પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રિના સમયે કેટલાક યુવકો કોચિંગ સેન્ટર બહાર ધસી આવ્યા હતા. તેમણે પહેલા સેન્ટરના પોસ્ટર ફાડી નાખ્યા અને ત્યારબાદ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું.
બિહારની રાજધાની પટનામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા પ્રખ્યાત શિક્ષક અને યુટ્યુબર ખાન સરના કોચિંગ સેન્ટર બહાર અંધાધૂંધ ફાયરિંગ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. 2 જૂનની મોડી રાત્રે મુસલ્લાહપુર હાટ વિસ્તારમાં આવેલી તેમની ઇન્સ્ટિટ્યૂટ બહાર કેટલાક અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક સિક્યુરિટી ગાર્ડ ઘાયલ થયો છે.
ફાયરિંગ અને તોડફોડની ઘટના કેવી રીતે બની?
પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રિના સમયે કેટલાક યુવકો કોચિંગ સેન્ટર બહાર ધસી આવ્યા હતા. તેમણે પહેલા સેન્ટરના પોસ્ટર ફાડી નાખ્યા અને ત્યારબાદ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. જ્યારે ત્યાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે તેઓને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે હુમલાખોરોએ તેની સાથે પણ ભારે મારઝૂડ કરી હતી. લોહીલુહાણ થયેલા ગાર્ડને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પટનાનો આ વિસ્તાર હજારો વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું મુખ્ય કેન્દ્ર છે, તેથી ફાયરિંગની ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ડર અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ખાન સરે જણાવી હુમલા પાછળની ચોંકાવનારી વિગત
આ હુમલા અંગે પ્રતિક્રિયા આપતા ખાન સરે સ્પષ્ટ કહ્યું હતું કે, "અમે ખૂબ જ ઓછી ફીમાં ગરીબ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપીએ છીએ અને અહીંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થઈને નોકરી મેળવે છે. આ જ બાબત કેટલાક લોકોને ખટકી રહી છે. આ વ્યાવસાયિક અદાવત અને ઈર્ષ્યાના કારણે જ અમારા પર હુમલો કરવામાં આવ્યો છે."
ખાન સરે પત્રકારો સાથે વાત કરતા વધુમાં જણાવ્યું કે, હુમલાખોરોએ તેમની ઓફિસમાં ભારે તોડફોડ કરી અને બહાર ગોળીઓ ચલાવી. તેમણે તમામ CCTV ફૂટેજ પોલીસને સોંપી દીધા છે. તેમના સિક્યુરિટી ગાર્ડે હુમલાખોરોને ઓળખી પણ લીધા છે. આ ગંભીર ઘટના બાદ ખાન સરે પોતાના અને લાખો વિદ્યાર્થીઓના જીવના જોખમને જોતા પોલીસ પાસે કડક સુરક્ષાની માંગ કરી છે.
પોલીસની તપાસ શરૂ, SSP એ શું કહ્યું?
ફાયરિંગની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પટનાના SSP કાર્તિકેય કે. શર્માએ નિવેદન આપતા કહ્યું કે, "અમને માહિતી મળી છે કે હુમલામાં ગાર્ડને ઈજા પહોંચી છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. અમે ગાર્ડ અને આસપાસના સ્થાનિક લોકોના નિવેદન નોંધી રહ્યા છીએ."
પોલીસ આસપાસના તમામ CCTV ફૂટેજ ફંફોળી રહી છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં પોલીસ પણ માની રહી છે કે આ હુમલો કોચિંગ સેન્ટરો વચ્ચેની ગળાકાપ હરીફાઈનું જ પરિણામ છે.
અગાઉ પણ ફેંકવામાં આવ્યા હતા બોમ્બ
તમને જણાવી દઈએ કે, ખાન સરના કોચિંગ સેન્ટર પર હુમલો થવાની આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ 10 મેના રોજ પણ દિવસદહાડે અજાણ્યા બદમાશો દ્વારા મુસલ્લાહપુર હાટ સ્થિત તેમના સેન્ટર બહાર બે દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. તે સમયે ઓફિસના એક ભાગને અને બહાર ઉભેલી એક વિદ્યાર્થીનીની સ્કૂટીને ભારે નુકસાન પહોંચ્યું હતું. ખાન સર અવારનવાર કહેતા આવ્યા છે કે સાવ નજીવી ફીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાને કારણે સ્થાનિક કોચિંગ માફિયાઓ અને અસામાજિક તત્વો તેમનાથી નારાજ છે અને કોઈ પણ ભોગે તેમની સંસ્થા બંધ કરાવવાના પ્રયાસો કરી રહ્યા છે.
કોણ છે ખાન સર?
ખાન સર પટનાના સૌથી લોકપ્રિય અને ચર્ચિત શિક્ષક છે. તેઓ પોતાના ડિજિટલ પ્લેટફોર્મ અને યુટ્યુબ ચેનલ દ્વારા દેશભરના લાખો વિદ્યાર્થીઓને સરકારી પરીક્ષાઓની તૈયારી કરાવે છે. જટિલ વિષયોને દેશી અને રમૂજી અંદાજમાં સમજાવવાની તેમની રીતને કારણે તેઓ વિદ્યાર્થીઓમાં ભારે લોકપ્રિયતા ધરાવે છે. હાલ પોલીસ આ ફાયરિંગ કેસના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે.