પાકિસ્તાનનું નામ લીધા વગર જયશંકરની લાલ આંખ: ‘તમે આતંકવાદ ફેલાવશો તો અમે પાણી નહીં આપીએ, અમારી સુરક્ષા કરતા અમને આવડે છે'
S Jaishankar: વિદેશ મંત્રી એસ. જયશંકરે IIT મદ્રાસના કાર્યક્રમમાં પાકિસ્તાનનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આતંકવાદ અને પાણી સાથે ન ચાલે. જાણો તેમણે પાડોશી દેશો અને સુરક્ષા વિશે શું મોટું નિવેદન આપ્યું.
S Jaishankar: વિદેશ મંત્રી એસ. જયશંકરે IIT મદ્રાસના કાર્યક્રમમાં પાકિસ્તાનનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા છે.
S Jaishankar: ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર પોતાની આગવી શૈલીમાં પાડોશી દેશને કડક સંદેશ આપ્યો છે. ચેન્નાઈમાં IIT મદ્રાસના એક કાર્યક્રમ દરમિયાન જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વગર તેને બરાબરનું સંભળાવી દીધું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત પોતાની સુરક્ષા માટે કઈ રીતે પગલાં લેશે, તે ભારત પોતે જ નક્કી કરશે, તેમાં કોઈની સલાહની જરૂર નથી.
આતંકવાદ ચાલુ રાખશો તો સારા પાડોશીના લાભ નહીં મળે
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાત કરતા જયશંકરે કહ્યું કે, દુર્ભાગ્યવશ આપણી પાસે અમુક એવા પાડોશીઓ છે જેમને 'કોમન સેન્સ'ની ભાષા સમજાતી નથી. તેમણે પાકિસ્તાન તરફ ઈશારો કરતા કહ્યું કે, જો કોઈ દેશ એવું નક્કી કરી લે કે તે જાણીજોઈને અને કોઈપણ પસ્તાવા વગર સતત આતંકવાદને પ્રોત્સાહન આપશે, તો ભારત પણ ચૂપ નહીં બેસે.
તેમણે ઉમેર્યું કે, "આતંકવાદ સામે પોતાના નાગરિકોની રક્ષા કરવાનો અમને પૂરો અધિકાર છે. આ અધિકારનો ઉપયોગ અમે ક્યારે અને કેવી રીતે કરીશું, તે અમે જ નક્કી કરીશું. અમને કોઈ શીખવાડી શકે નહીં કે અમારે શું કરવું જોઈએ અને શું નહીં. સ્વરક્ષણ માટે જે પણ જરૂરી હશે તે અમે કરીશું, આ એકદમ કોમન સેન્સની વાત છે."
પાણી અને આતંકવાદ સાથે ન ચાલી શકે
સિંધુ જળ કરાર કે અન્ય જળ સમજૂતીઓ તરફ ઈશારો કરતા વિદેશ મંત્રીએ એક જૂના કિસ્સાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, વર્ષો પહેલા અમે પાણી વહેંચવા માટેના કરાર પર સહમત થયા હતા. તે સમયે અમારો ઈરાદો સદ્ભાવનાનો હતો અને એક સારા પાડોશી તરીકે અમે તે કર્યું હતું. પરંતુ જો તમે દાયકાઓ સુધી આતંકવાદને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખો, તો પછી સારા પાડોશીની ભાવના ટકી શકતી નથી.
જયશંકરે કડક શબ્દોમાં કહ્યું, "તમે એક તરફ એમ કહો કે પ્લીઝ અમારી સાથે પાણી શેર કરો અને બીજી તરફ તમે આતંકવાદ ફેલાવવાનું પણ ચાલુ રાખો, તો આ વાત અમને મંજૂર નથી. જો સારા પાડોશી જેવો ભાવ નહીં હોય, તો તમને સારા પાડોશી હોવાના ફાયદા પણ નહીં મળે."
બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથેના સંબંધો
આ ચર્ચા દરમિયાન જયશંકરે બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા અન્ય પાડોશી દેશો સાથેના સારા સંબંધો વિશે પણ વાત કરી હતી. તેમણે તાજેતરની પોતાની ઢાકા મુલાકાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તેઓ 2 દિવસ પહેલા જ પૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા જિયાના અંતિમ સંસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા બાંગ્લાદેશ ગયા હતા.
તેમણે કહ્યું કે સારા પાડોશીઓ સાથે ભારત હંમેશા ઊભું રહે છે. કોવિડ દરમિયાન રસી આપવી હોય, યુક્રેન સંકટ સમયે મદદ હોય કે પછી શ્રીલંકાના આર્થિક સંકટ સમયે મદદનો હાથ લંબાવવો હોય, ભારતે હંમેશા 'નેબરહૂડ ફર્સ્ટ'ની નીતિ અપનાવી છે. ભારતના વિકાસથી આસપાસના દેશોને પણ ફાયદો થાય છે અને મોટાભાગના પાડોશીઓ એ વાત સ્વીકારે છે કે જો ભારત આગળ વધશે તો તેની સાથે તેમનો પણ વિકાસ થશે.
આમ, જયશંકરે આ કાર્યક્રમમાં સ્પષ્ટ કરી દીધું છે કે પાડોશના દેશો પ્રત્યે ભારતનું વલણ હવે 'જેવા સાથે તેવા' એટલે કે કોમન સેન્સ પર આધારિત રહેશે.