ISROની ઐતિહાસિક ઉડાન: ‘બાહુબલી' રોકેટે સૌથી ભારે વિદેશી સેટેલાઇટને અંતરિક્ષમાં પહોંચાડ્યો, જાણો સમગ્ર મિશન
ISROએ તેના સૌથી પાવરફૂલ રોકેટ LVM3-M6 દ્વારા અત્યાર સુધીના સૌથી ભારે વિદેશી સેટેલાઇટ, 'બ્લુ બર્ડ બ્લોક-2'ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. જાણો આ મિશન કેવી રીતે વિશ્વભરમાં સીધા સ્માર્ટફોન પર 4G અને 5G સર્વિસ પ્રોવાઇડ કરશે.
ISROએ તેના સૌથી પાવરફૂલ રોકેટ LVM3-M6 દ્વારા અત્યાર સુધીના સૌથી ભારે વિદેશી સેટેલાઇટ, 'બ્લુ બર્ડ બ્લોક-2'ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે.
ISRO LVM3-M6 Mission: ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) એ વધુ એક વખત ઈતિહાસ રચીને વૈશ્વિક સ્તરે ભારતનો દબદબો સાબિત કર્યો છે. ઈસરોએ સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી તેના સૌથી પાવરફૂલ અને 'બાહુબલી' તરીકે ઓળખાતા રોકેટ LVM3-M6નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. આ મિશન હેઠળ, LVM3 રોકેટે અત્યાર સુધીના સૌથી ભારે વિદેશી સેટેલાઇટ ‘બ્લુ બર્ડ બ્લોક-2’ને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો છે. આ સફળતાથી ભારતે કોમર્શિયલ સ્પેસ સેક્ટરમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે.
મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય
આ મિશન અમેરિકાની કંપની AST SpaceMobile સાથેની એક મોટી કોમર્શિયલ ડીલનો ભાગ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય નેક્સ્ટ જનરેશન કોમ્યુનિકેશન સેટેલાઇટને અંતરિક્ષમાં તૈનાત કરવાનો છે, જેનો સીધો ફાયદો સામાન્ય સ્માર્ટફોન યુઝર્સને મળશે. આ સેટેલાઇટ વિશ્વભરમાં કોઈપણ ખાસ ડિવાઇસ વગર સીધા સ્માર્ટફોન પર હાઈ-સ્પીડ 4G અને 5G મોબાઈલ બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડ કરશે. જેનાથી યુઝર્સ વૉઇસ કૉલ, વીડિયો કૉલ, ઈન્ટરનેટ ડેટા અને મેસેજિંગ જેવી સુવિધાઓ સરળતાથી મેળવી શકશે.
LVM3 રોકેટની સિદ્ધિ
‘બ્લુ બર્ડ બ્લોક-2’ સેટેલાઇટ એ LVM3 રોકેટ દ્વારા લો અર્થ ઓર્બિટમાં મોકલવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી ભારે પેલોડ છે, જે આ રોકેટના ઈતિહાસમાં એક મોટી સિદ્ધિ ગણાય છે. ISROનું LVM3 રોકેટ 43.5 મીટર ઊંચું છે અને તેનું કુલ વજન (લિફ્ટ-ઓફ માસ) લગભગ 640 ટન છે. તેની ક્ષમતા જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં લગભગ 4,200 કિલોગ્રામ સુધીનો પેલોડ લઈ જવાની છે.
#WATCH | Sriharikota, Andhra Pradesh | ISRO's LVM3 M6 mission lifts off from the Satish Dhawan Space Centre, carrying the BlueBird Block-2 satellite into orbit, as part of a commercial deal with U.S.-based AST SpaceMobile. The mission will deploy the next-generation… pic.twitter.com/VceVBLOU5n
આ સફળ લોન્ચિંગનું મહત્વ એટલા માટે પણ ખૂબ વધારે છે કારણ કે તેનાથી વૈશ્વિક કોમર્શિયલ સ્પેસ સેક્ટરમાં ઈસરોની પ્રતિષ્ઠા અને પકડ વધુ મજબૂત થઈ છે. ભારતીય ધરતી પરથી સૌથી ભારે વિદેશી સેટેલાઇટનું સફળ લોન્ચિંગ એ ઈસરોની ટેકનિકલ ક્ષમતા અને વિશ્વસનીયતાનો ઉત્તમ પુરાવો છે.
LVM3 રોકેટનો ભવ્ય ભૂતકાળ
LVM3 રોકેટ ઈસરોનું સૌથી ભરોસાપાત્ર લોન્ચ વ્હીકલ રહ્યું છે. અગાઉના મિશનમાં, આ રોકેટે ચંદ્રયાન-2, ચંદ્રયાન-3 અને વનવેબના બે મિશન સહિત કુલ 72 સેટેલાઇટ્સને સફળતાપૂર્વક અંતરિક્ષમાં પહોંચાડ્યા છે. આ રોકેટની છેલ્લી ઉડાન LVM3-M5/CMS-03 મિશન હતી, જે 2 નવેમ્બર 2025 ના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.