શું હવે UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને RBI ને ફટકારી નોટિસ, જાણો તમામ વિગતો | Moneycontrol Gujarati
Get App

શું હવે UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને RBI ને ફટકારી નોટિસ, જાણો તમામ વિગતો

UPI Payment charge: UPI પેમેન્ટ પર MDR ચાર્જ લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે સરકાર અને RBI ને નોટિસ ફટકારી છે. જાણો કયા ટ્રાન્ઝેક્શન પર કેટલો ચાર્જ લાગશે.

અપડેટેડ 01:53:23 PM Sep 28, 2026 પર
Story continues below Advertisement
કોર્ટમાં સુનાવણી દરમિયાન જજોએ નોંધ્યું કે આ મામલો કાનૂની કરતાં વધુ ટેકનિકલ બાબતો સાથે જોડાયેલો છે.

UPI Payment charge: જો તમે પણ દુકાને કે મોલમાં ખરીદી કરતી વખતે UPI થી પેમેન્ટ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કેન્દ્ર સરકારે કેટલાક UPI પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો છે. આ મામલે હવે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા કેન્દ્ર સરકાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ને નોટિસ ફટકારી છે.

જોકે, સુપ્રીમ કોર્ટે સરકારના આ નિર્ણય પર હાલ પૂરતો વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે એડવોકેટ અંજન દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા તમામ સંબંધિત પક્ષો પાસેથી 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.

સુનાવણી દરમિયાન કોર્ટ અને સરકારે શું કહ્યું?

કોર્ટમાં સુનાવણી દરમિયાન જજોએ નોંધ્યું કે આ મામલો કાનૂની કરતાં વધુ ટેકનિકલ બાબતો સાથે જોડાયેલો છે. બીજી તરફ, કેન્દ્ર સરકાર વતી કોર્ટને ખાતરી આપવામાં આવી છે કે નવા ફ્રેમવર્ક હેઠળ પેમેન્ટ ગેટવે દ્વારા થતા લગભગ 96% ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે ચાર્જ મુક્ત રહેશે. આવશ્યક સેવાઓ માટે આ MDR ચાર્જ મહત્તમ 5 રૂપિયા સુધી જ મર્યાદિત રાખવામાં આવશે.

કેટલો અને ક્યાં લાગશે ચાર્જ?


સરકારના નવા ફ્રેમવર્ક મુજબ ચાર્જની વિગતો આ પ્રમાણે છે:

સામાન્ય P2M ટ્રાન્ઝેક્શન: પર્સન ટુ મર્ચન્ટ (ગ્રાહકથી દુકાનદાર) વ્યવહારોમાં 2000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર 0.4% MDR લાગશે.

મોટા વ્યવહારો: 75000 રૂપિયા કે તેથી વધુના ટ્રાન્ઝેક્શન માટે મહત્તમ MDR 300 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

આવશ્યક સેવાઓ: રેલવે, ટેલિકોમ, વીમા, પેટ્રોલ પંપ અને ખેતીને લગતી સેવાઓમાં 2000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર ફિક્સ 5 રૂપિયા ચાર્જ લાગશે.

શેરબજાર/મ્યુચ્યુઅલ ફંડ: શેર બ્રોકર કે મ્યુચ્યુઅલ ફંડમાં પેમેન્ટ કરવા પર 0.02% MDR લાગશે, જે વધુમાં વધુ 300 રૂપિયા હશે.

સામાન્ય લોકોને મોટી રાહત

આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે 'પર્સન-ટુ-પર્સન' એટલે કે એક વ્યક્તિ પોતાના બેંક એકાઉન્ટમાંથી બીજી વ્યક્તિને પૈસા મોકલે તો તેના પર કોઈ જ ચાર્જ નહીં લાગે. રકમ ભલે ગમે તેટલી મોટી હોય, તે શૂન્ય ચાર્જ પર જ રહેશે. નોંધનીય છે કે ભારતમાં કુલ UPI વ્યવહારોમાં આની ભાગીદારી 37% અને રકમની દ્રષ્ટિએ 70% છે.

ચાર્જમાંથી થતી કમાણી કોને મળશે?

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે MDR દ્વારા ભેગી થતી રકમ કોઈપણ એક જગાએ નહીં જાય, પરંતુ તે અલગ-અલગ સંસ્થાઓ વચ્ચે વહેંચવામાં આવશે. જેમાં 40% રકમ ગ્રાહકની બેંકને, 30% પેમેન્ટ ગેટવેને, 20% UPI એપને અને બાકીના 10% રકમ UPI એપની સ્પોન્સર બેંકને મળશે.

અરજીમાં શું દલીલ કરવામાં આવી છે?

અરજદાર એડવોકેટ અંજન દત્તાએ પોતાની અરજીમાં ગંભીર આરોપ લગાવ્યો છે કે આ ચાર્જ પૂરતી પારદર્શિતા અને લોકોના અભિપ્રાય લીધા વિના જ થોપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007ની સુધારેલી કલમ 10A ની બંધારણીય માન્યતાને પણ પડકારવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે આ નિયમ સરકારને કોઈપણ સ્પષ્ટ ગાઈડલાઈન વિના મનસ્વી રીતે એ નક્કી કરવાનો અધિકાર આપે છે કે કયું પેમેન્ટ માધ્યમ ફ્રી રહેશે.

સુપ્રીમ કોર્ટની આ નોટિસ બાદ હવે જોવાનું એ રહે છે કે સરકાર અને RBI આગામી 4 સપ્તાહમાં કોર્ટ સમક્ષ પોતાનો શું પક્ષ રજૂ કરે છે. હાલ પૂરતું સામાન્ય ગ્રાહકોએ પર્સનલ લેવડદેવડ માટે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ મોટા મર્ચન્ટ પેમેન્ટ પરના આ નવા નિયમોની બજાર અને વેપારીઓ પર ચોક્કસ અસર પડી શકે છે.

આ પણ વાંચો- Bank Strike Cancelled: બેંક હડતાળ મોકૂફનો નિર્ણય આખરે કેવી રીતે લેવાયો? જાણો 5 દિવસીય વર્કિંગ પર શું લેવાયો નિર્ણય?

MoneyControl News

MoneyControl News

First Published: Sep 28, 2026 1:53 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.