મુજબ, જો કોઈ ગ્રાહક દુકાનદારને 2000 રૂપિયાથી વધારેનું UPI પેમેન્ટ કરશે, તો દુકાનદારે તેના પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફી ચૂકવવી પડશે.
No UPI Day: જો તમે આવનારી 2 ઓક્ટોબરે બજારમાં મોબાઈલ કે અન્ય કોઈ એક્સેસરીઝ ખરીદવા જવાનું વિચારી રહ્યા છો, તો તમારે રોકડા રૂપિયા સાથે રાખવા પડી શકે છે. દેશભરના મોબાઈલ ફોન વિક્રેતાઓએ 2 ઓક્ટોબરે ‘No UPI Day' મનાવવાની જાહેરાત કરી છે. આ દિવસે દુકાનદારો કોઈપણ પ્રકારનું ઓનલાઈન UPI પેમેન્ટ લેશે નહીં અને વિરોધ નોંધાવવા માટે તેમના QR કોડને કાળા કપડાથી ઢાંકી દેશે.
શા માટે થઈ રહ્યો છે આ વિરોધ?
આગામી 15 ઓક્ટોબરથી વેપારીઓ માટે એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ નિયમ મુજબ, જો કોઈ ગ્રાહક દુકાનદારને 2000 રૂપિયાથી વધારેનું UPI પેમેન્ટ કરશે, તો દુકાનદારે તેના પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફી ચૂકવવી પડશે. જોકે, બે વ્યક્તિઓ વચ્ચે થતા સામાન્ય વ્યવહારો (P2P) અને 2000 રૂપિયાથી નીચેના નાના પેમેન્ટ પર કોઈ ફી લાગશે નહીં. વેપારીઓ આ 0.4 ટકા ચાર્જનો જ સખત વિરોધ કરી રહ્યા છે.
AIMRA એ કરી મોટી જાહેરાત
ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશન (AIMRA)ના વાઇસ પ્રેસિડેન્ટ અને દિલ્હી-NCR ના અધ્યક્ષ તરવિન્દર સિંહે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે, "આવનારી 2 ઓક્ટોબર 2026 ના રોજ અમે 'નો યુપીઆઈ ડે' નું આહ્વાન કર્યું છે. વેપારીઓની ચિંતા સરકાર સુધી પહોંચાડવા માટે ગાંધી જયંતીના આ દિવસે તમામ નાના-મોટા વિક્રેતાઓ સાંકેતિક વિરોધ રૂપે પોતાના UPI QR કોડ પર કાળું કપડું બાંધી દેશે અને ગ્રાહકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાનું ટાળશે."
નાના વેપારીઓને થશે મોટું આર્થિક નુકસાન
વેપારીઓના આ સંગઠને દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ સમક્ષ એક આવેદનપત્ર રજૂ કર્યું છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, જે નાના દુકાનદારો મહિનામાં 5 થી 30 લાખ રૂપિયા સુધીનો UPI નો વેપાર કરે છે, તેમને આ નવા નિયમથી દર મહિને સીધું 2000 થી 12000 રૂપિયાનું ચોખ્ખું નુકસાન થશે. આ રકમ તેમની માસિક કમાણીનો એક બહુ મોટો હિસ્સો છે.
સંગઠનના એક અંદાજ મુજબ, 0.4 ટકા MDR ફી લાગુ થવાથી દેશભરના નાના મોબાઈલ વિક્રેતાઓ પર દર મહિને આશરે 40 કરોડ રૂપિયા અને વાર્ષિક લગભગ 500 કરોડ રૂપિયાનો કમરતોડ આર્થિક બોજ પડશે.
વેપારીઓની મુખ્ય માંગ શું છે?
વેપારીઓએ સ્પષ્ટતા કરી છે કે તેઓ ડિજિટલ ઈન્ડિયા કે સરકારની સિસ્ટમ વિરુદ્ધ નથી. તરવિન્દર સિંહે વધુમાં કહ્યું કે, "જો આપણે ખરેખર ડિજિટલ ઈન્ડિયા ઈચ્છતા હોઈએ, તો UPI પર MDR શૂન્ય જ રહેવો જોઈએ. અમારી ચિંતા માત્ર એ વધારાના આર્થિક બોજ અંગે છે જે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા બદલ વેપારીઓ પર નાખવામાં આવી રહ્યો છે." દુકાનદારોની એક જ સ્પષ્ટ માંગ છે કે સરકાર UPI ને 'શૂન્ય MDR' માળખા હેઠળ જ ચાલુ રાખે જેથી નાના વેપારીઓ બચી શકે.